ક્રૂડના ભાવ ૧૦૨ ડોલર પાર થયા પછી ફરી તૂટી ૧૦૦ ડોલરની અંદર ઉતર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોનામાં વધુ ઘટાડો : ચાંદીના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયા : ગોલ્ડ રિઝર્વમાં સાડા ત્રણ અબજ ડોલરનો ઘટાડો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના તથા ચાંદીના ભાવ આરંભમં નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર બેતરફી વધઘટ બતાવતા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળ્યા પછી ફરી ગબડતા જોવા મળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૦૨ ડોલરની ઉપર ગયા પછી ભાવ ફરી ઘટી નીચામાં ૯૬.૪૦ થઈ ૯૭.૮૦ ડોલર રહ્યા હતા.
ક્રૂડમાં ઉંચા મથાળે નવી માગ ધીમી હતી. ગલ્ફના દેશો હોર્મુઝ રુટના વિકલ્પમાં અન્ય બાયપાસ રુટનો વિકલ્પ શોધી રહ્યા છે. તથા આ વિકલ્પ માટે અબજો ડોલરનો ખર્ચ કરવાની ગલ્ફના દેશોએ તૈયારી બતાવ્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકાએ ૬૦ દેશો પર ૧૦થી ૧૨.૫૦ ટકા ટેરીફ લાદવાના સંકેતો આપતા તેની અસર પણ ક્રૂડના ભાવ નીચામાં ૮૮.૭૪ થઈ ૯૦.૦૮ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હોવાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૦૮૫થી ૪૦૮૬ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૦૨૨ થઈ ૪૦૫૧થી ૪૦૫૨ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૩૨૦૫ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૩૭૮૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૨૨૪૮૦ વાળા આજે સવારે રૂ.૨૧૯૫૫૬ થયા પછી છેલ્લે ભાવ રૂ.૨૨૨૭૨૧ રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ આજે છેલ્લે રૂ.૮૦૦ ઘટી રૂ.૫૬૫૪૧ રહ્યા હતા.વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૬૨૨ વાળા ૧૫૭૨ થઈ ૧૬૦૨થી ૧૬૦૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૬૯ વાળા ૧૨૩૩ થઈ ૧૨૫૯થી ૧૨૬૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૦ ટકા પ્લસમાં રહ્યા હતા. ભારતમાં ગોલ્ડ રિઝર્વ ૩.૪૮ અબજ ડોલર ઘટી ૧૦૧.૭૫ અબજ ડોલર થયાનું રિઝર્વ બેન્કના સૂત્રોએ જણાવ્યું હતું. યુરોપમાં વ્યાજના દર જૂનમાં વધ્યા પછી હવે જુલાઈમાં જાળવી રાખવામાં આવ્યાના સમાચાર વચ્ચે વિશ્વ બજારમાં ડોલર સામે યુરોના ભાવ ઘટતાં વૈશ્વિક સોનાના ભાવ ઘટતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડના ભાવ વધ્યા પછી ઘટયા હતા. છતાં આ સપ્તાહમાં ભાવમાં એકંદરે ૧૦ ટકાની વૃદ્ધી થયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.









