Business

ફંડો દ્વારા ૬૦થી વધુ કંપનીઓમાં હોલ્ડિંગ્સમાં ઘટાડો

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં જૂન ત્રિમાસિકમાં મ્યુચ્યુઅલ ફંડોએ ભારતીય ઈક્વિટીમાં જોરદાર ખરીદી કરી. તેમ છતાં, 60 જેટલી કંપનીઓમાં તેમના હોલ્ડિંગ્સમાં ઘટાડો કર્યો છે. ઇક્વિટી સ્કીમ્સના હેતુને ધ્યાનમાં રાખી ફંડ હાઉસો સમયાંતરે પોર્ટફોલિયોમાં ફેરબદલ કરે છે. LIC, NTPC જેવી કંપનીઓમાં ફંડોએ હોલ્ડિંગ ઘટાડ્યું છે. છેલ્લા 1 વર્ષમાં ફંડોએ ₹5.50 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફંડો દ્વારા ૬૦થી વધુ કંપનીઓમાં હોલ્ડિંગ્સમાં ઘટાડો

ઈક્વિટી સ્કીમ્સના હેતુને ધ્યાનમાં રાખી ફંડ હાઉસો પોર્ટફોલિયોમાં ફેરબદલ કરતા રહે છે
મુંબઈ : બદલાતા મૂલ્યાંકનો વચ્ચે સમાપ્ત થયેલા જૂન ત્રિમાસિકમાં ઘરેલુ મ્યુચ્યુઅલ ફન્ડસ ભારતીય ઈક્વિટીસમાં જોરદાર ખરીદી કરી હોવા છતાં ૬૦ જેટલી કંપનીઓમાં તેમણે તેમના હોલ્ડિંગ્સમાં ઘટાડો કર્યો હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે. જૂનમાં સતત ચોથા ત્રિમાસિકમાં મ્યુચ્યુઅલ ફન્ડોએ હોલ્ડિંગ્સમાં ઘટાડો કર્યો છે.
ઈક્વિટી સ્કીમ્સના હેતુને ધ્યાનમાં રાખી ફન્ડ હાઉસો સમયાંતરે પોતાના પોર્ટફોલિઓમાં ફેરબદલ કરતા રહે છે. કંપનીના વેલ્યુએશન તથા ઈન્વેસ્ટમેન્ટની અન્ય તકોને ધ્યાનમાં રાખી આ ફેરફારો કરાતા હોય છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા, નબળા અર્નિંગ્સ તથા ઊંચા મૂલ્યાંકનો વચ્ચે પણ ફન્ડ હાઉસો લાંબા સમયથી ભારતીય ઈક્વિટીસમાં નેટ ખરીદદાર રહ્યા છે.
છેલ્લા એક વર્ષમાં એટલે કે જૂન ૨૦૨૫થી ફન્ડોએ રૂપિયા ૫.૫૦ લાખ કરોડનું રોકાણ કર્યું છે જ્યારે વિદેશી રોકાણકારોએ રૂપિયા ૩.૮૫ લાખ કરોડની વેચવાલી કરી છે.
ભારતીય ઈક્વિટીસમાં વોલેટિલિટીને ધ્યાનમાં રાખી ફન્ડો પોતાના હાથમાં રોકડ જાળવી રાખવાનો પણ વ્યૂહ ધરાવે છે, જેથી બજારમાં કરેકશનના સમયે તેમને ખરીદીની તક મળી રહે.
ઘરઆંગણે મજબૂત ઈન્ફલો છતાં, વૈશ્વિક બજારોની સરખામણીએ ભારતીય બજારોની કામગીરી નબળી જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાં સેન્સેકસમાં ૮.૫૦ ટકા અને નિફટીમાં ૬.૫૦ ટકા નકારાત્મક વળતર પ્રાપ્ત થયું છે.
ઊંચા મૂલ્યાંકનો તથા ઉદ્યોગને લગતી ચિંતાઓ ફન્ડોના હિસ્સામાં ઘટાડા માટેના કારણો રહેલા છે એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
કૃષિ તથા ઉડ્ડયન ક્ષેત્રની કંપનીઓની નબળી કામગીરીને કારણે ફન્ડો તેમાંથી નીકળી રહ્યા છે.
જૂન ત્રિમાસિકમાં જે કંપનીઓમાં ફન્ડોએ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે તેમાં એલઆઈસી, એનટીપીસી, આરઈસી, સ્પાઈસ જેટ, સિવાલિક બાયમેટલ વગેરેનો સમાવેશ થાય છે.
જૂનમાં દેશના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ્સ ધરાવતા ફન્ડો પાસે હાથમાં રોકડની માત્રા ઘટી ૧૯ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. ભારતીય ઈક્વિટી બજારમાં મક્કમતાને કારણે ફન્ડ હાઉસો ઈક્વિટીમાં ફરી પાછા નાણાં ઠાલવી રહ્યા હોવાનું આના પરથી સંકેત મળે છે.