સોના-ચાંદીમાં ફરી તેજી: એક સપ્તાહમાં 6 હજાર રૂપિયા મોંઘું થયું સોનું, ચાંદી 2.3 લાખને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and Silver Price: વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા મજબૂત સંકેતો અને ડોલર ઇન્ડેક્સ પરના દબાણને કારણે સ્થાનિક બજારમાં કિંમતી સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ ચાલુ અઠવાડિયા દરમિયાન સોના અને ચાંદી બંનેમાં જોરદાર તેજીનો કરંટ જોવા મળ્યો છે. ફુગાવાની આશંકાઓ ઘટતાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે, જેના પરિણામે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹6,000થી વધુ અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹17,000થી વધુનો ધરખમ વધારો નોંધાયો છે.
સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો: 24 કેરેટ ₹1.46 લાખને પાર
ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિયેશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ચાલુ સપ્તાહે શુદ્ધ સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે.
- 24 કેરેટ સોનું: આ અઠવાડિયામાં ભાવ ₹6,471 વધીને પ્રતિ 10 ગ્રામ ₹1,46,344 પર પહોંચ્યો છે, જે અગાઉ ₹1,39,873 હતો.
- 22 કેરેટ સોનું: દાગીના બનાવવા માટે વપરાતા 22 કેરેટ સોનાનો ભાવ વધીને પ્રતિ 10 ગ્રામ ₹1,34,051 થયો છે, જે અગાઉ ₹1,28,124 હતો.
- 18 કેરેટ સોનું: 18 કેરેટ સોનાનો ભાવ પણ ઉછળીને પ્રતિ 10 ગ્રામ ₹1,09,758 પર બંધ આવ્યો છે, જે અગાઉ ₹1,04,905ના સ્તરે હતો.
અઠવાડિયાની વધઘટ: આ સપ્તાહે 1 જુલાઈના સવારના સત્રમાં સોનાનો સૌથી નીચો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,39,434 નોંધાયો હતો. જ્યારે 3 જુલાઈના સાંજના સત્રમાં સોનું ₹1,46,344ના ઓલ-ટાઇમ હાઈ સ્તરે પહોંચ્યું હતું.
ચાંદીમાં પણ પ્રચંડ તેજી: નવો ઈતિહાસ રચાયો
સોનાની મજબૂતીની પાછળ ચાંદીના ભાવમાં પણ જોરદાર સ્પીડ જોવા મળી છે. આ અઠવાડિયા દરમિયાન ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹17,317 વધીને ₹2,33,858ના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો છે, જે અગાઉ ₹2,16,541 હતો.
- સૌથી ઊંચો ભાવ: 3 જુલાઈના સાંજના સત્રમાં ચાંદી ₹2,33,858 પ્રતિ કિલો પર રહી હતી.
- સૌથી નીચો ભાવ: 1 જુલાઈના સવારના સત્રમાં ચાંદીનો લઘુત્તમ ભાવ ₹2,21,355 નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, IBJA દ્વારા દરરોજ દિવસમાં બે વખત (સવારે અને સાંજે) સોના-ચાંદીના સત્તાવાર ભાવો જાહેર કરવામાં આવે છે.
વૈશ્વિક બજારની સ્થિતિ અને તેજીનું મુખ્ય કારણ
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, ત્યાં પણ સોના-ચાંદી નવી ઊંચાઈ સર કરી રહી છે. વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,170 ડોલર અને ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 62 ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.
બજારના નિષ્ણાતોનું શું કહેવું છે?
કોમોડિટી બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ તેજી પાછળ બે મુખ્ય પરિબળો કામ કરી રહ્યા છે:
ક્રૂડ ઓઇલની નબળાઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ ઘટવાના કારણે ફુગાવાની આશંકાઓ ઓછી થઈ છે, જે બુલિયન માર્કેટ માટે પોઝિટિવ સાબિત થઈ છે.
નબળો ડોલર ઇન્ડેક્સ: છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે. ડોલર નબળો પડતાં જ કિંમતી ધાતુઓની ખરીદીમાં મોટો ઉછાળો આવ્યો છે અને ભાવને મજબૂત સપોર્ટ મળ્યો છે.









