Business

ટૂંક સમયમાં અમેરિકામાં કોમોડિટીના ભાવ વધશે

By GS TEAM
20 Jun 20252 mins read
ટૂંક સમયમાં અમેરિકામાં કોમોડિટીના ભાવ વધશે

નવી દિલ્હી : યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ ફરી એકવાર તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ફેરફાર કર્યો નથી. હવે આ દર ૪.૨૫%થી ૪.૫%ની વચ્ચે રહેશે. આ સતત ચોથી બેઠક છે જ્યારે ફેડરલે દર સ્થિર રાખ્યા છે. સમિતિના તમામ મતદાન સભ્યોએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો. જોકે, ફેડરલે આગામી સમયમાં અમેરિકામાં કોમોડિટીના ભાવમાં વધારો થશે તેવો ઉલ્લેખ કર્યો હતો.

મીટિંગ પછી જારી કરાયેલા એક નિવેદનમાં, ફેડરલે કહ્યું હતું કે ફુગાવો હજુ પણ થોડો ઊંચો છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે યુએસ અર્થતંત્ર મજબૂત રીતે વૃદ્ધિ પામી રહ્યું છે. બેરોજગારીનો દર હજુ પણ ઓછો છે અને શ્રમ બજારની સ્થિતિ મજબૂત છે, જે દર્શાવે છે કે ફેડનો અર્થતંત્રમાં વિશ્વાસ અકબંધ છે.

ફેડના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બદલાતી ટેરિફ નીતિઓને કારણે વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ અનિશ્ચિત છે. વૈશ્વિક સંઘર્ષો અને સ્થાનિક નીતિ પરિવર્તન વચ્ચે ફેડ સમયસર યોગ્ય પગલાં લઈ શકે તે માટે વ્યાજ દર સ્થિર રાખવો મહત્વપૂર્ણ છે.

તેમણે ચેતવણી આપી હતી કે આગામી મહિનાઓમાં ચીજ વસ્તુઓના ભાવ વધી શકે છે કારણ કે ટેરિફની અસર ધીમે ધીમે સપ્લાય ચેઇન દ્વારા બજારમાં પહોંચશે. આખરે કોઈને આ ટેરિફની કિંમત ચૂકવવી પડશે, અને તેનો અમુક ભાગ સામાન્ય ગ્રાહકો પર પણ પડશે. ઘણા રિટેલર્સ હાલમાં જૂનો સ્ટોક વેચી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં નવો, ટેરિફ-અસરગ્રસ્ત સ્ટોક બજારમાં આવશે.

પોવેલે કહ્યું હતું કે અમે કોમોડિટી ફુગાવામાં થોડો વધારો જોઈ રહ્યા છીએ. અમને અપેક્ષા છે કે ઉનાળામાં તે વધુ વધશે. ટેરિફની અસર સમગ્ર સપ્લાય ચેઇન પર ધીમે ધીમે પડી રહી છે, કારણ કે મહિનાઓ પહેલા ઘણી વસ્તુઓની આયાત કરવામાં આવી હતી.

હવે પર્સનલ કમ્પ્યુટર અને આડિઓ-વિઝયુઅલ સાધનો જેવી કેટલીક શ્રેણીઓમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, અને ટેરિફમાં વધારાને કારણે આવું થઈ રહ્યું છે. આગામી મહિનાઓમાં આવી કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજ દરમાં ઘટાડા પર કડક પ્રતિક્રિયા આપી છે. મીટિંગના અગાઉના દિવસે, તેમણે માંગ કરી હતી કે ફેડરલ રિઝર્વ ૧થી ૨.૫ ટકા પોઈન્ટનો ઘટાડો કરે. નોંધનીય છે કે ફેડરલે દરો સંબંધિત નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત સાત ગવર્નરો અને પાંચ પ્રાદેશિક બેંકોના પ્રમુખોના રોટેશન જૂથ વચ્ચે સંપૂર્ણ ચર્ચા પછી લેવામાં આવ્યો છે.