E20 પેટ્રોલથી વાહન બગડે કે માઈલેજ ઘટે તો અમને ફરિયાદ કરો... આ રાજ્યના મુખ્યમંત્રીની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Goa CM Pramod Sawant On E20 Petrol Complaint: E20 પેટ્રોલ અંગે ચાલી રહેલી રાષ્ટ્રવ્યાપી ચર્ચા વચ્ચે ગોવા સરકારે વિધાનસભામાં મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મંગળવારે(1 સપ્ટેમ્બર) જણાવ્યું કે, રાજ્યમાં E20 પેટ્રોલ શરૂ થયા બાદ ગ્રાહકો, વાહન માલિકો, ઓટોમોબાઈલ એસોસિએશન અથવા ગેરેજ તરફથી કોઈ ફરિયાદ મળી નથી. મુખ્યમંત્રી નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગો પણ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, જો કોઈ વાહન માલિકને E20 પેટ્રોલથી ગાડી બગડવાની કે માઈલેજ ઘટવાની સમસ્યાઓનો સામનો કરવો પડે તો તેઓ નાગરિક પુરવઠા વિભાગમાં ફરિયાદ નોંધાવી શકે છે.
E20થી ગાડી બગડે કે માઈલેજ ઘટે તો અહીં કરો ફરિયાદ
વિધાનસભામાં ધારાસભ્ય વેન્ઝી વેગાસ, વિજય સરદેસાઈ અને ક્રુઝ સિલ્વાએ E20 પેટ્રોલનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે 2023 પહેલા બનાવેલા વાહનો અંગે ખાસ ચિંતા વ્યક્ત કરતાં નોંધ્યું કે આવા વાહનોમાં E20 પેટ્રોલનો ઉપયોગ માઇલેજ ઘટાડે છે, કામગીરીમાં ઘટાડો કરે છે અને જાળવણી ખર્ચમાં વધારો કરે છે. આ સાથે ટેક્સી ડ્રાઇવરો અને બાઈક ચાલકો પર આની વધુ અસર પડી રહી હોવાની વાત કહી હતી. આ મામલે ધારાસભ્યોએ માગ કરી હતી કે, ગ્રાહકોને ઇથેનોલ-મુક્ત અથવા અનબ્લેન્ડેડ પેટ્રોલ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે વિધાનસભામાં જણાવ્યું કે, E20 પેટ્રોલ કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને તેને કેન્દ્રીય નીતિના ભાગ રૂપે લાગુ કરવામાં આવ્યું છે. આ નીતિ 2023 થી ગોવામાં અમલમાં છે. અત્યાર સુધી કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી, પરંતુ સરકાર પરિસ્થિતિ પર નજર રાખશે. નાગરિક પુરવઠા વિભાગને પરિસ્થિતિની તપાસ અને દેખરેખ રાખવા તેમજ પેટ્રોલનું પરીક્ષણ કરવા નિર્દેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું કે, ગોવામાં ત્રણ સરકારી તેલ કંપનીઓ દ્વારા E20 પેટ્રોલ વેચવામાં આવી રહ્યું છે. તે રાજ્યભરના 157 રિટેલ આઉટલેટ્સ પર સપ્લાય કરવામાં આવી રહ્યું છે. સરકારનો દાવો છે કે E20ની સલામતી અંગેના અભ્યાસ અને ફિલ્ડ ટ્રાયલ વિવિધ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI), સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) અને IIPનો સમાવેશ થાય છે.
5 ટકા સુધી ઘટી શકે છે માઇલેજ
મુખ્યમંત્રીએ એ પણ સ્વીકાર્યું કે, E10 પેટ્રોલ માટે ડિઝાઇન કરાયેલા વાહનોના માઇલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે. તેમના મતે, E10-અનુરૂપ વાહનોમાં E20 ઇંધણનો ઉપયોગ કરવાથી માઇલેજમાં આશરે 3 થી 5 ટકાનો ઘટાડો થઈ શકે છે. E20 પેટ્રોલ પર ચાલતા વાહનોની વોરંટી પર કોઈ અસર થશે નહીં.
સરકારના જણાવ્યા મુજબ, દેશમાં 20 કરોડથી વધુ ટુ-વ્હીલર અને અંદાજે 3 કરોડ કાર મિશ્રિત ઇંધણ પર ચાલે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી મિશ્રિત પેટ્રોલને કારણે સીધી રીતે એન્જિન નિષ્ફળતા અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. તાજેતરના સમયમાં દેશભરના પેટ્રોલ પંપો પર ભેળસેળ પર નજર રાખવા અને ઇંધણની ગુણવત્તા ચકાસવા માટે 30,000 થી વધુ ગુણવત્તા તપાસ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સોનામાં ₹2000 તો ચાંદીમાં ₹3500થી વધુનો કડાકો, જાણો ભાવ ઘટવાના મુખ્ય કારણો
ફરિયાદો મળશે તો તપાસ કરાશે
ગોવા સરકારે જણાવ્યું કે, અત્યાર સુધી રાજ્યમાં E20 પેટ્રોલ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જો કે, સરકારે સ્પષ્ટતા કરી છે કે જો વાહન માલિકો અથવા ગ્રાહકોને માઇલેજ, કામગીરી અથવા અન્ય કોઈપણ પાસાને લગતી સમસ્યાઓનો અનુભવ થાય છે, તો તેઓ નાગરિક પુરવઠા વિભાગમાં ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં લોકોની ફરિયાદના આધારે તપાસ કર્યા બાદ ઇંધણનું પરીક્ષણ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.




