Get The App

સોનામાં આગળ વધતો ઘટાડો: ક્રૂડમાં પીછેહટ

- વૈશ્વિક સોના- ચાંદીના ભાવમાં બેતરફી ઉછળકુદ : ઓપેક દૈનિક ઉત્પાદન ચાર લાખ બેરલ્સ વધારશે

- ક્રૂડમાં આ સપ્તાહમાં નોંધાયેલો ભાવ ઘટાડો માર્ચ- ૨૦૨૩ પછીનો સૌથી મોટો વિકલી ઘટાડો નોંધાયો

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
સોનામાં આગળ વધતો ઘટાડો: ક્રૂડમાં પીછેહટ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. અમદાવાદ બજાર રથયાત્રાના કારણે શુક્રવારે બંધ રહ્યા પછી આજે બજાર ખુલી તથા સોના- ચાંદીના ભાવમાં ખાસ્સી પીછેહટ જોવા મળી હતી. મુંબઈ બજારનો શુક્રવારનો કડાકો અમદાવાદ બજારમાં શનિવારે જોવા મળ્યો હતો.

અમદાવાદ બજારમાં શનિવારે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ શનિવારે કિલોના રૂ.૩૦૦૦ તૂટી ગયા હતા. દરમિયાન વિશ્વબજારમાં ચાંદીના ભાવ ૩૬.૦૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક સોનાના ભાવ ૩૨૭૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૪૦૦ વાળા રૂ.૯૫૨૫૦ જ્યારે  ૯૯૯ના રૂ.૯૫૭૮૪ વાળા રૂ.૯૫૬૫૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૫૧૯૩ વાળા રૂ.૧૦૫૬૦૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૩૩૩થી ૧૩૩૪ વાળા નીચામાં ભાવ ૧૩૨૫ થઈ ૧૩૪૧થી ૧૩૪૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૨૨થી ૧૧૨૩ વાળા નીચામાં ભાવ ૧૧૦૮ થઈ છેલ્લે ભાવ ૧૧૩૬થી ૧૧૩૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ઘટતા અટકી સપ્તાહના અંતે ધીમો સુધારો બતાવતા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૭.૫૦ તથા નીચામાં ૯૭.૦૦ થઈ છેલ્લે ૯૭.૨૫ રહ્યાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ બંધ બજારે રૂ.૮૫.૪૮ વાળા વધી રૂ.૮૫.૫૨ બોલાઈ રહ્યા હતા.

વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૮.૧૨ વાળા ઉંચામાં ૬૮.૪૨ તથા નીચામાં ભાવ ૬૭.૨૦ નોંધાઈ છેલ્લે ભાવ ૬૭.૭૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઓપેકના સૂત્રોના જણાવ્યા મુજબ જુલાઈ પછી હવે ઓગસ્ટ મહિનામાં પણ ક્રૂડતેલના દૈનીક ઉત્પાદનમાં વધુ ૪ લાખ ૧૧ હજાર બેરલ્સની વૃધ્ધિ કરવા વિચારણા શરૂ થઈ છે.

દરમિયાન, આ સપ્તાહમાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બાર ટકાનો ઘટાડો નોંધાતા માર્ચ ૨૦૨૩ પછી સૌથી નબળો આ સપ્તાહ ગણાવાઈ રહ્યો હોવાનું વિશ્વબજારના સૂત્રોએ જણાવ્યું હતું.

Tags :