Business

ચીનનો વિદેશી રોકાણકારોને મોટો ઝટકો, ૩૨ વર્ષ જૂની ટેક્સ છૂટ સિસ્ટમ બંધ કરી

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
ચીને વિદેશી રોકાણકારોને 32 વર્ષથી મળતી ટેક્સ છૂટ રદ કરી છે. હવે ચીની કંપનીઓમાંથી મળતા ડિવિડન્ડ અને બોનસ પર વિદેશી વ્યક્તિઓએ 20% વ્યક્તિગત આવકવેરો ચૂકવવો પડશે. 1 સપ્ટેમ્બરથી અમલમાં આવેલો આ નિર્ણય ચીનના નાણા મંત્રાલય અને સ્ટેટ ટેક્સેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેર કરાયો છે. આનાથી ચીનની રોકાણ વ્યવસ્થામાં મોટા ફેરફારો આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનનો વિદેશી રોકાણકારોને મોટો ઝટકો, ૩૨ વર્ષ જૂની ટેક્સ છૂટ સિસ્ટમ બંધ કરી

ચાઈનીઝ કંપનીઓના વિદેશી રોકાણકારોને ડિવિડન્ડ અને બોનસ પર ૨૦% વ્યક્તિગત આવકવેરો ચૂકવવો પડશે
અમદાવાદ : એકતરફ ભારત વિદેશી રોકાણને આકર્ષવા માટે ભરચક પ્રયાસ કરી રહી છે તો બીજીતરફ ચીને વિદેશી રોકાણ અટકાવવા માટે રોકાણકારોને ૩૨ વર્ષથી મળતી જૂની ટેક્સ છૂટ પાછી ખેંચી લીધી છે. હવે ચીનમાં રોકાણ કરનારા વિદેશી વ્યક્તિઓને ચાઈનીઝ કંપનીઓ પાસેથી મળતા ડિવિડન્ડ અને બોનસ પર ૨૦ ટકા વ્યક્તિગત આવકવેરો ચૂકવવો પડશે. આ નિર્ણયે વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનની રોકાણ વ્યવસ્થા અને ભવિષ્યની રણનીતિ અંગે અનેક ચર્ચાઓ ઉભી કરી છે.
ચીનના નાણા મંત્રાલય અને સ્ટેટ ટેક્સેશન એડમિનિસ્ટ્રેશને ૧ સપ્ટેમ્બરે આ ફેરફારની જાહેરાત કરી છે. ૨૦ ટકા ટેક્સની જોગવાઈ ચીનના કાયદામાં અગાઉથી હતી, પરંતુ વિદેશી મૂડીને આકર્ષવા માટે વર્ષ ૧૯૯૪થી તેના પર અસ્થાયી છૂટ આપવામાં આવી રહી હતી. હવે આ છૂટનો અંત લાવવામાં આવ્યો છે એટલે કે ૨૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.
ચીનના અધિકારીઓનું કહેવું છે કે ટેક્સ છૂટની શરૂઆત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે દેશને આથક વિકાસ માટે વિદેશી મૂડીની વધુ જરૂર હતી. હવે ચીનની અર્થવ્યવસ્થા વિકસિત થઈ હોવાથી ટેક્સ સિસ્ટમમાં ન્યાય અને એકરૂપતા લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.જોકે, નિષ્ણાતોના મતે ૨૦ ટકા ટેક્સથી દરેક વિદેશી રોકાણકાર પર સમાન અસર નહીં થાય. રોકાણકારના પોતાના દેશના ટેક્સ નિયમો, ડીટીએએ એટલે કે ડબલ ટેક્સેશન અવાઇડન્સ એગ્રીમેન્ટ અને ટેક્સ ક્રેડિટની વ્યવસ્થા પ્રમાણે વાસ્તવિક બોજ નક્કી થશે.
ચીનના આ નિર્ણયથી ભારત માટે પણ તક ઊભી થઈ શકે છે. વૈશ્વિક કંપનીઓ પહેલેથી જ ચાઈના પ્લસ વન વ્યૂહરચના અપનાવી રહી છે. ભારતનું મોટું બજાર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર તેને વિકલ્પ તરીકે મજબૂત બનાવે છે. જોકે, માત્ર ટેક્સ નીતિના કારણે વિદેશી રોકાણનો મોટો હિસ્સો તરત ભારત તરફ વળશે એવું માનવું વહેલું છે.