Business

ઊંચા ભાવને કારણે ગોલ્ડ લોનની માંગ વધી : અનસિકયોર્ડ લોનમાં આકર્ષણ ઘટયું

By GS TEAM
17 Sep 20251 min read
ઊંચા ભાવને કારણે ગોલ્ડ લોનની માંગ વધી : અનસિકયોર્ડ લોનમાં આકર્ષણ ઘટયું

મુંબઈ : તાકીદની નાણાંકીય જરૂરિયાતને પહોંચી વળવા નાના બોરોઅરો માઈક્રોફાઈનાન્સ ઈન્સ્ટિટયૂશન્સ (એમએફઆઈ)ને બદલે હવે ગોલ્ડની સામે લોન તરફ વળી રહ્યાનું જોવા મળી રહ્યું છે. 

સોનાના ઊંચા ભાવ, ગોલ્ડ-લોન પર નીચા વ્યાજ દર તથા એમએફઆઈના સખત લોન ધોરણોને પરિણામે રિટેલ બોરોઅરો દ્વારા સોના સામે લોન લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા પ્રમાણે, વર્તમાન વર્ષના જૂનમાં ગોલ્ડ સામેની લોનની માત્રામાં વાર્ષિક ધોરણે ૧૨૨ ટકા વધારો થયો હતો. જ્યારે એમએફઆઈની બાકી પડેલી લોનની રકમના આંકમાં આ ગાળા દરમિયાન ૧૬.૫૦ ટકા ઘટાડો થયો છે. 

ઓછી આવક સાથેના અનેક બોરોઅરો પોતાની ટૂંકા ગાળાની નાણાંકીય જરૂરિયાતને પહોંચી વળવા અગાઉ એમએફઆઈ પર વધુ આધાર રાખતા હતા. પરંતુ અનસિકયોર્ડ લોન માટેના ધોરણોને મજબૂત બનાવાતા તેમાં ધિરાણ ઉપાડ મંદ પડી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

એસેટ કવોલિટીને સુધારવા અનસિકયોર્ડ લોનના ધોરણોને રિઝર્વ બેન્કે સખત બનાવ્યા છે. 

જૂનના અંતે ગોલ્ડ જ્વેલરી સામે બાકી પડેલી લોનનો આંક રૂપિયા ૨.૯૪ લાખ કરોડ રહ્યો હતો જ્યારે ક્રેડિટ કાર્ડ લોનનો આંક છ ટકા વધી રૂપિયા ૨.૯૧ લાખ કરોડ રહ્યો હતો. પરસનલ લોન ૮ ટકા વધી રૂપિયા ૧૫.૩૬ લાખ કરોડ રહ્યાનું પણ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. ૨૦૨૫માં સોનાના ભાવમાં ૪૫ ટકા જેટલો ઉછાળો આવ્યો છે.