Business

નાણામંત્રીએ MSMEની વ્યાખ્યા બદલી, રૂ. 500 કરોડના ટર્નઓવર સુધી લાભ મળશે

By GS Team
2 Feb 20251 min read
This article was originally published on 2 Feb 2025
નાણામંત્રીએ MSMEની વ્યાખ્યા બદલી, રૂ. 500 કરોડના ટર્નઓવર સુધી લાભ મળશે

અમદાવાદ : નાણાં વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂ ઈન્ડિયાનું હાર્દ ગણાતા એમએસએમઈ માટેની મર્યાદામાં વધારો કર્યો છે. સરકારે એમએસએમઈનો વ્યાપ વધારીને હવે ૫૦૦ કરોડ રૂપિયા કર્યો છે. બજેટ જાહેરાત અનુસાર રૂ. ૫૦૦ કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા સાહસોને હવે એમએસએમઈ ગણવામાં આવશે.

એમએસએમઈની વ્યાખ્યામાં સુધારો કરતા નાણામંત્રીએ બજેટ સ્પીચમાં કહ્યું કે એમએસએમઈને વધુ મોકળું મેદાન આપવાનો સરકારનો આશય છે આથી બજેટમાં નવા વર્ગીકરણ માપદંડોની જાહેરાત કરી છે. મંત્રીએ કહ્યું કે એમએસએમઈ વર્ગીકરણ માટે રોકાણ મર્યાદા ૨.૫ ગણી કરવાની જાહેરાત કરી છે જ્યારે એમએસએમઈ વર્ગીકરણ માટે ટર્નઓવર મર્યાદા બમણી કરી છે.

નાણામંત્રીનું માનવું છે કે એમએસએમઈનો વ્યાપ વધતા દેશનો વિકાસ વધુ ઝડપથી થશે અને યુવાનો માટે નોકરીઓનું સર્જન કરવાનો આત્મવિશ્વાસ મળશે.

બજેટમાં સુધારેલા રોકાણ માપદંડ અનુસાર સૂક્ષ્મ સાહસો માટે રોકાણ મર્યાદા વર્તમાન રૂ. ૧ કરોડમાંથી રૂ. ૨.૫ કરોડ, નાના સાહસો માટે વર્તમાન રૂ. ૧૦ કરોડમાંથી રૂ. ૨૫ કરોડ અને મધ્યમ ઉદ્યોગો માટે વર્તમાન રૂ. ૫૦ કરોડમાંથી રૂ. ૧૨૫ કરોડ કરવાનો નિર્ણય કરાયો છે.

આ જ રીતે, સુધારેલા ટર્નઓવર માપદંડ અનુસાર સૂક્ષ્મ સાહસોની ગણતરી હવે રૂ. ૫ કરોડને બદલે રૂ. ૧૦ કરોડ, નાના સાહસો માટે વર્તમાન રૂ. ૫૦ કરોડમાંથી રૂ. ૧૦૦ કરોડ અને મધ્યમ ઉદ્યોગો માટે વર્તમાન રૂ. ૨૫૦ કરોડમાંથી રૂ. ૫૦૦ કરોડ રહેશે.