Get The App

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો

- દેશમાં સૌથી વધુ ૧૪૨૧ પ્રોજેકટસ પરિવહન તથા લોજિસ્ટિક ક્ષેત્રના ચાલી રહ્યા છે

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો 1 - image

મુંબઈ : ફેબુ્રઆરી, ૨૦૨૬ના સરકારી રિપોર્ટ પ્રમાણે રૂપિયા ૧૫૦ કરોડથી વધુના ખર્ચ સાથેના અનેક માળખાકીય પ્રોજેકટસ પાછળના ખર્ચમાં એકંદરે રૂપિયા ૫.૬૬ લાખ કરોડનો વધારો થયો છે. 

રૂપિયા ૧૫૦ કરોડ કે તેથી વધુના ખર્ચ સાથેના ૧૯૪૮ પ્રોજેકટસ પાછળનો  મૂળ ખર્ચ જે રૂપિયા ૩૬,૩૨,૦૮૮ કરોડ અંદાજાયો હતો તે ફેબુ્રઆરીના અંતે વધી રૂપિયા ૪૧,૯૮,૬૮૪ કરોડ પર પહોંચી ગયાનું કેન્દ્રના માળખાકીય પ્રોજેકટસ પરના રિપોર્ટમાં જણાવાયું છે.

સ્ટેટિસ્ટીકસ મંત્રાલય દ્વારા આ પ્રોજેકટસ પર દેખરેખ રાખવામાં આવે છે. હાલમાં ચાલી રહેલા સદર પ્રોજેકટસ પર કુલ રૂપિયા ૧૯.૭૧ લાખ કરોડનો ખર્ચ થઈ ચૂકયો છે જે સુધારિત અંદાજના ૪૭ ટકા જેટલો છે. આમ પ્રોજેકટની કામગીરી પ્રગતિ પર હોવાના સંકેત મળે છે. 

૧૯૪૮ પ્રોજેકટસમાંથી ૭૪૦ એટલે કે ૩૮ ટકા જેટલા પ્રોજેકટસમાં ૮૦ ટકા જેટલી કામગીરી થઈ ગઈ છે એમ એક સરકારી યાદીમાં જણાવાયું હતું. 

૧૪૨૧ સાથે સૌથી વધુ પ્રોજેકટસ પરિવહન તથા લોજિસ્ટિક ક્ષેત્રના છે, જે પાછળ રૂપિયા ૨૨.૯૬ લાખ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ભારતમાં કનેકટિવિટી પ્રેરિત માળખાકીય વિકાસને અગ્રતા અપાઈ રહી હોવાનું આના પરથી જણાય છે.

માળખાકીય ક્ષેત્રના ૧૯૪૮ પ્રોજેકટસમાંથી ૭૯૩ પ્રોજેકટસ રૂપિયા ૧૦૦૦ કરોડ કે તેથી વધુના ખર્ચ સાથેના પ્રોજેકટસ છે. 

આ પ્રાજેકટસ પાછળ મૂળ ખર્ચ રૂપિયા ૩૦.૯૩ લાખ કરોડ અંદાજાયો હતો. ૧૧૫૫ પ્રોજેકટસ રૂપિયા ૧૫૦ કરોડથી રૂપિયા ૧૦૦૦ કરોડની વચ્ચેના ખર્ચ સાથેના છે. આ પ્રોજેકટસ પાછળ રૂપિયા ૫.૩૯ લાખ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. 

સરકારી વિભાગ પ્રમાણે જોવા જઈએ તો ૧૧૦૮ સાથે સૌથી વધુ પ્રોજેકટસ માર્ગ પરિવહન તથા હાઈવે મંત્રાલયના છે. આ પ્રોજેકટસ પાછળ રૂપિયા ૧૦.૫૧ લાખ કરોડ અંદાજાયો હોવાનું યાદીમાં વધુમાં જણાવાયું હતું.