Business

વિવિધ રુટ થકી કંપનીઓએ રૂપિયા એક લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીઓ અને પ્રમોટરોએ શેર વેચીને ₹1 લાખ કરોડથી વધુની રકમ ઊભી કરી છે. QIP, બ્લોક ડીલ, OFS અને IPO દ્વારા આ ભંડોળ મેળવાયું છે. બજારની સાનુકૂળ સ્થિતિનો લાભ લઈને સરકારે પણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં પોતાનો હિસ્સો વેચીને ₹9500 કરોડ મેળવ્યા છે. રોકાણકારોનો ઉત્સાહ વધતા મિડકેપ અને સ્મોલકેપમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિવિધ રુટ થકી કંપનીઓએ રૂપિયા એક લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું

બજારની સાનુકૂળ સ્થિતિનો પ્રમોટરો તથા સરકારે ઉઠાવેલો લાભ
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રારંભથી અત્યારસુધીમાં ઈક્વિટીસના વેચાણ મારફત કંપનીઓએ રૂપિયા એક લાખ કરોડથી વધુની રકમ ઊભી કરી લીધી છે. ઓફર ફોર સેલ ટ્રાન્ઝકશન્સ, બ્લોક ડીલ્સ તથા કવાલિફાઈડ ઈન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) જેવા રુટ ઉપરાંત આઈપીઓ મારફત આ રકમ ઊભી કરવામાં આવી છે.
વર્તમાન નાણાં વર્ષમાં આઈપીઓ બજાર સ્થિરપણે સુધરી રહી છે. વર્તમાન નાણાં વર્ષના પ્રારંભમાં મંદ રહ્યા બાદ રોકાણકારોના માનસમાં સુધારા સાથે કંપનીઓ તથા પ્રમોટરો મૂડી બજારમાંથી નાણાં ઊભા કરવા પ્રોત્સાહિત થયા છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષમાં સેન્સેકસ તથા નિફટી બન્ને સાત ટકા જેટલા વધ્યા છે અને મિડકેપ્સ તથા સ્મોલકેપ્સની કામગીરી પણ મજબૂત રહી છે. બીએસઈ મિડકેપ ૧૭ ટકા જ્યારે સ્મોલકેપ ઈન્ડેકસ ૨૫ ટકા જેટલો વધ્યો છે.
બજારની સાનુકૂળ સ્થિતિમાં કંપનીઓ તથા પ્રમોટરો માટે ભંડોળ ઊભા કરવાનું સરળ રહે છે, માટે તેઓ હાલમાં કયુઆઈપી, બ્લોક ડીલ્સ તથા ઓફર ફોર સેલ્સ મારફત ભંડોળ ઊભા કરી રહ્યા છે. મેઈનબોર્ડ કંપનીઓએ આઈપીઓ લાવવામાં પાંચથી છ મહિનાનો સમય નીકળી જતો હોય છે.
મિડકેપ્સ તથા સ્મોલકેપ્સમાં રેલીથી ઈક્વિટીના વેલ્યુએશન આકર્ષક મુકાઈ રહ્યા છે જેનો પ્રમોટરો લાભ ઉઠાવી રહ્યા છે.
એક અંદાજ પ્રમાણે બ્લોક તથા બલ્ક ડીલ્સ મારફત વર્તમાન નાણાં વર્ષમાં ૫૬૫૦૦ કરોડથી વધુની રકમ ઊભી કરાઈ છે જ્યારે મેઈનબોર્ડ આઈપીઓ મારફત રૂપિયા ૩૮૦૦ કરોડ, એસએમઈ આઈપીઓ મારફત રૂપિયા ૧૮૦૦ કરોડ, ક્યુઆઈપી મારફત રૂપિયા ૩૯૦૦૦ કરોડ ઊભા કરી લેવાયા છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા ઓએફએસ મારફત રૂપિયા ૯૫૦૦ કરોડ ઊભા કરી લેવાયા હોવાનું એક રિસર્ચ પેઢીના આંકડા જણાવે છે.
ખાનગી કંપનીઓ ઉપરાંત સરકાર પણ બજારની વર્તમાન સાનુકૂળ સ્થિતિનો લાભ લઈ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં પોતાના હિસ્સાનું આંશિક વેચાણ કરી રહી છે. ૨૦૨૬ના જાન્યુઆરીથી માર્ચના ગાળામાં ભંડોળ ઊભા કરવાની પ્રવૃત્તિ પ્રમાણમાં ધીમી રહી હતી.