'... તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!', રઘુરામ રાજનની ગંભીર ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Crude Oil Price: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ હાલમાં જ 119 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે, પરંતુ આ તો માત્ર શરૂઆત હોઈ શકે છે. ભારતીય રિઝર્વ બૅંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ગંભીર ચેતવણી આપી છે. જેણે ભારત સહિત વિશ્વભરના દેશોની ઊંઘ ઉડાવી દીધી છે.
રઘુરામ રાજનની ડરામણી આગાહી
એક ઇન્ટરવ્યુમાં રઘુરામ રાજને જણાવ્યું કે, જો આ યુદ્ધ એક મહિનાથી વધુ સમય સુધી ચાલ્યું, તો પરિણામો અત્યંત ભયાનક હોઈ શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ 150 ડૉલરથી વધીને 200 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. 'હોર્મુઝ સ્ટ્રેટ' જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગો પર હુમલાના ડરથી ઓઇલના જહાજો ફસાયેલા છે. હાલમાં જ વિશ્વનો 15-20% એનર્જી સપ્લાય ખોરવાઈ ચૂક્યો છે. જો સપ્લાયમાં વધુ ઘટાડો થશે, તો તેની માંગ ઘટાડવા માટે 'ડિમાન્ડ ડિસ્ટ્રક્શન' કરવું પડશે, જે વિશ્વને ગંભીર આર્થિક મંદી તરફ ધકેલી દેશે.
ભારત પર શું થશે અસર?
ભારત તેની જરૂરિયાતનું 85%થી વધુ ઓઇલ આયાત કરે છે. રઘુરામ રાજને ગણિત સમજાવતાં કહ્યું કે, ઓઇલના ભાવમાં દર 10 ડૉલરનો વધારો ભારતની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં અંદાજે 1.4 લાખ કરોડ રૂપિયાનો વધારો કરે છે. આ વધારો જીડીપીના 0.5% જેટલો હોય છે. જો ક્રૂડ $200 એ પહોંચશે, તો પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ ઉછળશે, રૂપિયો નબળો પડશે અને દરેક જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થશે.
રઘુરામ રાજનનું નિવેદન
આ એવી પરિસ્થિતિ છે જે મેં પહેલા ક્યારેય જોઈ નથી. એનર્જી દરેક સેક્ટરની મહત્ત્વની કડી છે. જો ઓઇલ મોંઘું થશે તો ફેક્ટરીઓ, ટ્રાન્સપોર્ટ, એરલાઇન્સ અને મેન્યુફેક્ચરિંગ બધું જ પ્રભાવિત થશે.
LPG અને પેટ્રોલિયમ સંકટ
માત્ર વાહનોનું ઇંધણ જ નહીં, પરંતુ LPG(ગેસ સિલિન્ડર)ના સપ્લાય પર પણ સંકટના વાદળો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવર પ્રભાવિત થવાને કારણે રાંધણ ગેસની અછત ઊભી થઈ શકે છે.
શું યુદ્ધ અટકશે?
નિષ્ણાતો માને છે કે, જો ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં સીઝફાયર નહીં થાય, તો આગામી દિવસોમાં સામાન્ય માણસના ખિસ્સા પર અસહ્ય બોજ આવવો નક્કી છે.









