Explainer: ભારતનો GDP 7.8% છે કે 2.6%? જાણો શું છે વિપક્ષના આરોપ અને આંકડાની માયાજાળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Is India’s GDP Surge Fact or Fluff? : દેશના આર્થિક વિકાસને દર્શાવતા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ને લગતા નવા આંકડાએ હાલમાં મોટો રાજકીય વિવાદ છેડ્યો છે. એક તરફ સરકાર એપ્રિલ-જૂન ક્વાર્ટરના 7.8% વૃદ્ધિદરને પોતાની મોટી સફળતા ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષ અને સરકારના જ એક ભૂતપૂર્વ નાણા સચિવે આ આંકડાઓને વાસ્તવિકતાથી જોજનો દૂર ગણાવ્યા છે. શું આ ખરેખર મજબૂત અર્થતંત્રની નિશાની છે, કે પછી માત્ર આંકડાકીય જાદુગરી?
પૂર્વ નાણા સચિવનું નિવેદન ટાંકીને કોંગ્રેસે કર્યા પ્રહાર
કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગના નિવેદનને ટાંકીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગર્ગના મતે, સરકારનો 7.8% GDP વૃદ્ધિનો દાવો પોકળ છે અને વાસ્તવિક વૃદ્ધિ 2.6% ની આસપાસ જ છે. તેમણે ખુલાસો કર્યો છે કે ગયા વર્ષના GDP આંકડામાં 6 ટ્રિલિયન રૂપિયાનો ઘટાડો (downward revision) કરવામાં આવ્યો હતો. આ ઘટાડાને કારણે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરનો ગ્રોથ 10.3% જેટલો ઊંચો દેખાઈ રહ્યો છે. જો ગયા વર્ષના આંકડામાં આ સુધારો ન કરાયો હોત, તો વર્તમાન ભાવે વૃદ્ધિ માત્ર 2.6% જ હોત.
આંકડાકીય ચાલાકીથી વાહવાહી લૂંટવાનો ખેલ?
આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘સરકાર ભલે મીડિયા અને આંકડાકીય ચાલાકીથી વાહવાહી લૂંટે, પરંતુ PR (પબ્લિક રિલેશન્સ) માત્ર GDPનું ચિત્ર બદલી શકે, અર્થતંત્રનું નહીં. સરકાર વાસ્તવિકતા સ્વીકારીને નોકરીઓનું સર્જન કરે, MSME અને ખાનગી રોકાણને વેગ આપે, આર્થિક અસમાનતા ઘટાડવા અને ક્રોની કેપિટલિઝમ (Crony Capitalism) અટકાવે’
નોંધનીય છે કે, ક્રોની કેપિટલિઝમ એટલે એવી આર્થિક વ્યવસ્થા જેમાં વેપાર કે ઉદ્યોગની સફળતા બજારની મુક્ત હરીફાઈ, મહેનત કે ઉત્પાદનની ગુણવત્તા પર નહીં, પરંતુ ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ કે સરકાર વચ્ચેની સાંઠગાંઠ પર આધારિત હોય.
જયરામ રમેશે કટાક્ષ કરતા કહ્યું કે, જે GDPના આંકડા રજૂ કરીને વડાપ્રધાન મોદી દેશવાસીઓને ફટાકડા ફોડીને દિવાળી ઉજવવાનું કહી રહ્યા છે, તે આંકડા પર તેમના પોતાના જ ભૂતપૂર્વ નાણા સચિવે ગંભીર સવાલો ઊભા કર્યા છે. એવી જ રીતે, કોંગ્રેસ નેતા પવન ખેરાએ પણ કહ્યું કે, સામાન્ય માણસની વાસ્તવિકતા (મોંઘવારી, ઘટતી બચત, બેરોજગારી અને વધતું દેવું) જોતાં આ 2.6% નો આંકડો વધુ સાચો લાગે છે. તેમણે સરકાર પાસે જવાબ માંગ્યો છે કે ગયા વર્ષના આંકડા કેમ ઘટાડવામાં આવ્યા?
વૃદ્ધિદરને ‘આંકડાકીય જિમ્નેસ્ટિક્સ’ ગણાવ્યું
કોંગ્રેસે આ આંકડાને ‘આંકડાકીય જિમ્નેસ્ટિક્સ’ (Statistical Gymnastics) અને ‘ફેક ઇન ઇન્ડિયા’ (Fake in India) ગણાવ્યા છે. જયરામ રમેશે કહ્યું કે, સરકારના મતે નોમિનલ અને વાસ્તવિક GDP વચ્ચે માત્ર 2.3% નો તફાવત છે, જ્યારે આ જ સમયગાળામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (Wholesale Price Index-WPI) ફુગાવો 9% થી વધુ હતો. આ મોટી વિસંગતતા દર્શાવે છે કે સાચો ગ્રોથ ઘણો ઓછો છે. સરકારે આ વર્ષે ગણતરીની પદ્ધતિ બે વાર બદલી છે અને WPI નો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. કોંગ્રેસના મતે, આ 7.8% નો ગ્રોથ માત્ર નિરાશાજનક રોકાણ ભાવનાને છુપાવવાનો પ્રયાસ છે.
વડાપ્રધાને વૃદ્ધિદરને ‘ભવ્ય સિદ્ધિ’ ગણાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7.8% વૃદ્ધિદરને ‘ભવ્ય સિદ્ધિ’ ગણાવી છે. ઈરાન યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત રહ્યું છે. નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ 8.6% ઘટી હતી, પરંતુ તે પછી અપેક્ષા કરતા સારો સુધારો જોવા મળ્યો છે.
અર્થશાસ્ત્રીએ બચાવમાં શું કહ્યું?
વડાપ્રધાનના આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે આંકડાઓમાં છેડછાડના આરોપોને ફગાવી દેતા કેટલીક વિગતો આપી છે.
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) નું અનુમાન 7% હતું, જ્યારે વાસ્તવિક ગ્રોથ 7.8% આવ્યો છે.
- સરકારે ફેબ્રુઆરીમાં બેઝ યર 2011-12 થી બદલીને 2022-23 કર્યું છે. દર દાયકે બેઝ યર બદલાય છે, પરંતુ કોવિડ-19 ના કારણે અર્થતંત્ર સામાન્ય ન હોવાથી 2024 સુધી રાહ જોવી પડી હતી.
- કોર્પોરેટ નફો અને કારના વેચાણ જેવા અન્ય સૂચકાંકો પણ દર્શાવે છે કે આર્થિક ગ્રોથ સાચો છે.
નવી સિસ્ટમ સામે સુભાષ ગર્ગે શંકા જતાવી
પૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગે સ્પષ્ટ કર્યું છે કે 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે નવી શ્રેણીમાં વાસ્તવિક GDP ડેટા ઉપલબ્ધ નહોતો. સરકારે જે વર્તમાન ભાવો પર ‘નાટ્યાત્મક સુધારો’ કર્યો છે તેના કારણે જ ગ્રોથ 10.3% દેખાઈ રહ્યો છે. જો આધાર બદલ્યા વિના સરખામણી કરવામાં આવે તો વર્તમાન ભાવે ગ્રોથ 2.5% કરતા પણ ઓછો છે. આથી જ આ 7.8% ના આંકડાને આંખ બંધ કરીને માની લેવા સામે તેમણે ચેતવણી આપી છે.
ઉલ્લેખનીય છે કે, સુભાષ ચંદ્ર ગર્ગ 2017 થી 2019 દરમિયાન કેન્દ્ર સરકારમાં આર્થિક બાબતોના સચિવ (Secretary of Economic Affairs) અને ત્યારબાદ નાણા સચિવ (Finance Secretary) તરીકે સેવા આપી ચૂક્યા છે.




