Ahmedabad

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો વળાંક: તથ્ય પટેલના 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, જો કે ટેક્નિકલ પુરાવા કેસના સમર્થનમાં

By GS Team
17 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર આરોપી તથ્ય પટેલ સામે ટ્રાયલ ચાલી રહી છે. આ ટ્રાયલ દરમિયાન તથ્ય સાથે કારમાં સવાર તેના પાંચ મિત્રો ગાડીની ઝડપ મુદ્દે પોતાના અગાઉના નિવેદનથી ફરી ગયા છે. જોકે, બાઇક સવારના કેમેરા ફૂટેજ, FSL-RTOની તપાસ અને કાર કંપનીના ડેટા સહિતના ટેક્નિકલ પુરાવા અડીખમ હોવાથી કેસ નબળો પડવાની શક્યતા નહિવત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો વળાંક: તથ્ય પટેલના 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, જો કે ટેક્નિકલ પુરાવા કેસના સમર્થનમાં

Tathya Patel accident case : સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં એક મોટો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે હાલ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલી રહી છે. આ ટ્રાયલ દરમિયાન મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે તથ્ય પટેલની સાથે કારમાં સવાર તેના પાંચેય મિત્રો ગાડીની ઝડપના મુદ્દે પોતાના અગાઉના નિવેદનથી ફરી ગયા છે એટલે કે 'હોસ્ટાઇલ' થયા છે.

અગાઉ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનથી મિત્રોએ ફેરવી તોળ્યું

અકસ્માતની રાત્રે તથ્ય પટેલની કારમાં તેની સાથે માલવિકા પટેલ, શાન સોની, ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ અને શ્રેયા પટેલ બેઠેલા હતા. પોલીસ તપાસ દરમિયાન આ પાંચેય સાક્ષીઓ સહિત અન્ય કેટલાક મહત્ત્વના સાક્ષીઓના CrPCની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

તે સમયે મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં આ પાંચેય મિત્રોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અકસ્માત સમયે તથ્ય ખૂબ જ બેફામ અને પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. કારમાં બેઠેલા અમે બધાએ તેને ગાડી ધીમી કરવા માટે વારંવાર ટોક્યો હતો, પરંતુ તે માન્યો ન હતો અને તેના કારણે જ આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જોકે, હવે જ્યારે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે ત્યારે આ પાંચેય મિત્રોએ આરોપી તથ્ય પટેલને બચાવવાના ઇરાદે ગાડીની ઝડપ મામલે પોતાના અગાઉના નિવેદનથી પલટી મારી છે.

મિત્રો ફરી જવા છતાં કેસ નબળો પડવાની શક્યતા નહિવત : ટેક્નિકલ પુરાવા અડીખમ

કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આરોપીના નજીકના મિત્રો ટ્રાયલ દરમિયાન ફરી જવા છતાં પણ કેસ નબળો પડવાની કે ગાડીની અતિશય ઝડપની હકીકત ખોટી પડવાની શક્યતા નહિવત છે. આ કેસમાં મૌખિક જુબાની કરતાં પણ વધુ મજબૂત સાયન્ટિફિક અને ટેક્નિકલ પુરાવાઓ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા છે.

  • બાઇક સવારના કેમેરાના ફૂટેજ: આ સમગ્ર ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઇક સવારના કેમેરામાં લાઇવ રૅકોર્ડ થઈ ગઈ હતી. નિષ્ણાતો દ્વારા આ વીડિયોની 'ફ્રેમ-ટુ-ફ્રેમ' ઝીણવટભરી ચકાસણી કરીને તથ્યની કારની ચોક્કસ ઝડપનું વૈજ્ઞાનિક ગણિત કાઢવામાં આવ્યું છે.
  • FSL અને RTOની ટેક્નિકલ તપાસ: અકસ્માત બાદ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO)ના નિષ્ણાંતો દ્વારા કારની સઘન ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. કારની એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)ની પણ તપાસ કરાઈ હતી. બ્રેક લગાવ્યા બાદ ગાડી કેટલા અંતર સુધી ઘસડાઈને આગળ ગઈ તે સહિતના ટેક્નિકલ પાસાઓ ચકાસતા અકસ્માત સમયે કારની ઝડપ આશરે 140 કિમી પ્રતિ કલાક હોવાનું સત્તાવાર રીતે કાગળ પર સાબિત થઈ ચૂક્યું છે.
  • કાર કંપનીનો ઓફિશિયલ ડેટા: તપાસનીશ અધિકારીઓ દ્વારા કાર બનાવતી કંપની પાસેથી પણ ગાડીના ઈલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલ (ECM) અને અન્ય ટેક્નિકલ ડેટા મંગાવવામાં આવ્યા હતા, જે કારની અતિશય ઝડપ અને અકસ્માતની ક્ષણોની પુષ્ટિ કરે છે.
  • અન્ય નજરે જોનારા સાક્ષીઓ: દુર્ઘટના બની ત્યારે ઈસ્કોન બ્રિજ પર અન્ય રાહદારીઓ અને વાહનચાલકો પણ મોટી સંખ્યામાં હાજર હતા, જેમની જુબાની પણ કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

વૈજ્ઞાનિક પુરાવા જ ચુકાદાનો મુખ્ય આધાર બનશે

સામાન્ય રીતે હાઈ-પ્રોફાઈલ અને ગંભીર ગુનાના કેસોમાં આરોપીના નજીકના મિત્રો કે પરિચિત સાક્ષીઓ દબાણ કે લાગણીવશ થઈને ટ્રાયલ સમયે આરોપીની તરફેણમાં નિવેદન બદલી નાખતા હોય છે. પરંતુ, ભારતીય ન્યાય પ્રણાલીમાં જ્યારે અદાલત સમક્ષ નક્કર, વૈજ્ઞાનિક અને ટેક્નિકલ પુરાવાઓ ઉપલબ્ધ હોય, ત્યારે ફરી ગયેલા સાક્ષીઓની જુબાની કરતાં ટેક્નિકલ પુરાવાઓને જ સર્વોપરી ગણવામાં આવે છે.