Business

એન્જિનિયરીંગ ગુડઝ ક્ષેત્રની નિકાસ ૧૨.૩૧ અબજ ડોલરની વિક્રમી સપાટીએ

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
મુંબઈથી મળતા અહેવાલ મુજબ, મે 2026માં ભારતની એન્જિનિયરિંગ ગુડ્ઝની નિકાસ 12.31 અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચી છે. પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ છતાં, ઇલેક્ટ્રિક મશીનરી, શિપ અને આયર્ન-સ્ટીલ પ્રોડક્ટ્સમાં વૃદ્ધિ જોવા મળી. કુલ મર્ચન્ડાઈઝ નિકાસમાં 27.2% હિસ્સો નોંધાયો. EEPC ઇન્ડિયાના ચેરમેન પંકજ ચઢ્ઢાએ વૈશ્વિક બજારોમાં ભારતની સ્પર્ધાત્મકતા અને નવી તકો પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્જિનિયરીંગ ગુડઝ ક્ષેત્રની નિકાસ ૧૨.૩૧ અબજ ડોલરની વિક્રમી સપાટીએ

ઈલેક્ટ્રિક મશીનરી, ઈક્વિપમેન્ટ, શિપ, બોટ્સ, મોટર સાઈકલ અને આર્યન અને સ્ટીલ પ્રોડક્ટસ થકી નિકાસમાં મોટી વૃદ્વિ થઈ
મુંબઈ : ભારતની એન્જિનિયરીંગ ગુડ્ઝની નિકાસો મે ૨૦૨૬ મહિનામાં રેકોર્ડ ૧૨.૩૧ અબજ ડોલરની નોંધાઈ છે. પશ્ચિમ એશિયામાં જીઓપોલિટીકલ ટેન્શન અને ઘર્ષણથી અવરોધો ઊભા થવા છતાં સૌથી વધુ નિકાસ નોંધાઈ હોવાનું ઈઈપીસી ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવાયું છે.
એન્જિનિયરીંગ નિકાસો મે ૨૦૨૫ મહિનાના ૯.૮૯ અબજ ડોલરની તુલનાએ આ વખતે ૨૪.૪૮ ટકા વધી છે. આ નિકાસનો હિસ્સો ભારતની કુલ મર્ચન્ડાઈઝ નિકાસોમાં ૨૭.૨ ટકા જેટલો રહ્યો હોવાના સરકારના ત્વિરત અંદાજોના આધાર પર જોવાયું છે. એન્જિનિયરીંગ નિકાસોમાં સૌથી મોટું શિપમેન્ટ ઈલેક્ટ્રિક મશીનરી અને ઈક્વિપમેન્ટ, શિપ અને બોટ્સ, મોટર સાઈકલ અને આર્યન અને સ્ટીલ પ્રોડક્ટસમાં વૃદ્વિ થકી જોવાયું છે. મહિના દરમિયાન ૩૪ એન્જિનિયરીંગ પ્રોડક્ટસ પેનલો પૈકી ૨૮થી વધુમાં નિકાસ વૃદ્વિ નોંધાઈ છે.
નિકાસ કામગીરી વિશે ઈઈપીસી ઈન્ડિયાના ચેરમેન પંકજ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, ક્ષેત્રની વૃદ્વિ વૈશ્વિક બજારોમાં તેની સ્થિતિસ્થાપકતા અને વધતી જતી સ્પર્ધાત્મકતાને પ્રતિબિંબિત કરે છે. આ સાથે વૈશ્વિક કંપનીઓ પણ હવે સપ્લાય માટે કોઈ એક દેશ ચીન પર વધુ પડતાં નિર્ભર રહેવાને બદલે અન્ય દેશોનો વિકલ્પ અપનાવતી થઈ છે, જેને પરિણામે ભારતીય એન્જિનિયરીંગ કંપનીઓ માટે નવી તકો ઊભરી રહી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ભારતીય નિકાસકારોએ આ તકોનો લાભ લેવા માટે સ્કેલ, ઉત્પાદન ગુણવત્તા, લોજિસ્ટિક્સ અને ગંતવ્ય-દેશના ધોરણોનું પાલન સુધારવાની જરૂર પડશે. આ સંદર્ભમાં ઝડપી નીતિ રાહત, સસ્તું વ્યાપારી ધિરાણ અને મજબૂત જોખમ સુરક્ષાના સંદર્ભમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો ટેકો પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ ક્ષેત્ર તેની લાંબાગાળાની નિકાસ મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરી શકશે.
એકંદરે, ભારતની એન્જિનિયરીંગ નિકાસ સ્ટોરી સાવચેત આશાવાદની છે. ઉદ્યોગને ખાતરી છે કે, સરકારના યોગ્ય માર્ગદર્શનથી, ૨૦૩૦ સુધીમાં ૨૫૦ અબજ ડોલરની નિકાસના અપેક્ષિત લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકાશે.
નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ બે મહિનામાં એન્જિનિયરીંગ નિકાસ ૨૨.૬૬ અબજ ડોલરની રહી, જે પાછલા નાણાકીય વર્ષના સમાનગાળામાં ૧૯.૪૧ અબજ ડોલરની રહી હતી.