ક્રૂડતેલમાં તેજી અટકી આઠ ટકાનો કડાકો: બ્રેન્ટક્રૂડ બેરલદીઠ 14થી 15 ડોલર તૂટયું!
- ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામના સંકતો વહેતાં થતાં...
મુંબઈ : ક્રૂડતેલના વૈશ્વિક ભાવ જે તાજેતરમાં વોર-ઈફેકટ વચ્ચે ઝડપી ઉછળ્યા હતા તેની તેજીને આજે બ્રેક વાગી હતી અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામના સંકેતો વહેતા થતાં વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઉંચા મથાળેથી ઝડપી તૂટી ગયાના સમાચાર મળ્યા હતા. ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળ ેથી ૭થી ૮ ટકા તૂટી ગયા હતા. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ જે ઉંચામાં બેરલના ૮૧ ડોલરની ઉપર ૮૧.૪૦ ડોલર સુધી ઉછળ્યા હતા તે ઝડપી તૂટી નીચામાં ૬૭.૨૦ ડોલર સુધી ઉતરી ૬૮.૭૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
યુદ્ધ વિરામના પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલની સપ્લાય ફરી પૂર્વવત થવાની આશા ઊભી થતાં તથા ઉંચા મથાળે નવી માગ રૃંધાતાં વિશ્વ બજરમાં ક્રૂડતેલના ભાવ ઉંધા માથે પટકાયા હતા. યુએસ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૮.૪૦ ડોલર થયા હતા તે તૂટી નીચામાં ભાવ ૬૪.૩૮ થઈ ૬૫.૮૯ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
વોર ઈફેકટ વચ્ચે ક્રૂડના ભાવ ઉંચા જતાં તાજેતરમાં અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન વધારવાની હાકલ પ્રમુખ ટ્રમ્પે કર્યાના સમાચારની પણ ક્રૂડ બજાર પર અસર દેખાઈ હતી. ક્રૂડતેલના ભાવ તાજેતરમાં સતત ૧૨ દિવસથી ઉંચા જતાં દેખાતા હતા અને હવે તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા. દરમિયાન, ઈરાનમાં ક્રૂડતેલનું દૈનિક ઉત્પાદન ૩૩ લાખ બેરલ્સ નોંધાતાં તેની અસરે પણ ક્રૂડના વૈશ્વિક ભાવ પર ઉંચા મથાળે દબાણ વધ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં જૂન મધ્યથી ક્રૂડના ભાવ ઝડપી વધતાં જોવા મળ્યા હતા તથા ટૂંકાગાળામાં ભાવ આશરે ૧૦ ટકા વધી ગયા હતા. દરમિયાન, ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ તેની પાસે ક્રૂડતેલનો ઈમરજન્સી સ્ટોક ૧૨ અબજ બેરલ્સનો રહ્યો છે. આ દરમિયાન, ઓપેક સંગઠનના અમુક દેશોએ ક્રૂડના ઉંચા ભાવનો લાભ લેવા ઉત્પાદન વધારી દેવાના વાવડ પણ વહેતાં થયા હતા અને તેના કારણે પણ ક્રૂડતેલમાં ઉંચા મથાળેથી ભાવમાં ખાસ્સી પીછેહટ દેખાઈ હતી. અમેરિકામાં હવે ક્રૂડતેલના સ્ટોકના આંકડા કેવા આવે છે તેના પર બજારની નજર રહી હતી. દરમિયાન ઘરઆંગણે ક્રૂડતેલનો વાયદો આજે ઉંચામાં રૂ.૫૮૦૫ તથા નીચામાં રૂ.૫૫૮૫ થઈ રૂ.૫૬૬૦થી ૫૬૬૫ રહ્યો હતો. તાજેતરની તેજીમાં વાયદાના ભાવ ઉંચામાં રૂ.૬૫૦૦ની ઉપર રૂ.૬૬૦૦ નજીક પહોંચ્યા હતા. લદરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ગબડતાં મુંબઈ કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતો અટકી આજે સ્પ્રિંગની જેમ ઉછળતાં ડોલરના ભાવ તૂટી રૂ.૮૬ની અંદર જતા રહ્યા હતા તાજેતરમાં રૂ.૮૭ નજીક પહોંચ્યા હતા.