India

દેશભરમાં મેઘતાંડવ: ઉત્તરાખંડ અને આસામમાં 11ના મોત, UP-ઝારખંડમાં પૂરનું સંકટ, ભૂસ્ખલનથી માર્ગો ઠપ્પ

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો. આસામમાં 4 અને ઉત્તરાખંડમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ગંગા એક્સપ્રેસવેમાં ગાબડું પડ્યું. ઝારખંડના 10 જિલ્લામાં ફ્લેશ ફ્લડની ચેતવણી અપાઈ, જ્યારે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સ્કૂલો બંધ કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશભરમાં મેઘતાંડવ: ઉત્તરાખંડ અને આસામમાં 11ના મોત, UP-ઝારખંડમાં પૂરનું સંકટ, ભૂસ્ખલનથી માર્ગો ઠપ્પ

India Weather Updates | સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશના અનેક રાજ્યોમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો છે. ઉત્તરાખંડ, આસામ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં મૂશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂર, ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાની ઘટનાઓમાં ઉત્તરાખંડમાં 7 અને આસામમાં 4 લોકો સહિત અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનનો કાળો કેર: 7ના મોત, 172 રસ્તાઓ બંધ

ઉત્તરાખંડના અલ્મોડા, બાગેશ્વર, ટિહરી, નૈનીતાલ અને પૌડી જેવા જિલ્લાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. અલ્મોડાના ઉદયુડા ગામમાં મકાન પર કાટમાળ પડતાં બે મહિલાઓ અને એક બાળકનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘટનામાં નેપાળના બે મજૂરોના કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયા છે. પૌડીના કોટદ્વારમાં કોલ્હૂ નદીના તેજ વહાવમાં તણાઈ જવાથી ૨૬ વર્ષીય મા અને તેની દોઢ વર્ષની પુત્રીનું કરૂણ મોત નીપજ્યું છે.

રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 3 નેશનલ હાઇવે સહિત 172 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. બાગેશ્વરમાં NH-109 બંધ થતાં એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો કલાકો સુધી અટવાયા હતા. સતત વરસાદને પગલે સોનપ્રયાગ ખાતે કેદારનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી નૈનીતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર અને પિથોરાગઢમાં શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાના આદેશ અપાયા છે.

આસામના ગુવાહાટીમાં ભૂસ્ખલનથી 4 લોકો દટાયા

આસામના ગુવાહાટીમાં ભૂસ્ખલનની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મથઘરિયા વિસ્તારમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના દંપતી અને તેમની 11 વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક ઘટનામાં 65 વર્ષીય વૃદ્ધનું મોત થતાં આસામમાં કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે.

ઉત્તર પ્રદેશ: ગંગા અને મંદાકિની ભયજનક સપાટીએ, ગંગા એક્સપ્રેસવેમાં પડ્યું ગાબડું

ઉત્તર પ્રદેશના સીતાપુર, બલિયા, વારાણસી, ચિત્રકૂટ અને લખીમપુર ખેરીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉન્નાવ: ભારે વરસાદના કારણે ગંગા એક્સપ્રેસવેમાં મોટું ગાબડું પડી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

ચિત્રકૂટ: મંદાકિની નદી ભયજનક સપાટીથી 4 મીટર ઉપર વહી રહી છે, જેના કારણે રામઘાટ અને નિર્મોહી અખાડા જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલાય લોકોને સેનાના હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા છે.

વારાણસી અને બલિયા: વારાણસીમાં ગંગા નદી ચેતવણીના સ્તરને વટાવી જતાં મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર જળબંબાકાર થતાં છતો પર અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી છે. બલિયામાં ગંગા ખતરાના નિશાનથી 1.60 મીટર ઉપર વહી રહી છે, જેનાથી 20 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સીતાપુરમાં દીવાલ પડવાથી બે લોકોના મોત થયા છે.

ઝારખંડના 10 જિલ્લામાં 'ફ્લેશ ફ્લડ'નું રેડ અને ઓરેન્જ એલર્ટ

ઝારખંડમાં હવામાન વિભાગે ભારે વરસાદને પગલે 10 જિલ્લાઓમાં 'ફ્લેશ ફ્લડ' (અચાનક પૂર)ની ચેતવણી જારી કરી છે. ગઢવા, પલામૂ, સિમડેગા અને પશ્ચિમ સિંહભૂમ માટે રેડ એલર્ટ જ્યારે લાતેહાર, લોહરદગા અને ગુમલા જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પૂર્વ સિંહભૂમના ડુમરિયામાં સૌથી વધુ 217 મીમી વરસાદ નોંધાયો છે. જમશેદપુરમાં ખરકઈ અને સ્વર્ણરેખા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સ્થિતિને જોતાં ગઢવામાં 2 અને 3 સપ્ટેમ્બરના રોજ તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે.