Business

૨૦૨૫માં ડીમેટ ખાતાની સંખ્યા વિક્રમી સપાટીએ પણ વૃદ્ધિની માત્રામાં ઘટાડો

By GS TEAM
11 Jan 20261 min read
૨૦૨૫માં ડીમેટ ખાતાની સંખ્યા વિક્રમી સપાટીએ પણ વૃદ્ધિની માત્રામાં ઘટાડો

મુંબઈ : ૨૦૨૫ના વર્ષમાં દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા ભલે વધીને વિક્રમી સપાટીએ પહોંચી હોય પરંતુ નવા ખાતાનો ઉમેરો નોંધપાત્ર મંદ પડયો હોવાનું જણાય છે. ડિસેમ્બર, ૨૦૨૫ના અંતે ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૧.૫૯ કરોડ પહોંચી ગઈ હતી, જે ૨૦૨૪ના અંતે ૧૮.૫૩ કરોડ હતી. 

૨૦૨૫માં વૃદ્ધિની માત્રામાં પચાસ ટકા ઘટાડો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. ૨૦૨૪ના કેલેન્ડર વર્ષમાં ડીમેટ ખાતાની સંખ્યા ૩૩ ટકા વધી હતી જ્યારે ૨૦૨૫માં વૃદ્ધિ દર ૧૬.૫૦  ટકા રહ્યો હતો.

ગત વર્ષે એકંદરે ૩.૦૬ કરોડ નવા ડીમેટ ખાતા ખોલાયા હતા જેને પરિણામે ડીમેટ ખાતાની એકંદર સંખ્યા ૨૧.૫૯ કરોડ પર પહોંચી ગઈ હતી. ૨૦૨૪માં નવા ખાતાનો ઉમેરો ૪.૬૦ કરોડ રહ્યો હતો. 

વિવિધ પ્રતિકૂળ વૈશ્વિક પરિબળોને પરિણામે  ૨૦૨૫માં ભારતીય ઈક્વિટીસમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. અમેરિકા દ્વારા ટેરિફ લાગુ કરવાના  નિર્ણય તથા વેપાર કરારમાં ઢીલથી ઈક્વિટી બજારનું માનસ ખરડાયેલુ રહ્યું હતું. 

૨૦૨૫માં  દર મહિને ડીમેટ ખાતાની સંખ્યામાં સરેરાશ  અંદાજે ૨૬ લાખનો ઉમેરો થયો હતો. ભારે વોલેટિલિટી વચ્ચે ૨૦૨૫માં બેન્ચમાર્કે સેન્સેકસમાં ૯.૦૬ ટકા અને નિફટી૫૦ ઈન્ડેકસમાં ૧૦.૫૦ ટકા વળતર પ્રાપ્ત થયાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. 

સેકન્ડરી બજારમાં ખાસ કરીને મિડકેપ તથા સ્મોલ કેપમાં નબળા વળતરને કારણે રિટેલ રોકાણકારો સેકન્ડરી બજારથી દૂર જઈ રહ્યા છે, પરંતુ  પ્રાઈમરી માર્કેટમાં તેમના સહભાગમાં વધારો થઈ રહ્યાનું ડીમેટ ખાતાની સંખ્યામાં થયેલા ઉમેરા પરથી કહી શકાય એમ છે.