ફંડો, મહારથીઓ મંદીમાં આવ્યા : ઓટો શેરોમાં ધબડકો : સેન્સેક્સ ૩૭૪ પોઈન્ટ ખાબકી ૭૬૫૭૦
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સેબીની તવાઈ વચ્ચે પ્રાઈમરી માર્કેટમાં નવા લિસ્ટેડ શેરોમાં ભાવો ઉછાળી ઓપરેટરો વેચવાલ
નિફટી સ્પોટ ૧૪૧ પોઈન્ટ ગબડીને ૨૩૯૧૪ : કેપિટલ ગુડઝ, આઈટી, બેંકિંગ શેરોમાં ગાબડાં : સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધોવાણ
મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે ફરી આક્રમક યુદ્વની પરિસ્થિતિ સર્જાઈ હોઈ બન્ને દેશોના એકબીજા પર હુમલાને લઈ વૈશ્વિક ટેન્શન વધતાં અને ફરી ભારત, ચાઈના, રશીયાની ત્રિપુટીએ હાથ મિલાવ્યાની ચર્ચાએ અમેરિકા વિશ્વને મોટા સંકટમાં મૂકનાર યુદ્વના પગલાં લેશે એવા સંકેતે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં નવા ગાબડાં પડયા હતા. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ઘર આંગણે મૂડી બજાર નિયામક તંત્ર સેબી પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની વણઝાર વચ્ચે આઈપીઓના શેરોના લિસ્ટિંગમાં થઈ રહેલા તોફાનને પગલે રોકાણકારોના હિત રક્ષણને લઈ લેભાગુ પ્રમોટરો, ફંડો સામે સંખ્યાબંધ કેસોમાં દંડાત્મક પગલાં લેવા માંડતા તવાઈ આવવાની આશંકાએ આજે ઘણા નવા લિસ્ટેડ થયેલા શેરોમાં ભાવો ઉછાળે ઓપરેટરો હળવા થવા લાગ્યા હતા. ફંડોએ આજે ઓટોમોબાઈલ શેરોમાં મોટાપાયે હેમરિંગ કરતાં કડાકો બોલાયો હતો. આ સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, કેપિટલ ગુડઝ-પાવર, બેંકિંગ શેરોમાં પણ મોટી વેચવાલી કરી હતી. ભારે અફડાતફડીના અંતે સેન્સેક્સ ૩૭૩.૯૩ પોઈન્ટ તૂટીને ૭૬૫૭૦.૩૫ અને નિફટી ૫૦ સ્પોટ ૧૪૧.૩૫ પોઈન્ટ ગબડીને ૨૩૯૧૪.૪૫ બંધ રહ્યા હતા.
ચોમાસાની ચિંતા, ક્રુડના ભાવોએ હીરો રૂ.૨૩૬, ટાટા મોટર્સ રૂ.૧૭ તૂટયા : ઓટો ઈન્ડેક્સ ૧૦૫૬ ગબડયો
અલનીનોની અસરે ચોમાસું નબળું પડવા લાગ્યું હોઈ કૃષિ ક્ષેત્રે ચિંતા વધતાં અને વાહનોની તહેવારોમાં ખરીદી મંદ પડવાની આશંકા સાથે બીજી તરફ ક્રુડ ઓઈલના વધતાં ભાવ અને સીએનજી સહિતના ભાવમાં વધારા બાદ હવે પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતા વધારાને લઈ વાહનોના વેચાણમાં મોટી ઓટની શકયતાએ ફંડોએ આજે પણ સતત ઓટોમોબાઈલ શેરોમાં કડાકો બોલાવી દીધો હતો. હીરો મોટોકોર્પ રૂ.૨૩૬ તૂટીને રૂ.૫૩૦૯, સોના બીએલડબલ્યુ રૂ.૩૦.૫૦ તૂટીને રૂ.૭૮૩, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૧૭.૧૫ તૂટીને રૂ.૪૪૭.૨૫, ઉનો મિન્ડા રૂ.૩૩ ઘટીને રૂ.૧૨૩૭.૬૫, એક્સાઈડ રૂ.૧૦.૬૦ ઘટીને રૂ.૪૨૫.૬૦, બોશ રૂ.૯૭૫ ઘટીને રૂ.૪૭,૨૦૫, અપોલો ટાયર રૂ.૮.૪૦ ઘટીને રૂ.૪૩૪.૨૫, બજાજ ઓટો રૂ.૨૦૮.૪૦ ઘટીને રૂ.૧૨,૧૫૧.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૦.૭૦ ઘટીને રૂ.૩૧૯૧.૮૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૨ ઘટીને રૂ.૨૧૫૦, મારૂતી સુઝુકી રૂ.૭૭ ઘટીને રૂ.૧૨,૮૪૨, એમઆરએફ રૂ.૧૭૯.૦૫ ઘટીને રૂ.૧,૩૨,૧૭૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૫૬.૫૧ પોઈન્ટ તૂટીને ૬૧૮૦૮.૧૬ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૫૦ તૂટયો : થર્મેક્સ રૂ.૧૬૬, અપાર રૂ.૫૯૨, જયોતી સીએનસી રૂ.૨૯ તૂટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે મોટી વેચવાલી કરી હતી. થર્મેક્સ રૂ.૧૬૬.૪૦ તૂટીને રૂ.૩૭૫૨.૫૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૯૨.૨૦ તૂટીને રૂ.૧૬,૮૦૫.૧૫, કેઈઆઈ રૂ.૧૬૫.૨૦ તૂટીને રૂ.૫૧૭૦, જયોતી સીએનસી રૂ.૨૮.૯૫ ઘટીને રૂ.૯૫૯.૯૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૮.૭૦ ઘટીને રૂ.૧૦૭૩.૩૫, ટીમકેન રૂ.૭૩.૮૦ ઘટીને રૂ.૩૧૨૬.૪૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૮૬.૨૦ ઘટીને રૂ.૪૧૫૭.૬૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૬૧૭ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૫૦.૪૭ પોઈન્ટ તૂટીને ૭૭૬૪૯.૯૪ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ફરી વેચવાલીનું દબાણ : રેટગેઈન, સિએન્ટ, એફલે, ઝેનસાર તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી ફંડોએ વેચવાલ બનતાં વ્યાપક નરમાઈ જોવાઈ હતી. રેટગેઈન રૂ.૩૬.૯૦ તૂટીને રૂ.૮૭૫.૫૫, સિએન્ટ રૂ.૪૨.૧૦ તૂટીને રૂ.૧૧૨૨.૨૦, એફલે રૂ.૪૮.૪૫ તૂટીને રૂ.૧૫૧૭.૦૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૫.૮૦ તૂટીને રૂ.૫૨૭.૯૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૪૬૦.૩૫, જેનીસીસ ઈન્ટરનેશનલ રૂ.૫.૬૦ ઘટીને રૂ.૨૨૦.૦૫, પ્રોટીઅન રૂ.૧૨.૧૫ ઘટીને રૂ.૪૯૭.૮૫, ન્યુજેન રૂ.૧૨.૬૦ ઘટીને રૂ.૫૧૯.૫૫, યુનિઈકોમ રૂ.૨.૦૫ ઘટીને રૂ.૮૬, હેપ્પિએસ્ટ માઈન્ડનું આઈટી ઈન્ફોટેક સાથે મર્જર થવાના સમાચાર બાદ સતત વેચવાલીએ રૂ.૮.૨૦ ઘટીને રૂ.૩૫૪.૫૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૫૩.૪૧ પોઈન્ટ ઘટીને ૨૯૭૩૩.૬૭ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : ઈન્ડસઈન્ડ, એચડીએફસી, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૭.૮૦ ઘટીને રૂ.૯૭૭.૧૦, એચડીએફસી બેંક રૂ.૧૧.૧૦ ઘટીને રૂ.૭૦૦.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૧૦૨૦.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮.૮૦ ઘટીને રૂ.૧૪૨૮, એક્સિસ બેંક રૂ.૪.૯૫ ઘટીને રૂ.૧૨૫૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૨૦.૯૮ પોઈન્ટ ઘટીને ૬૪૬૯૫.૬૭ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વોલ્ટાસ રૂ.૫૪ તૂટી રૂ.૧૧૫૧ : હવેલ્સ, બ્લુ સ્ટાર, એશીયન પેઈન્ટ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો વેચીને હળવા થયા હતા. વોલ્ટાસ રૂ.૫૪ તૂટીને રૂ.૧૧૫૧, હવેલ્સ રૂ.૩૮ તૂટીને રૂ.૧૧૯૫,બ્લુ સ્ટાર રૂ.૪૦.૧૫ ઘટીને રૂ.૧૪૪૭.૧૦, એશીયન પેઈન્ટ રૂ.૪૧.૪૦ ઘટીને રૂ.૨૫૨૬.૭૦, ક્રોમ્પ્ટન રૂ.૩.૬૫ ઘટીને રૂ.૨૨૭.૫૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૫.૨૦ ઘટીને રૂ.૭૩૯૭ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૧૦.૬૧ પોઈન્ટ ઘટીને ૬૩૬૦૬.૨૯ બંધ રહ્યો હતો.
આઈએફસીઆઈ રૂ.૧૧, ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ, એજીસ વોપેક ટર્મિનલ, રેમન્ડ, સમ્માન કેપિટલ ઉછળ્યા
એનએસઈના આઈપીઓની તૈયારી વચ્ચે આઈએફસીઆઈ રૂ.૧૦.૯૦ ઉછળીને રૂ.૯૮.૨૦ રહ્યો હતો. ધ ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૧૯૯.૧૫, એજીસ વોપેક ટર્મિનલ્સ રૂ.૧૬.૦૫ વધીને રૂ.૨૮૬.૩૫, રેમન્ડ રૂ.૩૨ વધીને રૂ.૬૬૭.૧૦, વેલસ્પન એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૫.૨૫ વધીને રૂ.૭૪૧.૫૫, સાંઈ લાઈફ રૂ.૬૭.૬૦ વધીને રૂ.૧૫૮૬.૫૦, શિલ્પા મેડી રૂ.૩૯.૧૦ વધીને રૂ.૯૨૮.૩૦, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૨૧ વધીને રૂ.૫૩૯, ટાટા પાવર રૂ.૧૩.૭૦ વધીને રૂ.૩૬૩.૮૦, કોલ ઈન્ડિયા રૂ.૧૫.૬૦ વધીને રૂ.૪૧૮.૧૦, સમ્માન કેપિટલ રૂ.૫.૪૫ વધીને રૂ.૧૫૨.૪૫, રેડિંગ્ટન રૂ.૧૩.૭૦ વધીને રૂ.૩૬૩ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત ધબડકો : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૫૬૦ શેરો નેગેટીવ બંધ
સેબી દ્વારા લેભાગુ પ્રમોટરો, ઓપરેટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોઈ અને ઓપરેટરો, પ્રમોટરોની સાંઠગાઠમાં ચાલતાં કૌભાંડો બહાર આવી રહ્યા હોઈ વધુ તવાઈના એંધાણે સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં નવા ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૮૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૯૯ અને ઘટનારની સંખ્યા ૨૫૬૦ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૫૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૮૬.૫૪ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૫૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૮૬.૫૪ લાખ કરોડ પહોંચ્યું હતું.




