IPO થકી ભંડોળ રૂ. એક લાખ કરોડ પાર થવાની તૈયારીમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૦૨૬ ચોથુ એવુ વર્ષ બની રહેશે જેમાં ભરણાં મારફત રૂપિયા એક લાખ કરોડથી વધુ એકત્રિત કરાયા હોય
પેન કાર્ડ દીઠ ડીમેટ ખાતાની સંખ્યા ૧૩.૫૦ કરોડ પહોંચી ગઈ
મુંબઈ : વર્તમાન વર્ષમાં દેશની પ્રાઈમરી માર્કેટમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) મારફત ભંડોળ ઊભા કરવાનો આંક રૂપિયા એક લાખ કરોડને પાર થઈ જવાનું લગભગ નિશ્ચિત જણાઈ રહ્યું છે. વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં અત્યારસુધી ૮૧ આઈપીઓ મારફત કંપનીઓએ રૂપિયા ૮૩૦૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરી લીધી છે અને બહુચર્ચિત એનએસઈના આઈપીઓનું કદ રૂપિયા ૨૨૫૬૦ કરોડ જેટલુ થવા જાય છે.
પ્રથમ નવ મહિના સમાપ્ત થવા પહેલા જ આઈપીઓ મારફત રૂપિયા એક લાખ કરોડથી વધુનું ભંડોળ ઊભુ થઈ જવાની તૈયારીમાં છે. નાણાં વર્ષ સમાપ્ત થવાને ત્રણ મહિના બાકી છે ત્યારે જાહેર ભરણાં મારફત રકમ ઊભી કરવાનો આંક નોંધપાત્ર ઊંચો જોવા મળશે.
૨૦૨૬નું વર્ષ ચોથુ એવુ વર્ષ બની રહેશે જેમાં આઈપીઓ મારફત રૂપિયા એક લાખ કરોડથી વધુની રકમ ઊભી કરાઈ હોય. આ અગાઉ ૨૦૨૧, ૨૦૨૪ તથા ૨૦૨૫ના વર્ષ દરેકમાં રૂપિયા એક લાખ કરોડથી વધુ ભંડોળ ઊભુ કરાયુ હતું.
૧૦૩ આઈપીઓ સાથે રૂપિયા ૧,૭૫,૯૦૦ કરોડ સાથે ૨૦૨૫નું વર્ષ આઈપીઓની દ્રષ્ટિએ અત્યારસુધીનું શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. રિટેલ રોકાણકારો દ્વારા મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત દેશની ઈક્વિટીસમાં વધી રહેલા રોકાણ આઈપીઓની સફળતાનું મુખ્ય કારણ રહેલુ છે. જંગી ઈન્ફલોસ સાથે ફન્ડો આઈપીઓમાં નોંધપાત્ર રકમ ઠાલવી રહ્યા છે.
મ્યુચ્યુઅલ ફન્ડો પાસે જંગી ભંડોળને ધ્યાનમાં રાખતા આઈપીઓ લાવતી કંપનીઓ પણ તેમના આઈપીઓને સફળતા મળવાનો વિશ્વાસ ધરાવે છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
તાજેતરના મહિનાઓમાં આઈપીઓના લિસ્ટિંગમાં રોકાણકારોને સારા વળતર મળી રહેતા રિટેલ રોકાણકારો પણ મોટેપાયે અરજી કરતા જોવા મળી રહ્યા છે.
વર્તમાન વર્ષના જાન્યુઆરી થી જુલાઈના ગાળામાં લિસ્ટ થયેલા શેરો પર પ્રથમ દિવસે રોકાણકારોને સરેરાશ પાંચ ટકા વળતર મળ્યું છે જ્યારે ૨૦૨૫માં આ આંક ૧૦ ટકા રહ્યો હતો.
આઈપીઓના ધસારાને પરિણામે ઈન્વેસ્ટમેન્ટ બેન્કરોને પણ જંગી કમાણી થઈ રહી છે. પ્રાઈમરી માર્કેટમાં તેજીને પરિણામે ઓગસ્ટમાં નવા ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યા સાત મહિનાની ટોચે રહી હતી. જાન્યુઆરીથી મેના ગાળામાં દર મહિને સતત ઘટાડો જોવાયા બાદ જૂનથી નવા ડીમેટ ખાતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
પેન કાર્ડ દીઠ ડીમેટ ખાતાની સંખ્યા (યુનિક ઈન્વેસ્ટર્સ) ૧૩.૫૦ કરોડ પહોંચી ગઈ છે.




