Business

ડિજિટલ પેમેન્ટ વધવા છતાં હજુ 'કેશ ઈઝ કિંગ'

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: ભારતમાં ડિજિટલ પેમેન્ટ વધવા છતાં, કેશનો ઉપયોગ મહત્વપૂર્ણ છે. RBIના ડેપ્યુટી ગવર્નર શિરીષ ચંદ્ર મુર્મુએ જાકાર્તામાં જણાવ્યું કે, વ્યક્તિગત વ્યવહારોમાં રોકડનો હિસ્સો ઘટ્યો છે, પરંતુ ચલણમાં રહેલી કેશ 2 આંકડાના દરે વધી રહી છે. RBI નોટોની ટકાઉપણું વધારવા કોટિંગ અને પોલિમર નોટ્સ જેવા વિકલ્પો વિચારી રહી છે. ભારત 30 અબજ નોટોનું વાર્ષિક ઉત્પાદન કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડિજિટલ પેમેન્ટ વધવા છતાં હજુ 'કેશ ઈઝ કિંગ'

વ્યક્તિગત વ્યવહારોમાં રોકડનો હિસ્સો ડિજિટલ ચૂકવણીના વધતા ઉપયોગને કારણે ઘટયો, પરંતુ ચલણમાં રહેલી કેશ બે આંકડાના દરે વધી: રિઝર્વ બેંક
મુંબઈ : ભારતમાં ડિજિટલ ચૂકવણી-પેમેન્ટનો ઝડપી સ્વીકાર થયો હોવા છતાં અર્થતંત્રમાં કેશ હજુ પણ ચૂકવણીનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. કેશ પ્રત્યેનો વિશ્વાસ જાળવવો એ નણાકીય સાર્વભૌમત્વ જાળવવા માટે એક મહત્વપૂર્ણ છે, તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર શિરીષ ચંદ્ર મુર્મુએ જણાવ્યું હતું.
જાકાર્તામાં બેંક ઓફ ઈન્ડોનેશિયા દ્વારા આયોજિત ગ્લોબલ કેશ મેનેજમેન્ટ ૨૦૨૬માં ચર્ચામાં બોલતા મુર્મુએ જણાવ્યું હતું કે, ભારતમાં ડિજિટલ પેમેન્ટનો વિકાસ ક્રાંતિકારી રહ્યો છે, પરંતુ ચલણમાં રહેલી રોકડમાં ઘટાડો થયો નથી. ખાસ કરીને ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારો, ઓછી આવક ધરાવતા વર્ગો, વૃદ્વો અને નાના વેપારીઓમાં રોકડનો ઉપયોગ હજુ પણ નોંધપાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ પેમેન્ટના ઝડપી વિસ્તરણ સાથે રોકડનું અસ્તિત્વ યથાવત રહેવું એ આરબીઆઈ દ્વારા કેશ પેરાડોક્સ તરીકે ઓળખાતી સ્થિતિ ઊભી કરે છે.
મુર્મુના જણાવ્યાનું સાર, વ્યક્તિગત વ્યવહારોમાં રોકડનો હિસ્સો ડિજિટલ ચૂકવણીના વધતા ઉપયોગને કારણે ઘટી રહ્યો છે. પરંતુ ચલણમાં રહેલી કેશ બે આંકડાના દરે વધી રહી છે. આ સ્થિતિને કારણે ભવિષ્યમાં કેશની માંગનો અંદાજ લગાવવો વધુ મુશ્કેલ બનશે અને ચલણી નોટોના ઉત્પાદન અને વિતરણ ક્ષમતાના આયોજનમાં પડકાર ઊભા થશે. ચલણી નોટોની ટકાઉપણું પણ આરબીઆઈ માટે મહત્વનો પડકાર છે. તેમણે જણાવ્યું હતું કે, આરબીઆઈ બેંક નોટની ટકાઉપણું વધારવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. જેમાં નોટ પર વિશેષ કોટિંગ અને ઓછી કિંમતની નોટો માટે પોલિમર નોટ્સનો સમાવેશ થાય છે. તેમણે ચલણી નોટોના ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતા પર પણ ભાર મૂક્યો હતો. બેંકનોટ પેપર મિલો, ચાર ચલણી નોટોના પ્રિન્ટિંગ પ્રેસ અને શાહી બનાવતા એકમો આરબીઆઈ તથા સરકારની માલિકી અને નિયંત્રણ હેઠળ છે. તેના કારણે ભારત દર વર્ષે ૩૦ અબજ સુધીની નોટોનું ઉત્પાદન કરવાની ક્ષમતા જાળવી શકે છે.
પોલિમર નોટ્સના પારદર્શક વિન્ડો, માઈક્રો-ઓપ્ટિક હોલોગ્રામ અને વિશિષ્ટ શાહી જેવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ સામેલ કરી શકાય છે. આ કારણે નકલી નોટ બનાવવી વધુ મુશ્કેલ બને છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, વિયેતનામ, મલેશિયા અને મેક્સિકો સહિત આશરે ૬૦ દેશોમાં પોલિમર બેંકનોટનો ઉપયોગ થાય છે.
પાંચ વર્ષ અગાઉથી ચલણી નોટોની માંગનો અંદાજ
આરબીઆઈ ચલણી નોટોની માંગનો અંદાજ લગાવવા માટે પાંચ વર્ષનું આગોતરું આયોજન કરે છે. તેમાં વ્યવહારો માટેની માંગ અને જૂની કે ખરાબ હાલતમાં આવેલી નોટોના સ્થાને નવી નોટોની જરૂરિયાત બન્નેને ધ્યાનમાં લેવામાં આવે છે. વ્યવહારો માટેની માંગ પર જીડીપી વૃદ્વિ, વ્યાજ દર, ખાદ્ય ફુગાવો અને ડિજિટલ પેમેન્ટના વિસ્તરણ જેવા પરિબળોની અસર પડે છે. જ્યારે બદલવાની માંગમાં જૂની અને ઉપયોગ માટે અયોગ્ય બનેલી નોટોને ચલણમાંથી દૂર કરીને નવી નોટો મૂકવાની જરૂરિયાતનો સમાવેશ થાય છે