Business

શેરબજારમાં FIIનું રોકાણ 15 મહિનાના તળિયે

By GS Team
31 Jan 20252 mins read
This article was originally published on 31 Jan 2025
શેરબજારમાં FIIનું રોકાણ 15 મહિનાના તળિયે

વિદેશી રોકાણકારોની જાન્યુઆરીમાં એકધારી વેચવાલીની અસર

અમદાવાદ : જાન્યુઆરીમાં ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા રોકાણ રૂા. ૨.૧૫ લાખ કરોડ  (૨૫ અબજ ડોલર)  રહ્યું છે. વિદેશી રોકાણકારોના રોકાણનું આ સ્તર ૧૫ મહિનામાં સૌથી ઓછું છે. એનએસડીએલના ડેટા દર્શાવે છે કે એફઆઈઆઈની ગ્રોસ ઈન્વેસ્ટમેન્ટ વેલ્યુ જાન્યુઆરી ૨૦૨૫માં ભારતીય ઇક્વિટી માર્કેટમાં ૨૪.૯૩ અબજ ડોલર રહી છે. અગાઉ આ લેવલ ઓક્ટોબર, ૨૦૨૩માં જોવા મળ્યું હતું. 

નોંધનીય છે કે જાન્યુઆરી મહિનાના રોકાણનું આ લેવલ ૧૨ મહિનાના સરેરાશ ૪૩.૦૬ અબજ ડોલર કરતાં પણ ૪૨ ટકા ઓછું છે. સપ્ટેમ્બર, ૨૦૨૪માં એફઆઈઆઈએ ભારતીય શેરોમાં લગભગ ૫૨ અબજ ડોલરની રેકોર્ડ ખરીદી કરી હતી.

જાન્યુઆરીમાં એફઆઈઆઈએએ કુલ ૩૨.૬૦ અબજ ડોલરની વેલ્યુના ભારતીય ઈક્વિટી શેર વેચ્યા હતા. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં નેટ આઉટફ્લો ૭.૬૭ અબજ ડોલર નોંધાયો છે. ૧૫ જાન્યુઆરી સુધીમાં એફઆઈઆઈ ઈક્વિટી એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ-કુલ નેટ રોકાણની વર્તમાન વેલ્યુ) ઘટીને ૭૮૬ અબજ ડોલરના ૮ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં એફઆઈઆઈની ઇક્વિટી એયુએમ ૯૩૧ અબજ ડોલરના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી.

બજાર નિષ્ણાંતોના મતે જાન્યુઆરી ઐતિહાસિક રીતે નબળો મહિનો રહ્યો છે. આ વર્ષે વેચાણનું સ્તર અસાધારણ રહ્યું છે. 'કામચલાઉ ડેટાના આધારે, ૨૯ જાન્યુઆરીએ જ વિદેશી રોકાણકારોએ ૨૬૦૦ કરોડ રૂપિયાનો વધારાનો ઉપાડ કર્યો છે. આ સતત ૧૯મો દિવસ છે કે જ્યારે વિદેશી રોકાણકારોએ ભારતીય શેર વેચ્યા હતા.'

વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલીને કારણે આ મહિનામાં અત્યાર સુધીમાં બેંચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ૩ ટકાથી વધુનો ઘટાડો થયો છે. બીજી તરફ બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ જેવા બ્રોડર માર્કેટ ઈન્ડેકસોમાં ૮ ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ વેચાણ દબાણ છતાં, જાન્યુઆરીના મધ્યમાં ભારતીય ઇક્વિટીમાં એફઆઈઆઈની ઓનરશીપ એટલે કે માલિકી ૧૬.૧ ટકા હતી.

એફઆઈઆઈનો કુલ ખરીદ-વેચાણ ગુણોત્તર ઘટીને ૦.૭૬ના ૩૧ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો, જે લાંબા ગાળાના સરેરાશ ૧.૦૫થી પણ ઘણો નીચે છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે વિદેશી રોકણકારો કોઈપણ ભાવ જોયા વગર ગમે તે ભાવે ગમે તે લેવલે અંધાધૂંધ વેચાણ કરી રહ્યાં છે.

રોકડ બજારમાં વેચાણ ઉપરાંત એફઆઈઆઈ ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં પણ તેમની મંદીની સ્થિતિ ખૂબ જ વધારી રહ્યાં છે. રસપ્રદ વાત એ છે કે, નિફ્ટી અને બેંક નિફ્ટી ટોચ પર પહોંચ્યાના બરાબર ૧૦ દિવસ પછી, ૬ ઓક્ટોબરના રોજ એફઆઈઆઈએ ઇન્ડેક્સ ફ્યુચર્સને શોર્ટ કર્યા એટલેકે લોંગ કરતા વધુ શોર્ટ પોઝિશન લેવાનું શરૂ કર્યું હતુ અને ત્યારબાદથી બજાર સતત મંદીના વમળોમાં ઘેરાયેલું છે.