મુંબઈ : ન્યુઝીલેન્ડ સાથેના મુકત વેપાર કરાર (એફટીએ)ને ભારતના ટેકસટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી તથા એપરલ ઉદ્યોગ દ્વારા આવકારવામાં આવ્યો છે. કરારને કારણે આ ક્ષેત્રોને સૌથી વધુ લાભ થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. આ ક્ષેત્રો સિવાયના ક્ષેત્રોને નિકાસમાં ખાસ લાભ જોવા મળવાની સંભાવના ઓછી જણાય છે કારણ કે તે નીચી અથવા ડયૂટી ફ્રીનો અગાઉથી જ લાભ મેળવી રહ્યા છે, એમ ઉદ્યોગ ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે.
ન્યુઝીલેન્ડ ખાતે દેશની જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ જે હાલમાં ૧.૬૬ કરોડ ડોલર જેટલી છે તે કરારને પગલે ત્રણ વર્ષમાં વધી પાંચ કરોડ ડોલર પહોંચવા ધારણાં છે, જ્યારે લેધર તથા ફૂટવેરની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે ઉદ્યોગના સુત્રો અંદાજ મૂકી રહ્યા છે.
ન્યુઝીલેન્ડમાં જ્વેલરીનો માથા દીઠ વપરાશ ઊંચો છે જેને કારણે ભારતના નિકાસકારોને નવી તકો ઊભી થશે એમ જેમ્સ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
ચીન તથા થાઈલેન્ડ જેવા હરિફોની સામે ભારતના નિકાસકારોને ડયૂટીના લાભો મળી રહેશે.
ટેકસટાઈલમાં ચોક્કસ બજારો પરની ભારતના નિકાસકારોની નિર્ભરતામાં આ કરારથી ઘટાડો થશે. ૨૦૩૦ સુધીમાં ટેકસટાઈલ તથા એપરલ ઉદ્યોગનું કદ ૩૫૦ અબજ ડોલર સુધી પહોંચાડવાના લક્ષ્યને ટેકો મળી રહેશે એમ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું.
૨૦૨૫માં ન્યુઝીલેન્ડે ભારત ખાતેથી ૮.૦૨ કરોડના ટેકસટાઈલની આયાત કરી હતી. ટેરિફ નાબુદીને પગલે વોલ્યુમ તથા આવકમાં વૃદ્ધિ જોવા મળશે.
મુકત વેપાર કરારથી ભારતની એપરલ, લેધર, ફાર્મા તથા ઓટો પાર્ટસની નિકાસને નજરે પડતો લાભ જોવા મળશે. ન્યુઝીલેન્ડની ૬૦ ટકા ટેરિફ લાઈન્સ અગાઉથી જ ડયૂટી ફ્રી હોવાથી ભારતની અનેક નિકાસોને નવા લાભ નહીં થાય. માત્ર એવી જ નિકાસોને લાભ જોવા મળશે જેના પર મોટી ડયૂટી વસૂલવામાં આવે છે જેમ કે ગારમેન્ટસ, કારપેટસ, લેધર, એન્જિનિયરિંગ માલસામાન વગેરે એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવે જણાવ્યું હતું.


