Business

ક્રૂડ ૯૭ ડોલર કુદાવ્યા પછી તૂટયું : ચાંદીમાં બે દિવસમાં રૂ.૧૧ હજારનો કડાકો

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: વિશ્વ બજાર તૂટતા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં 2 દિવસમાં સોનું રૂ.5500 અને ચાંદી રૂ.11000 ગગડી છે. નેધરલેન્ડ 86 ટન સોનું અમેરિકા-કેનેડાથી બ્રિટન લઈ જશે. તહેવારો ટાણે ભાવ ઘટતાં માંગ વધવાની આશા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડ  ૯૭ ડોલર કુદાવ્યા પછી તૂટયું : ચાંદીમાં બે દિવસમાં રૂ.૧૧ હજારનો કડાકો

સોનું બે દિવસમાં રૂ.૫૫૦૦ ગબડયું: વિશ્વ બજાર તૂટી: નેધરલેન્ડ ૮૬ ટન ગોલ્ડ અમેરિકા-કેનેડાથી ઉપાડી બ્રિટન લઈ જશે
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદના ભાવમાં ઘટાડો ઝડપી આગળ વધ્યો હતો. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમા તહેવારો ટાંણે ભાવ તૂટતાં મોસમી માગ વધવાની આશા બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦૦ તૂટતાં બે દિવસમાં ભાવ રૂ.૫૫૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના વધુ રૂ.૪૫૦૦ તૂટતાં બે દિવસમાં ભાવ રૂ.૧૧ હજાર ગબડયા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસ ના ૪૩૭૬ વાળા વધુ નીચામાં ભાવ ૪૨૮૨ થઈ ૪૩૪૦થી ૪૩૪૧ ડોલર રહ્યા હતા.
ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચકાતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૦૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ ઘટી આજે રૂ.૨૩૩૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ પણ ઔંસના ૬૪.૭૬ વાળા નીચામાં ભાવ ૬૩.૩૧ થઈ ૬૪.૪૮થી ૬૪.૪૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળ્યા પછી ફરી તૂટયા હતા.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૯૭ ડોલર કૂદાવી ૯૭.૦૪ ડોલર થયા પછી ભાવ ઘટી નીચામાં ૯૩.૫૨ ડોલર થઈ ૯૪.૦૮ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૨.૨૯ તથા નીચામાં ભાવ ૮૯.૦૪ થઈ ૮૯.૫૫ ડોલર રહ્યા હતા.
હોર્મુઝ રુટ પર જહાજોની અવરજવર વચ્ચે સોમવારે ૧૭૦ લાખ બેરલ્સ ક્રૂડ ઓઈલની હેરફેર થયાનો દાવો અમેરિકાએ કર્યો હતો. ઈરાન યુદ્ધ પૂર્વે આ આંકડો દૈનિક ૨૦૦ લાખ બેરલ્સનો રહતો હતો.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધુ રૂ.૨૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૦૫૭૯ તથા ૯૯૯ના રૂ.૧૫૧૧૮૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધુ રૂ.૨૦૦૦ ઘટી રૂ.૨૨૮૩૯૬ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ નીચામાં ૧૭૧૪ થઈ ૧૭૪૩થી ૧૭૪૪ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ નીચામાં રૂ.૫૯૨૫૩ થઈ રૂ.૬૧૦૭૨ રહ્યા હતા. પેલેડીયમના ભાવ વિશ્વ બજારમાં નીચામાં ૧૨૮૭ થઈ ૧૩૨૮થી ૧૩૨૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાંથી મળેલા સમાચાર મુજબ નેધરલેન્ડે અમેરિકા તથા કેનેડામાંથી ૮૬ ટન ગોલ્ડ ઉપાડી બ્રિટન લઈ જવાનો નિર્ણય કર્યાના નિર્દેશો હતા.