Get The App

પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી 1 - image

Ethanol Blended Petrol: પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત કરવા બદલ વાહનોના એન્જિન બગડી રહ્યા હોવાના દાવા મુદ્દે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે. ઓઇલ એન્ડ ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ પ્રકારના દાવાને ખોટા ઠેરવ્યા છે. તેમણે ઇથેનોલની લિમિટ મુદ્દે પણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, એ દાવા તદ્દન ખોટા છે કે, પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવાથી માઇલેજ ઘટી રહ્યું છે, અને એન્જિન પર ખરાબ અસર થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દાના દાવા ખોટા છે. 

વધુમાં તેમણે સંકેત પણ આપ્યો હતો કે, હવે ઇથેનોલની માત્રા 20 ટકા સુધી સીમિત રાખવામાં આવશે. તેનું પ્રમાણ વધારવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી. 2014માં પેટ્રોલમાં ઇથેનોલની માત્રા 1.4 ટકા હતી, જે હાલ વધી 20 ટકા કરવામાં આવી છે. જો કે, સરકાર હવે અહીં ફૂલ સ્ટોપ મૂકશે.

આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થશે, અબજો ડૉલરનું ઉઘરાણું કરી હથિયાર મોકલશે ટ્રમ્પ

નીતિન ગડકરીએ પણ આપી હતી સ્પષ્ટતા

ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે પરિવહન મંત્રી નીતિન ગડકરી પર અનેક આક્ષેપો થઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના પર આક્ષેપ થઈ રહ્યો હતો કે, તેઓ ઇથેનોલનું પ્રમાણ વધારવા માટે પ્રોત્સાહન એટલા માટે આપી રહ્યા છે, કારણકે, તેમનો દીકરો નિખિલ ગડકરી ઇથેનોલ બિઝનેસમાં છે. એટલું જ નહીં, કેટલાક લોકોએ નિખિલ ગડકરીની કંપનીના નફાનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. નીતિન ગડકરીએ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, ઇથેનોલથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. તેમજ પર્યાવરણ માટે પણ લાભકારક છે. મારી પાસે મહિને રૂ. 200 કરોડ કમાણી કરી શકાય તેવું મગજ છે. હું પ્રમાણિકતાથી કમાણી કરી રહ્યો છું, મારે કંઈ ખોટું કરવાની જરૂર નથી.

ઇથેનોલનું પ્રમાણ વધારવા મુદ્દે છેડાયો વિવાદ

કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપી રહી છે. થોડા સમય પહેલાં અહેવાલ આવ્યા હતા કે, કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારી 30 ટકા કરવા માગે છે. જેના પર વિવાદ છેડાયો હતો. જો કે, હરદીપ સિંહ પુરીએ આ મામલે સ્પષ્ટતા આપતાં લોકોની ચિંતા દૂર કરી છે. તેમણે કહ્યું કે, આપણે હવે આંકલન કરવું પડશે કે, આપણે ક્યાં જવું છે. ઇથેનોલ મુદ્દે જે પણ ચર્ચાઓ થઈ રહી છે, તે ખોટી છે. ઓટોમેકર્સે આ મામલે કોઈ સ્પષ્ટતા રજૂ ન કરતાં હાલ સમસ્યા આવી રહી છે. અને લોકો શંકા-કુશંકા કરી રહ્યા છે.

પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી 2 - image