સોના-ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમના ભાવ ફરી વધી રૂ.૬૧૦૦૦ને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં સોનાની ઈમ્પોર્ટ પાંચ ટકા વધી: ક્રૂડતેલમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળી
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. દરમિયાન, ભારતમાં સોનાની ઈમ્પોર્ટ જુલાઈમાં ૪.૮૦ ટકા વધી ૪.૧૬ અબજ ડોલર થઈ છે તથા દેશની વેપાર ખાધ ૧૫ ટકા વધી મહિનાની ટોચે ૩૨ અબજ ડોલર થયાના સમાચાર હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔસના ૪૩૮૪થી ૪૩૮૫ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૪૩૧૧થઈ ૪૩૭૦થી ૪૩૭૧ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ભારતમાં ગોલ્ડ રિઝર્વ ૪ અબજ ડોલર વધી ૧૦૮.૭૪ અબજ ડો લર થયાના સમાચાર હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ તૂટયા હતા. તથા અમદાવાદ ચાંદીના ભાવ પણ કિલોના રૂ.૧૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૬૪.૮૮ વાળા ઘટી નીચામાં ભાવ ૬૩.૫૦ તથા ઉંચામાં ભાવ ૬૫.૦૧ છઈ ૬૪.૯૧થી ૬૪.૯૨ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ ઘટી રૂ.૨૩૫૦૦૦ તથા સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેતરફી સાંકડી વધઘટ વચ્ચે આજે ફરતા રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે હવે ઘર્ષણમાં નવાં વળાકો કેવા આવે છે તેના પર બજારની નજર રહી હતી.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૭૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૧૭૫૩ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૩૬૩ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૪૦૦ ઘટી રૂ.૨૩૩૪૮૨ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ રૂ.૨૩૦૦ વધી રૂ.૬૧૭૩૬ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૭૦૦ થઈ ફરી વધી ૧૭૪૪થી ૧૭૪૫ ડોલર રહ્યા હતા. પલેડીયમના ભાવ નીચામાં રૂ.૧૩૦૧ થઈ ૧૩૨૦થી ૧૩૨૧ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ વિશ્વ બજારમાં આજે ૦.૩૩ ટકા નરમ હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૮૬.૨૦ ડોલર તથા ઉંચામાં ૮૮.૬૯ થઈ ૮૭.૨૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૦.૭૧ તથા ઉંચામાં ભાવ ૮૨.૯૯ થઈ ૮૧.૭૩ ડોલર રહ્યા હતા.
અમેરિકાની સરકારે એવો દાવો કર્યો હતો કે હોર્મુઝ રુટ પર ક્રૂડની દૈનિક અવરજવર વધી ૯૦ લાખ બેરલ્સને આંબી ગઈ છે. જો કે વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ આ આંકડો ઉંચો ગણાય છે તથા હકીકતમાં આ આંકડો ૪૪થી ૪૫ લાખ બેરલ્સનો દૈનિક રહ્યો છે! આના પગલે વિશ્વ બજારમાં ખેલાડીઓમાં મુંઝવણ તથા અજંપો વધ્યાના વાવડ મળ્યા હતા.









