ચાંદી બે દિવસમાં રૂ.૧૦ હજાર તથા સોનું રૂ.૨૩૦૦ વધી ગયું: ચાંદી અઢી લાખ નજીક
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંસના ૪૫૦૦ ડોલર કુદાવી ગયા હતા.
દરમિયાન, ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૩૦૦ ઉછળી ૯૯૯ના ભાવ રૂ.૧૪૨૫૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૨૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૪૦૦૦ ઉછળી રૂ.૨૪૮૦૦૦ બોલાતા થયા હતા.
ચાંદીના ભાવ બે દિવસમાં ૧૦ હજાર ઉછળ્યા છે. જ્યારે સોનાના ભાવ બે દિવસમાં રૂ.૨૩૦૦ વધી ગયા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૪૬૪થી ૪૪૬૫ ડોલરવાળા વધી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૫૦૯થી ૪૫૧૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૭.૫૯થી ૭૭.૬૦ વાળા વધી ૭૯.૮૫થી ૭૯.૮૬ ડોલર રહ્યા હતા.
અમેરિકામાં જોબગ્રોથના ડેટા અપેક્ષાથી ઓછા આવતાં ત્યાં હવે વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા વધતાં તથા ડોલર ઈન્ડેક્સ ઉંચેથી ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડો એક્ટીવ બાયર્સ રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની મનસ્વી નિતીના કારણે વૈશ્વિક સ્તરે વિવિધ દેશોમાં અજંપો તથા રાજકીય અરાજકતા વધતાં તેના કારણે પણ સોનાની સેફ હેવન લદાયની બાઈંગને નવું કારણ મળ્યું હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
અમેરિકામાં જોબગ્રોથ ૫૦ હજારનો જ્યારે કેનેડામાં માત્ર ૮૨૦૦નો આવ્યો છે. કેનેડામાં બેરોજગારીનો દર વધી ૬.૮૦ ટકા થયો છે. અમેરિકામાં હાઉસિંગ સ્ટાર્ટના ડેટા પાંચ વર્ષનાં સૌથી નબળા આવ્યા છે. દરમિયાન, ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઊંચામાં ૯૯.૨૬ તથા નીચામાં ૯૮.૯૦ રહી છેલ્લે ૯૯.૧૪૪ રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૮૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૮૫૫૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૪૭૮૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૫૦૦૦ ઉછળ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના જો કે ૨૨૯૫ વાળા ઘટી ૨૨૭૯થી ૨૨૮૦ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૮૪૩ વાળા ઘટી ૧૮૨૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે છેલ્લે ૧.૮૩ ટકા પ્લસમાં રહ્યા હતા. ક્રૂડતેલમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉછળી ઉંચામાં ૬૩.૯૨ થઈ ૬૩.૩૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૫૯.૭૭ થઈ ૫૯.૧૨ ડોલર રહ્યા હતા.
ભારતમાં સોના-ચાંદીના ભાવમાં મોટી ઉછળકુદ દેખાતી થતાં હવે ઝવેરીઓ કુપલ રકમ લઈને જ સોદા કરતા થઈ ગયા છે. અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પની છાશવારે બદલાતી ટેરીફ નીતિને કોર્ટમાં પડકારાઈ છે અને હવે કોર્ટનો આ પ્રશ્ને આગળ ઉપર શું ફેંસલો આવે છે તેના પર નજર હતી. મુંબઈ કરન્સી બડારમાં આજે રપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૦.૨૦ વાળા ઘટી રૂ.૯૦.૧૫ રહ્યા હતા.


