Business

નાણાકીય વર્ષ 2025માં જીડીપી 7 ટકા કરતા ઓછી વૃદ્ધિ પામશે : અર્થશાસ્ત્રીઓ

By GS Team
9 Jun 20242 mins read
This article was originally published on 9 Jun 2024
નાણાકીય વર્ષ 2025માં જીડીપી 7 ટકા કરતા ઓછી વૃદ્ધિ પામશે : અર્થશાસ્ત્રીઓ

નવી દિલ્હી : બાહ્ય ગતિવિધિઓ, ઉચ્ચ આધારની આંકડાકીય અસર અને તકનીકી પરિબળોના કારણે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વર્તમાન નાણાકીય વર્ષમાં ૭% કરતા ઓછું વધી શકે છે તેમ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.

શુક્રવારે, ભારતીય રિઝર્વ બેંકએ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજને ૨૦ બેસિસ પોઈન્ટ્સ વધારીને ૭.૨% કર્યો છે.

દસ અર્થશાસ્ત્રીઓમાંથી મોટા ભાગના એવું માને છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં જીડીપી વૃદ્ધિ ૭% ની નીચે રહેશે અને કેટલાક તેને ૬.૫% પણ અંદાજે છે.

અમે આ નાણાકીય વર્ષમાં ૬.૫% જીડીપી વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ, તેમ છતાં જો ચોખ્ખા પરોક્ષ વેરામાં વૃદ્ધિ અમારી ધારણા મુજબ ધીમી ન પડે તો પણ તેમાં થોડો વધારો થઈ શકે છે તેમ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ગ્રોસ-વેલ્યુ-એડેડ ૬.૮% ના દરે વૃદ્ધિની અપેક્ષા રાખે છે અને 'પ્રતિકૂળ આધાર' અને સબસિડી બિલ નીચલા સ્તરે સ્થિર થવાની પૃષ્ઠભૂમિમાં જીડીપી વૃદ્ધિની સંભાવના જુએ છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪ માં, દેશનો ગ્રોસ-વેલ્યુ-એડેડ ૭.૨% વધ્યો હતો, જ્યારે જીડીપી ૮.૨% વધ્યો હતો.  બંને વચ્ચેનું ૧૦૦ bpsનું અંતર મુખ્યત્વે પાછલા વર્ષોની સરખામણીમાં પરોક્ષ કરની ઊંચી વસૂલાત અને સબસિડી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડાનું પરિણામ હતું. નાણાકીય વર્ષ ૨૪માં, સબસિડી ખર્ચ વાર્ષિક ધોરણે ૨૨% ઘટયો હતો.

તદુપરાંત, નીચા ડિફ્લેટરે પણ નાણાકીય વર્ષ ૨૪ માં વાસ્તવિક વૃદ્ધિને આગળ ધપાવી હતી, જે વર્તમાન નાણાકીય વર્ષમાં ન હોઈ શકે, તેમ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.