ફોરેક્સ રિઝર્વ ૪૪.૯૦ અબજ ડોલર વધી ૭૮૫.૭૧ અબજ ડોલર થતાં નવો રેકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રૂપિયા સામે ડોલરમાં આગેકૂચ : વૈશ્વિક સ્તરે ફોરેક્સ રિઝર્વના સંદર્ભમાં ભારત હવે ચોથા ક્રમાંકે: જોકે ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં રૂપિયો વધુ નબળો પડયો હતો. શેરબજાર ઘટતાં રૂપિયા પર દબાણ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.
ડોલરના ભાવ રૂ.૯૫.૪૫ વાળા આજે સવારે રૂ.૯૫.૬૯ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૫.૮૦ થયા પછી નીચામાં ભાવ રૂ.૯૫.૫૨ થઈ રૂ.૯૫.૫૫ રહ્યા હતા. ડોલરના ભાવ આજે વધુ ૧૦ પૈસા વધતાં રૂપિયો ૦.૧૧ ટકા ઘટયો હતો. દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વ વધુ ૪૪.૯૦ અબજ ડોલર વધી ૭૮૫.૭૦ અબજ ડોલર થતાં નવો રેકોર્ડ નોંધાયો હતો તથા ફોરેક્સ રિઝર્વના સંદર્ભમાં ભારતનું સ્થાન હવે વૈશ્વિક સ્તરે ચોથા ક્રમાંકે આવી ગયાના સમાચાર હતા. આ સંદર્ભમાં ચીન, જાપાન તથા સ્વીત્ઝર્લેન્ડ પછી હવે ભારત ચોથા ક્રમે આવી ગયું હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. દેશમાં ગોલ્ડ રિઝર્વ વધતું અટકી ૨.૫૯ અબજ ડોલર ઘટી ૩૪.૯૪ અબજ ડોલર થયાના સમાચાર મળ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેકસ આજે વધી ૯૯ પાર કરી ઉંચામાં ૯૯.૧૭ થઈ ૯૯.૧૬ રહ્યો હતો. અમેરિકામાં ફુગાવો વધતાં વ્યાજ દર વધવાની શકયતા વધતાં વિશ્વ બજારમાં આજે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધ્યાના સમાચાર મળ્યા હતા.
આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૨૪ પૈસા ઘટી રૂ.૧૨૯.૦૮ રહ્યા હતા. યુરોના ભાવ પણ ૨૪ પૈસા ઘટી રૂ.૧૧૦.૮૧ રહ્યા હતા. જાપાનની કરન્સી જો કે ૦.૨૭ ટકા વધી હતી જયારે ચીનની કરન્સી ૦.૧૬ ટકા ઉંચકાઈ હતી.
ફોરેક્સ ભાવ
ડોલર | રૂ. ૯૫.૫૫ |
પાઉન્ડ | રૂ. ૧૨૯.૦૮ |
યુરો | રૂ. ૧૧૦.૮૧ |
યેન | રૂ. ૦.૬૨ |




