Business

ઘઉં તથા સંબંધિત પ્રોડકટસ પરનો નિકાસ પ્રતિબંધ તાત્કાલિક રીતે ઉઠાવી લેવાયા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈથી મળતા અહેવાલ મુજબ, સરકારે ઘઉં, આટા, મેંદા, સોજી અને દુરુમ ઘઉં પરનો નિકાસ પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લીધો છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ 12 જુલાઈ, 2022થી આ પ્રતિબંધ લાગુ કરાયો હતો. સ્થાનિક સ્ટોક પૂરતો હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે. આનાથી વૈશ્વિક બજારોમાં ઘઉંનો પુરવઠો વધશે અને સ્થાનિક ટ્રેડરોને ફાયદો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘઉં તથા સંબંધિત પ્રોડકટસ પરનો નિકાસ પ્રતિબંધ તાત્કાલિક રીતે ઉઠાવી લેવાયા
  • 12 જુલાઈ-22થી સરકારે ઘઉં પર નિકાસ પ્રતિબંધ લાગુ કર્યો હતો
  • નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાતા વૈશ્વિક બજારોમાં ઘઉંનો પૂરવઠો વધશે જે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ તાણ હેઠળ રહ્યો છે

મુંબઈ : તાત્કાલિક રીતે અમલમાં આવે તે રીતે સરકારે ઘઉં, આટા, મેંદા, સોજી, તથા દુરુમ (માનવરાજ) ઘઉં પરનો નિકાસ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ૧૨ જુલાઈ, ૨૦૨૨થી સરકારે ઘઉં પર નિકાસ પ્રતિબંધ લાગુ કર્યો હતો. જો કે વર્તમાન વર્ષના પ્રારંભમાં વાર્ષિક પ૦ લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ હતી. સરકારના આ નિર્ણયને સ્થાનિક ટ્રેડરોએ આવકાર્યો હતો.
વિશ્વમાં ચીન બાદ ભારત ઘઉંનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. ધ ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા બે નોટિફિકેશન મારફત ઘઉં તથા સંબંધિત પ્રોડકટસની નિકાસ પરના પ્રતિબંધને ઉઠાવી લેવાનું જાહેર કરાયું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ઘઉંંના વૈશ્વિક ભાવમાં ૪૦ ટકા જેટલો ઉછાળો આવતા ભારતે ઘઉં તથા સંબંધિત પ્રોડકટસની નિકાસમાં વધારો કર્યો હતો જેને પરિણામે સ્થાનિકમાં ઘઉંના ભાવ વધી ગયા હતા. સ્થાનિકમાં ભાવ વધી જતા સરકારે ૨૦૨૨માં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
ઘરઆંગણે ઘઉંનો પૂરતો સ્ટોક હોવાનું ધ્યાનમાં રાખી સરકારે આ પ્રતિબંધ ઉઠાવી લીધો હોવાનું માનવામાં આવે છે. વર્તમાન વર્ષની રવી મોસમમાં પણ ઘઉંનો પાક સારો ઊતર્યો છે. પૂરતા સ્ટોકને ધ્યાનમાં રાખી સ્થાનિક ટ્રેડરો દ્વારા પણ છેલ્લા અનેક મહિનાથી નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવા માગણી કરવામાં આવતી હતી એમ ટ્રેડ એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું. સરકારનો આ નિર્ણય નિકાસકારો માટે ટેકારૂપ બની રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.
૩૧ જુલાઈના અંતે સરકાર પાસે ૫.૧૦ કરોડ ટનનો સ્ટોક ઉપલબ્ધ હતો. લસ્ટર લોસ્ટનો સ્ટોક લાંબો સમય ટકી શકે એમ નહીં હોવાથી તેનો પણ નિકાલ થવો જરૂરી બની રહે છે. વર્તમાન વર્ષના પ્રારંભમાં ૫૦ લાખ ટનની નિકાસ છૂટ અપાઈ હતી પરંતુ નિકાસ નિયમો સખત હોવાને કારણે યુરોપ તથા આફ્રિકાના દેશો તરફથી પૂછપરછ છતાં નિકાસમાં અવરોધ આવતા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાતા વૈશ્વિક બજારોમાં ઘઉંનો પૂરવઠો વધશે જે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ તાણ હેઠળ રહ્યો છે.
એશિયા, આફ્રિકા તથા અખાતના દેશો ઘઉંની આયાત પર નિર્ભર કરે છે. કાળા સમુદ્રમાં વ્યવસાયીક જહાજો તથા બંદરો પર હુમલા વધતા ટોચના નિકાસકાર દેશો ખાતેથી પૂરવઠા ખલેલ ઊભી થતા આયાત નિર્ભર દેશોમાં ઘઉંની અછત ઊભી થઈ હતી.