Explainer: UPIના જમાનામાં પણ કેશનો ક્રેઝ: ભારત નોટો છાપવામાં અમેરિકાથી 3 ગણું અને યુરોપ કરતાં 6 ગણું આગળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India prints more currency notes than US & Europe: આપણે ચાની કિટલી પર કે શાકભાજી લેવા જઈએ ત્યારે સૌથી પહેલો હાથ ખિસ્સામાં રહેલા સ્માર્ટફોન અને UPI એપ પર જાય છે. આપણને એવું લાગે છે કે હવે રોકડ(Cash) નો જમાનો જતો રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે! 13 ઑગસ્ટના રોજ જકાર્તામાં યોજાયેલી 'રોકડ વ્યવસ્થાપન પરિષદ'માં RBIના ડેપ્યુટી ગવર્નર શિરીષ ચંદ્ર મુર્મુએ કેટલાક એવા આંકડા રજૂ કર્યા, જે જાણીને દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આખી દુનિયામાં દબદબો ધરાવતા અમેરિકન ડૉલર અને યુરોપિયન યુરોની સરખામણીમાં ભારતીય રૂપિયાની માર્કેટમાં ફરતી ચલણી નોટોની સંખ્યા અનુક્રમે 3 ગણી અને 6 ગણી છે!
આશ્ચર્યજનક આંકડા: રૂપિયો સૌથી આગળ!
વિશ્વભરમાં ભલે અમેરિકન ડૉલરનો સૌથી વધુ ઉપયોગ થતો હોય, પરંતુ જ્યારે ‘નોટોની સંખ્યા’(Volume)ની વાત આવે છે, ત્યારે ભારત સૌથી આગળ છે:
ભારત: હાલમાં દેશમાં લગભગ 176 અબજ ચલણી નોટો વપરાશમાં છે.
અમેરિકા: ગયા વર્ષના અંત સુધીમાં દુનિયાભરમાં માત્ર 56 અબજ ડૉલરની નોટો ચલણમાં હતી, જે ભારત કરતાં ત્રણ ગણી ઓછી છે.
યુરોપ: યુરોઝોનમાં માત્ર 30 અબજ યુરો નોટો ચલણમાં છે, જે ભારત કરતાં છ ગણી ઓછી છે.
₹500ની નોટની કમાલ
સંખ્યાની દૃષ્ટિએ ભલે બધી નોટો વધુ હોય, પરંતુ મૂલ્ય(Value)ની વાત કરીએ તો દેશમાં ₹500ની નોટનો દબદબો છે. બજારમાં ફરતી કુલ નોટોનું મૂલ્ય 42.44 લાખ કરોડ રૂપિયા છે, જેમાંથી 85.5% હિસ્સો (લગભગ 36.29 લાખ કરોડ) માત્ર ₹500ની નોટોનો જ છે. હાલમાં 500 રૂપિયાની લગભગ 726 કરોડ નોટો માર્કેટમાં ફરી રહી છે.
ભારત કેમ આટલી બધી નોટો છાપે છે?
વાત એમ છે કે, આ મોટા તફાવત પાછળ મુખ્ય બે કારણ જવાબદાર છે…
- નાના મૂલ્યની નોટોનો વપરાશ: અમેરિકા કે યુરોપના દેશોમાં મોટા વ્યવહારો માટે મોટી નોટો વપરાય છે. જ્યારે ભારતમાં રોજિંદા છૂટક વ્યવહારો માટે નાની નોટો(જેમ કે ₹10, ₹20, ₹50)નો ઉપયોગ ખૂબ થાય છે. પરિણામે, અમેરિકા કે યુરોપની સરખામણીમાં ભારતમાં સમાન રકમની લેવડદેવડ માટે વધુ નોટોની જરૂર પડે છે.
- સ્વચ્છ નોટ નીતિ (Clean Note Policy): વર્ષ 1999થી RBI એ આ નીતિ અમલમાં મૂકી છે. તેનો હેતુ લોકોના હાથમાં માત્ર સારી અને ચોખ્ખી નોટો પહોંચાડવાનો છે. આ માટે RBI દર વર્ષે 28થી 30 અબજ નવી નોટો છાપે છે, અને તેની સામે જૂની, ફાટેલી કે ગંદી થઈ ગયેલી 21 અબજ જેટલી નોટોનો નાશ કરે છે. આ સતત ચાલતી પ્રક્રિયાને કારણે નોટોનું ઉત્પાદન વધુ રહે છે.
'રોકડ વિરોધાભાસ' (Cash Paradox) શું છે?
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ડિજિટલ ચુકવણી (UPI, કાર્ડ) વધે તો રોકડની જરૂરિયાત ઘટવી જોઈએ. ભારતમાં ડિજિટલ વ્યવહારો ઝડપથી વધી રહ્યા છે અને વ્યક્તિગત વ્યવહારોમાં રોકડનો હિસ્સો ઘટી રહ્યો છે. છતાં, બજારમાં ફરતી ભૌતિક નોટોની સંખ્યા દર વર્ષે બે આંકડાના દરે (Double-digit growth) વધી રહી છે! RBI આ પરિસ્થિતિને ‘રોકડ વિરોધાભાસ’ કહે છે.
નોટો છાપવી અને પહોંચાડવી: એક મોટું લોજિસ્ટિક્સ નેટવર્ક
RBI માંગને પહોંચી વળવા માટે 5 વર્ષ અગાઉથી પ્લાનિંગ કરે છે…
- ઉત્પાદન: ભારતમાં બૅંકનોટ પેપર મિલો, 4 ચલણી છાપકામ પ્રેસ અને સરકાર દ્વારા નિયંત્રિત શાહી ઉત્પાદન એકમો સતત કામ કરે છે.
- વિતરણ: છપાયા પછી આ નોટો RBIની 19 પ્રાદેશિક કચેરીઓ, કરન્સી ચેસ્ટ અને 2,50,000થી વધુ ATMs દ્વારા લોકો સુધી પહોંચે છે. ગ્રામીણ વિસ્તારોમાં બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ મોટો ભાગ ભજવે છે. આ જ નેટવર્કે 2016ની નોટબંધી અને 2023માં ₹2000ની નોટો પાછી ખેંચવાની પ્રક્રિયાને સફળ બનાવી હતી.
પર્યાવરણની ચિંતા વચ્ચે ભવિષ્યની તૈયારી
પ્લાસ્ટિક (પોલિમર) નોટો: નોટોનું આયુષ્ય વધારવા માટે પોલિમર નોટો અને સ્પેશિયલ કોટિંગ(Varnish)ના વિકલ્પો શોધાઈ રહ્યા છે.
કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવી: નાશ પામેલી નોટોના કચરામાંથી 'બ્રિકેટ્સ'(બળતણના બ્લોક) બનાવીને ઉપયોગ કરવા પર ભાર મૂકાઈ રહ્યો છે.
નાણાકીય સાર્વભૌમત્વ
ડેપ્યુટી ગવર્નર મુર્મુના મતે, ભારતીય અર્થતંત્રમાં આજે પણ રોકડ ચૂકવણીનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. લોકોને સ્વચ્છ નોટો મળે અને ચલણ વ્યવસ્થા પર તેમનો વિશ્વાસ જળવાઈ રહે તે દેશના નાણાકીય સાર્વભૌમત્વ (Financial Sovereignty) માટે જરૂરી છે.









