Business

સેવા તથા ઉત્પાદન ક્ષેત્રે સંયુકત પ્રવૃત્તિમાં વિસ્તરણ ત્રણ કરતા વધુ વર્ષના તળિયે

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈથી પ્રાપ્ત માહિતી અનુસાર, જુલાઈમાં ખાનગી ક્ષેત્રના કામકાજનો વૃદ્ધિદર 3 વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે. S&P ગ્લોબલના HSBC સંયુક્ત PMI સર્વે મુજબ, સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી પડતાં PMI 57.10 થી ઘટીને 54.30 થયો. માર્ચ 2022 પછીનું આ સૌથી ધીમું વિસ્તરણ છે. નવા ઓર્ડર અને ગ્રાહક પૂછપરછમાં ઘટાડો મુખ્ય કારણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેવા તથા ઉત્પાદન ક્ષેત્રે સંયુકત પ્રવૃત્તિમાં વિસ્તરણ ત્રણ કરતા વધુ વર્ષના તળિયે

જુલાઈનો એચએસબીસી સંયુકત પીએમઆઈ ૫૪.૩૦
મુંબઈ : સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી પડવાને કારણે જુલાઈમાં દેશની ખાનગી ક્ષેત્રના કામકાજમાં વધારો ત્રણ કરતા વધુ વર્ષની નીચી સપાટીએ રહ્યો હોવાનું એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ)માં સંકેત અપાયા છે.
આઉટપુટ તથા નવા ઓર્ડરો ધીમા પડતા ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો એચએસબીસી ફલેશ ઈન્ડિયા સંયુકત પીએમઆઈ જે જૂનમાં ૫૭.૧૦ હતો તે જુલાઈમાં ઘટી ૫૪.૩૦ રહ્યો હતો.
માર્ચ, ૨૦૨૨ બાદ આ સૌથી ધીમુ વિસ્તરણ હોવાનું સર્વે રિપોર્ટ પરથી જણાય છે. વર્તમાન મહિનામાં ફુગાવાજન્ય દબાણમાં પણ વધારો થયો છે.
પડકારરૂપ બની રહેલી બજાર સ્થિતિ, સ્પર્ધાનું દબાણ, ઓર્ડરમાં કેન્સલેશન, કલાયન્ટ પૂછપરછમાં ઘટાડો તથા કાચા માલની અછત પીએમઆઈનું વિસ્તરણ ધીમુ પડવાના કારણો ગણાવાયા છે.
નવા ઓર્ડરો વધી રહ્યા છે પરંતુ તેની માત્રા જુલાઈમાં સાડાચાર વર્ષની નીચી સપાટીએ નજરે પડી રહી હોવાનું પણ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.
ઉત્પાદન ક્ષેત્રની સરખામણીએ સેવા ક્ષેત્રની કામગીરી વધુ મંદ પડી છે જેને કારણે એકંદર પ્રારંભિક પીએમઆઈ ધીમો પડયો છે.
સેવા ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ જે જૂનમાં ૫૭.૪૦ રહ્યો હતો તે જુલાઈમાં ઘટી ૫૩.૧૦ રહ્યો છે, જે ૫૩ મહિનાની નીચી સપાટીએ છે. ઉત્પાદન ક્ષેત્રની કામગીરી સ્થિતિસ્થાપક રહી છે. પીએમઆઈ જે જૂનમાં ૫૪.૨૦ હતો તે વર્તમાન મહિને સાધારણ ઘટી ૫૩.૯૦ રહ્યો છે.
સેવા તથા ઉત્પાદન ક્ષેત્રમાં નિકાસ ઓર્ડરો મજબૂત રહ્યા છે. ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં જોરદાર સુધારો જોવાઈ રહ્યો છે. ઈંધણના ઊંચા ભાવ, પરિવહન ખર્ચ તથા લેબર કોસ્ટ વધવાને કારણે ઈનપુટ કોસ્ટસ તથા આઉટપુટ ચાર્જિસમાં વધારો થવા પામ્યો હોવાનું પણ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.
જુલાઈમાં સતત સાતમા મહિને રોજગારમાં ધીમી ગતિએ વધારો થયો છે જ્યારે બિઝનેસ કોન્ફિડેન્સ ઘટી છ મહિનાના તળિયે પહોંચ્યો છે.