કેશ તથા ડેરિવેટિવ્સના દૈનિક વોલ્યુમમાં ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવા ધિરાણ નિયમો તથા એસટીટીમાં વધારાને પરિણામે જુલાઈ માસમાં શેરબજારના કામકાજ પર જોવા મળેલી અસર
આઈપીઓમાં રોકાણ વધતાં શેરબજારમાં ઠલવાતા ભંડોળમાં ઘટાડો
મુંબઈ : ભારતીય શેરબજારમાં વર્તમાન મહિનાના અત્યારસુધીના કામકાજમાં કેશ તથા ડેરિવેટિવ્સ સેગમેન્ટસમાં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ તથા એનએસઈના ડેટા પરથી જણાય છે કે બન્ને એકસચેજોના મળીને કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર ગયા મહિનાની સરખામણીએ ૯.૨૦ ટકા ઘટી સરેરાશ રૂપિયા ૧.૨૯ લાખ કરોડ સાથે સાત મહિનાની નીચી સપાટીએ રહ્યું છે. ડિસેમ્બર, ૨૦૨૫ બાદ આ સૌથી નીચુ ટર્નઓવર છે.
ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટર્નઓવર જૂનની સરખામણીએ ૮ ટકા ઘટી રૂપિયા ૪૫૧ લાખ કરોડ સાથે પાંચ મહિનાની નીચી સપાટીએ રહ્યું છે.
નિયમનકારી ફેરબદલો તથા રોકાણકારોના સેન્ટિમેન્ટ નબળા પડતા બજારના કામકાજ પર અસર પડી હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે.
પ્રોપ્રાઈટરી ટ્રેડિંગ ફર્મ્સ તથા કેપિટલ માર્કેટ ઈન્ટરમીડિઅરિસને ધિરાણ માટે સખત ધોરણો જે ૧લી જુલાઈથી અમલી બન્યા છે તેને કારણે વેપાર પર અસર પડી હોવાનું જણાવાઈ રહ્યું છે.
બેન્ક ગેરન્ટીના નિયમોમાં ફેરબદલને કારણે ટ્રેડિંગ પોઝિશન જાળવી રાખવાનું ખર્ચાળ બન્યું છે. નવા નિયમ પ્રમાણે, બ્રોકરોને બેન્કો દ્વારા અપાતી ગેરન્ટી ૧૦૦ ટકા કોલેટરલ સામે જ આપવાની રહે છે જે પચાસ ટકા સામે હતી.
ખર્ચમાં વધારો થતાં ડેરિવેટિવ્સ તથા કેશ સેગમેન્ટમાં વેપાર કરવાનો ખર્ચ વધી ગયો હોવાનો બજારના વર્તુળો દાવો કરી રહ્યા છે.
આ ઉપરાંત અમેરિકા-ઈરાન યુદ્ધ, જૂન ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામો, ઊંચા સિકયુરિટીઝ ટ્રાન્ઝકશન્સ ટેકસ અને બજારની વોલેટિલિટીને પગલે રોકાણકારોનું માનસ ખરડાયું છે.
૧લી એપ્રિલથી સિક્યુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી)માં વધારો લાગુ થવાને પરિણામે ડેરિવેટિવ્સના ટર્નઓવર હાલમાં સ્થિર જોવા મળી રહ્યું છે. ૧લી એપ્રિલથી ફ્યુચર્સના વેપાર પર એસટીટી ૦.૦૨ ટકા પરથી વધારી ૦.૦૫ ટકા કરાયો છે. જ્યારે ઓપ્શનમાં આ આંક ૦.૧૦ ટકાથી પરથી વધારી ૦.૧૫ ટકા કરાયો છે. વર્તમાન મહિનામાં મુખ્ય ઈન્ડાઈસિસ રેન્જ બાઉન્ડ રહ્યા છે જેને કારણે વેપાર કરવાની તક પણ ઓછી રહી છે. આ ઉપરાંત આઈપીઓ તથા ક્યુઆઈપી મારફત વિક્રમી નાણાં ઊભા થવાને પરિણામે મોટી માત્રામાં ભંડોળ બ્લોક થઈ ગયું હતું.









