Get The App

એપ્રિલથી ઓકટોબર દરમ્યાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં વીસ ટકા વધારો

- ટેરિફ વોર વચ્ચે નિકાસ મથકોમાં વૈવિધ્યતા વધારવાના પ્રયાસોમાં જોવાતી સફળતા

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
એપ્રિલથી ઓકટોબર દરમ્યાન ભારતમાંથી  હોંગકોંગ ખાતેની નિકાસમાં વીસ ટકા વધારો 1 - image

મુંબઈ : જેમ્સ અને જ્વેલરી, ટેલિકોમ સાધનો જેવી માલસામાનની માગમાં વધારાને કારણે વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ઓકટોબરના ગાળામાં દેશમાંથી હોંગકોંગ ખાતે નિકાસમાં વાર્ષિક ધોરણે ૨૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે. 

નાણાં વર્ષ ૨૦૨૫ના એપ્રિલથી ઓકટોબરમાં ૩.૬૦ અબજ ડોલરની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના સમાન ગાળામાં નિકાસ આંક ૪.૩૬ અબજ ડોલર રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.

ભારતના ટોચના દસ નિકાસ મથકોમાં હોંગકોંગનો સમાવેશ થાય છે, અને કુલ નિકાસમાં તેનો હિસ્સો બે ટકા જેટલો રહે છે. અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ઊંચા ટેરિફ બાદ દેશના નિકાસકારો તથા સરકાર દ્વારા નિકાસ મથકોમાં વૈવિધ્યતા લાવવાના પ્રયાસોના હકારાત્મક પરિણામ જોવા મળવાનું શરૂ થયું છે.

અમેરિકા સિવાયના અન્ય દેશોમાં ભારત નિકાસ વધારી રહી છે, જેને કારણે અમેરિકા ખાતે નિકાસમાં ઘટાડો ભરપાઈ થઈ શકે છે. 

વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ઓકટોબરમાં ભારતની નિકાસ ૧૧.૭૫ ટકા ઘટી ૩૪.૩૫ અબજ ડોલર રહી છે. જો કે હોંગકોંગની વાત કરીએ તો ત્યાં ભારતની નિકાસમાં સતત સુધારો જોવા મળી રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે નવા નિકાસ મથકોની શોધ ઉપરાંત હાલના નિકાસ મથકો ખાતે નિકાસ વધારવાના પ્રયાસોમાં ભારતને સફળતા મળી રહી હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. વર્તમાન નાણાં વર્ષના  પ્રથમ છ  મહિનામાં દેશમાંથી ૧૧૧ રાષ્ટ્રોમાં ટેકસટાઈલની  નિકાસમાં ૧૦ ટકા વધારો થયાનું આ અગાઉ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

ગયા નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ૭૭૧.૮૫ કરોડ ડોલરની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના સમાન ગાળામાં સદર ૧૧૧ દેશોમાં ટેકસટાઈલ નિકાસનો આંક ૮૪૮.૯૦ કરોડ ડોલર  રહ્યો છે. 

એક ખાનગી બેન્ક દ્વારા  તાજેતરમાં હાથ ધરાયેલા સર્વમાં ભાગ લેનારામાંથી  દેશના ૮૫ ટકા જેટલા વેપાર ગૃહોએે હાલની વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ માટે સાઉદી અરેબિયાને આકર્ષક વેપાર મથક ગણાવ્યું હતું.