Business

સોના-ચાંદીમાં ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર નજીક પહોંચી ઝડપી ગબડયું

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદી-પ્લેટીનમના ભાવ ઘટ્યા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ 110 ડોલરથી ઘટીને 100 ડોલરની અંદર આવ્યા. અમેરિકામાં વધતા ફુગાવાને કારણે વ્યાજ દરમાં વધારાની શક્યતા છે. અમદાવાદમાં સોનું 1500 અને ચાંદી 3000 રૂપિયા તૂટ્યા. ક્રૂડતેલના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીમાં ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર નજીક પહોંચી ઝડપી ગબડયું

યુએસ ક્રૂડ ૧૦૦ ડોલરની અંદર ઉતર્યું: ફુગાવો વધતાં અમેરિકામાં વ્યાજ દર વધવાની શક્યતા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલના ૧૧૦ ડોલર નજીક પહોંચ્યા પછી ઉંચા મથાળેથી ઝડપી તૂટ્યાના સમાચાર મળ્યા હતા.
અમેરિકામાં ફુગાવો ઉંચો રહેતાં ત્યાં આવતા સપ્તાહમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં ત્યાં વ્યાજના દરમાં વધારો કરાશે એવી શક્યતા વિશ્વ બજારમાં ચર્ચાતી થઈ છે.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસદીઠ ૪૩૭૬થી ૪૩૭૭ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૩૦૦ થઈ ૪૩૩૧થી ૪૩૩૨ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૬૫.૬૩થી ૬૫.૬૪ ડોલરવાળા નીચામાં ભાવ ૬૩.૦૪ થઈ ૬૩.૮૯થી ૬૩.૯૦ ડોલર રહ્યા હતા.

અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૩૦૦૦૦ બોલાયા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૦૯.૯૭ ડોલર થયા પછી ભાવ ઘટી નીચામાં ૧૦૩.૫૦ થઈ ૧૦૪.૫૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચાંમાં ૧૦૪.૫૬ થઈ ૯૯.૭૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૪.૪૬ થઈ ૯૯.૭૬ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૮૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૩૧૫ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ વિશ્વ બજારમાં આજે ૦.૩૫ ટકા માઈનસમાં રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર આજે રૂ.૧૩૦૦ તૂટી ૯૯૫ના રૂ.૧૫૧૩૩૦ તથા ૯૯૯ના રૂ.૧૫૧૩૯૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૪૬૦૦ તૂટી રૂ.૨૨૮૯૨૦ બોલાયા હતા. ક્રૂડતેલના ભાવ ઉંચામાં આજે ૪ મહિનાની ટોચે પહોંચ્યા પછી ઝડપી નીચા ઉતર્યા હતા. ઉંચા મથાળે નવી માગ ઘટવાના સંકેતો ઓપેક દ્વારા અપાયા હતા.

જોકે સાઉદી અરેબિયામાં ક્રૂડનું ઉત્પાદન દૈનિક સરેરાશ ૧૯ લાખ બેરલ્સ ઘટી ૬૨.૩૮ લાખ બેરલ્સ થતાં ત્યાં ઉત્પાદનમાં ૧૯૯૦ પછીનું નવું તળિયું દેખાયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૪ લાખ બેરલ્સ ઘટયાના સમાચાર પણ મળ્યા હતા. ક્રૂડના ભાવ મોડી સાંજે બ્રેન્ટના ૧૦૩.૯૪ તથા યુએસ ક્રૂડના ૯૮.૭૧ ડોલર રહ્યા હતા.