EPF account merge online process: જ્યારે કોઈ કર્મચારી નોકરી બદલે છે, ત્યારે તેના 'યુનિવર્સલ એકાઉન્ટ નંબર' (UAN) સાથે એક કરતાં વધુ PF ખાતા (મેમ્બર આઈડી) જોડાઈ જતા હોય છે. નોકરી બદલ્યા પછી જૂના પીએફ ખાતાની રકમને નવા ખાતામાં ટ્રાન્સફર કરવી કાયદાકીય રીતે ફરજિયાત નથી અને આ ખાતા આપમેળે મર્જ પણ થતા નથી.
જોકે, નિષ્ણાતોના મતે જૂના ખાતાના પૈસા વર્તમાન ખાતામાં ટ્રાન્સફર કરી લેવા ખૂબ જ ફાયદાકારક છે. તમારી બધી બચત એક જ જગ્યાએ એકત્રિત થઈ જવાથી ખાતું નિષ્ક્રિય થવાનો ભય રહેતો નથી. આ ઉપરાંત, ભવિષ્યમાં પૈસા ઉપાડતી વખતે થતો વિલંબ ટળે છે અને અલગ-અલગ આઈડીને ટ્રેક કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે, જેના કારણે પીએફ ખાતાનું સંચાલન ખૂબ જ સરળ બની જાય છે.
સર્વિસ હિસ્ટ્રી આગળ વધશે અને ટેક્સમાં મળશે મોટી છૂટ
ખાતું મર્જ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી કર્મચારીની જૂની નોકરીના વર્ષોની ગણતરી (સર્વિસ હિસ્ટ્રી) પણ નવા ખાતા સાથે આગળ વધે છે, તે શૂન્યથી શરૂ થતી નથી. નિયમ મુજબ, પીએફની રકમ 5 વર્ષની સળંગ નોકરી પછી જ ટેક્સ ફ્રી (કર-મુક્ત) બને છે. જો આ સમયગાળો પૂરો થયા પહેલાં રકમ ઉપાડવામાં આવે, તો તેના પર ટેક્સ લાગી શકે છે અને નિયમ અનુસાર TDS પણ કપાઈ શકે છે. આથી, ખાતું મર્જ કરવાથી નોકરીના વર્ષો જોડાઈ જાય છે અને ટેક્સ બચાવવામાં મદદ મળે છે. આ ઉપરાંત, નિવૃત્તિ સમયે બધી બચત એક જ ખાતામાં હોવાથી ફાઇનલ સેટલમેન્ટ પણ ઝડપી અને સરળ બને છે.
ઓટોમેટિક પીએફ ટ્રાન્સફર ક્યારે થાય છે?
EPFO એ હવે ટ્રાન્સફરની પ્રક્રિયાને ઘણી ખરી ઓટોમેટિક બનાવી દીધી છે, પરંતુ તેના માટે કેટલીક શરતો પૂરી થવી જરૂરી છે. કર્મચારીનું આધાર કાર્ડ અને બેન્ક વિગતો લિંક હોવી જોઈએ, KYC રેકોર્ડ સંપૂર્ણ અપડેટ હોવો જોઈએ અને જૂની કંપનીમાંથી છૂટા થયાની તારીખ (Date of Exit) સિસ્ટમમાં નોંધાયેલી હોવી જોઈએ.
આ પણ વાંચો: આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા
આ સાથે જ, જૂના અને નવા બંને એમ્પ્લોયર EPFO સાથે ડિજિટલી રજિસ્ટર્ડ હોવા જરૂરી છે. જ્યારે નવો એમ્પ્લોયર તમારા પહેલા મહિનાનું પીએફ કન્ટ્રિબ્યુશન જમા કરશે, ત્યારે સિસ્ટમ આપમેળે જૂની રકમને નવા ખાતામાં ટ્રાન્સફર કરવાની રિક્વેસ્ટ જનરેટ કરી શકે છે.
EPF ખાતું ઓનલાઈન મર્જ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
જો તમારો UAN એક્ટિવ છે અને આધાર સાથે લિંક છે, તો તમે EPFOના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર જઈને જાતે જ ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી શકો છો:
1. પોર્ટલ પર લોગ-ઈન કરો: સૌથી પહેલા EPFOની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારા UAN અને પાસવર્ડની મદદથી લોગ-ઈન કરો.
2. ઓપ્શન પસંદ કરો: લોગ-ઈન થયા પછી, 'Online Services' ટેબ હેઠળ આપેલા 'One Member – One EPF Account (Transfer Request)' વિકલ્પ પર ક્લિક કરો.
3. વિગતો વેરિફાય કરો: સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે, જ્યાં તમારી પર્સનલ વિગતો અને વર્તમાન કંપનીના પીએફ ખાતાની માહિતી દેખાશે. આ વિગતો બરાબર વેરિફાય કરી લો.
4. જૂના ખાતાની માહિતી મેળવો: ત્યારબાદ, જૂની નોકરીના પીએફ ખાતાની વિગતો મેળવવા માટે 'Get Details' ઓપ્શન પર ક્લિક કરો.
આ પણ વાંચો: 1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર!
5. OTP વેરિફિકેશન અને સબમિશન: હવે ક્લેમ વેરિફિકેશન માટે જૂના અથવા વર્તમાન એમ્પ્લોયરમાંથી કોઈ એકને પસંદ કરો. તે પછી રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP જનરેટ કરો. આધાર લિંક્ડ OTP દાખલ કરી ચેકબોક્સ ટીક કરીને રિક્વેસ્ટ સબમિટ કરો.
તમારા સબમિટ કર્યા પછી, વર્તમાન એમ્પ્લોયર (કંપની)એ આ મર્જર રિક્વેસ્ટને પોર્ટલ પર અપ્રૂવ કરવાની રહેશે. કંપનીની મંજૂરી મળતાં જ EPFO આ પ્રક્રિયા પૂરી કરીને જૂના ખાતાનું બેલેન્સ નવા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે.
જો બે અલગ-અલગ UAN નંબર હોય તો શું કરવું?
ઘણીવાર ભૂલથી કર્મચારીને બે અલગ-અલગ UAN નંબર મળી જતા હોય છે. આવા કિસ્સામાં કર્મચારીઓ ઇ-મેઇલ દ્વારા પણ તેને મર્જ કરવાની વિનંતી કરી શકે છે. આ માટે કર્મચારીએ પોતાના રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડી પરથી uanepf@epfindia.gov.in પર એક મેઇલ મોકલવો પડશે અને EPFOને પોતાનો જૂનો UAN નંબર બંધ કરવા માટે વિનંતી કરવી પડશે.


