Business

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થતાં જ સેન્ટ્રલ બેંકો તૂટી પડી, 9 મહિનામાં 675 ટન ગોલ્ડની રેકોર્ડબ્રેક ખરીદી

By GS Team
18 Nov 20263 mins read
TukuTouch Logo
વૈશ્વિક સ્તરે સોનાના ભાવ ઘટતા વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ ખરીદી વધારી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ, 2026ના Q3માં 321 ટન સોનું ખરીદાયું, જે Q2 કરતાં 8.5% વધુ છે. 9 મહિનામાં કુલ 675 ટન ખરીદી થઈ. પોર્ટફોલિયોમાં વિવિધતા અને જોખમ સંચાલન મુખ્ય કારણ છે, જોકે 63% ખરીદીની વિગતો જાહેર થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થતાં જ સેન્ટ્રલ બેંકો તૂટી પડી, 9 મહિનામાં 675 ટન ગોલ્ડની રેકોર્ડબ્રેક ખરીદી

Central Banks Gold Buying : વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં થઈ રહેલા ઘટાડા વચ્ચે વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ સોનાની ખરીદીમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના તાજેતરના આંકડા મુજબ, ચાલુ વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટર (Q3) માં સેન્ટ્રલ બેંકોએ કુલ 321 ટન સોનું ખરીદ્યું છે, જે અગાઉના ક્વાર્ટર (Q2)ના 296.3 ટન કરતાં 8.5% વધુ છે.

9 મહિનામાં 675 ટન સોનાની ખરીદી

સોનાના ભાવ 1 વર્ષના નીચલા સ્તરે પહોંચતા કેન્દ્રીય બેંકોએ ખરીદી તેજ કરી છે. પ્રથમ ક્વાર્ટર (Q1) ના 57 ટનની સરખામણીએ ત્રીજા ક્વાર્ટરમાં ખરીદીમાં જબરદસ્ત વધારો થયો છે. આ સાથે જ વર્ષ 2026 ના પ્રથમ 9 મહિનામાં સેન્ટ્રલ બેંકોની કુલ ખરીદી 675 ટન પર પહોંચી ગઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા કરતાં 6% વધારે છે. કાઉન્સિલના અંદાજ મુજબ, 2026 માં સેન્ટ્રલ બેંકોની કુલ માંગ ઓછામાં ઓછી 2025 ના સ્તર જેટલી જળવાઈ રહેશે.

સેન્ટ્રલ બેંકો શા માટે ખરીદી વધારી રહી છે?

પ્રથમ ક્વાર્ટરની ઊંચી સપાટીએથી સોનાના સરેરાશ ભાવ નીચે આવતા અને બજારની અસ્થિરતા (વોલેટિલિટી) ઘટતા ખરીદીને વેગ મળ્યો છે. જોકે, ઐતિહાસિક રીતે સોનું હજુ પણ મોંઘું હોવા છતાં બેંકો તેને ખરીદી રહી છે. કાઉન્સિલના મતે, પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા (ડાઇવર્સિફિકેશન) અને જોખમ સંચાલન (રિસ્ક મેનેજમેન્ટ) જેવી લાંબા ગાળાની વ્યૂહાત્મક જરૂરિયાતો આ ખરીદી પાછળનું મુખ્ય કારણ છે.

63% ખરીદીની વિગતો જાહેર થઈ નથી

સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા અને અંદાજિત કુલ માંગ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં સત્તાવાર રીતે માત્ર 120 ટન ખરીદી જાહેર થઈ હતી, જ્યારે વાસ્તવિક અંદાજ 321 ટનનો છે. વર્ષ 2022 થી ચાલી રહેલા ટ્રેન્ડ મુજબ, આ ક્વાર્ટરમાં પણ કુલ માંગનો લગભગ 63% હિસ્સો એવી ખરીદીમાંથી આવ્યો છે જેનો જાહેરમાં ખુલાસો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત, આ ખરીદી માત્ર ગણતરીની સેન્ટ્રલ બેંકો પૂરતી જ મર્યાદિત રહી છે.

રશિયાના સોનાના ભંડારમાં 19 ટનનો ઘટાડો

ત્રીજા ક્વાર્ટરમાં સોનાના વેચાણ કરતાં ખરીદીનું પલડું ભારે રહ્યું છે. કતાર, કિર્ગિઝ રિપબ્લિક અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સોનાના ભંડારમાં નજીવો ઘટાડો નોંધાયો છે. જોકે, રશિયા એકમાત્ર એવો દેશ રહ્યો છે જ્યાં 19 ટન સોનાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.

પુરવઠા અને ભવિષ્યની માંગનું અનુમાન

ઊંચા ભાવને કારણે ઘરેણાંની માંગ પર દબાણ હોવા છતાં સેન્ટ્રલ બેંકો મોટી ખરીદદાર બની રહેશે. ત્રીજા ક્વાર્ટરના મજબૂત આંકડા અને બીજા ક્વાર્ટરના સુધારેલા અંદાજો બાદ કાઉન્સિલે વાર્ષિક ખરીદીનો અંદાજ વધાર્યો છે. પુરવઠાની વાત કરીએ તો, ખાણોમાંથી સોનાનું ઉત્પાદન નવો વાર્ષિક રેકોર્ડ બનાવી શકે છે, પરંતુ જૂના સોનાના રિસાયક્લિંગની પ્રવૃત્તિ સુસ્ત રહેવાને કારણે કુલ સપ્લાયમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે.

રોકાણની માંગ મુખ્ય પરિબળ

વર્ષ 2026 માં સોનાની માંગ વધારવામાં રોકાણકારોનો ફાળો સૌથી મહત્વનો રહેશે. કાઉન્સિલે સરેરાશ વાર્ષિક માંગ વૃદ્ધિનો અંદાજ 400 ટનથી ઘટાડીને 200 ટન કર્યો હોવા છતાં, વર્ષના અંત સુધીમાં રોકાણની માંગ 2025 કરતાં 200 ટન વધુ રહેવાની ધારણા છે. વર્ષના બીજા ભાગમાં સોનાના બાર અને સિક્કાની માંગ થોડી નરમ પડી છે, પરંતુ ગોલ્ડ ETF માં રોકાણ અપેક્ષા કરતાં ઘણું વધારે રહ્યું છે.

મજબૂત ડોલર છતાં ETF માં રોકાણ વધ્યું

ત્રીજા ક્વાર્ટરમાં બોન્ડ યીલ્ડમાં ઉછાળો, અમેરિકન ડોલરની મજબૂતાઈ અને ભૌગોલિક-રાજકીય જોખમો ઘટવા છતાં ગોલ્ડ ETFમાં રોકાણનો પ્રવાહ અકબંધ રહ્યો છે. આ બાબત દર્શાવે છે કે રાજકોષીય સ્થિતિ અને વ્યાપક આર્થિક અનિશ્ચિતતાને લઈને ચિંતાઓ સોનામાં રોકાણ કરવાથી અન્ય રોકાણની તકો ગુમાવવાની ઊંચી તક-કિંમતની અસરને અમુક અંશે ઘટાડી રહી છે. સેન્ટ્રલ બેંકોની ખરીદી અને ETFના રોકાણને કારણે સોનાની માંગનો પાયો મજબૂત જળવાઈ રહ્યો છે.