FCNR સ્કીમ હેઠળ મૂડી પ્રવાહ ૧૨૭ અબજ ડોલર પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડોલર પ્રવાહ વધારવા માટેની સ્કીમને અપેક્ષા કરતા વધુ પ્રતિસાદ
એફસીએનઆર (બી) ડિપોઝિટના ફલોમાં વધારો થવાને પરિણામે ભંડોળ માટે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટસ (સીડી) પર બેન્કોની નિર્ભરતા ઘટી
મુંબઈ : ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેન્ક) એફસીએનઆર(બી) ડીપોઝિટ સ્કીમ હેઠળ મૂડી પ્રવાહ વધી ૧૨૭ અબજ ડોલર પાર કરી ગયાનો જાણકાર વર્તુળો દાવો કરી રહ્યા છે. ૩૧ ઓગસ્ટના સમાપ્ત થયેલી આ સ્કીમને અપેક્ષા કરતા વધુ જોરદાર પ્રતિસાદ સાંપડયો છે. જે બેન્કોએ થાપણ માટે કરાર કરી લીધા છે તેમને સ્વાપ ફેસિલિટીનો લાભ મેળવવા ૧૧ સપ્ટેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે.
સ્વાપ ડીપોઝિટની ઓછામાં ઓછી પાકતી મુદત ત્રણ વર્ષ અને વધુમાં વધુ મુદત પાંચ વર્ષની છે. જો કે મોટાભાગનો પ્રવાહ પાંચ વર્ષની મુદતમાં રહ્યો હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના સુત્રોએ જણાવ્યું હતું.
એફસીએનઆર (બી) ઉપરાંત એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગ્સ (ઈસીબી) તથા ઓવરસીઝ ફોરેન કરન્સી બોરોઈંગ્સ (ઓએફસીબી) સ્કીમ હેઠળ ૮૦ અબજ ડોલરનો પ્રવાહ થવાની અપેક્ષા રખાતી હતી પરંતુ એફસીએનઆર (બી) સ્કીમ હેઠળ જ ઈન્ફલો ૧૨૭.૨૨ અબજ ડોલરને પાર કરી ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્રણેય સ્કીમ મળી કુલ ઈન્ફલો ૩૧ ઓગસ્ટ સુધીમાં ૧૩૬.૩૭ અબજ ડોલર રહ્યો છે.
એફસીએનઆર (બી) સ્કીમ જે અગાઉ ૩૦ સપ્ટેમ્બરે સમાપ્ત થવાની હતી તે મુદતને ટૂંકાવી રિઝર્વ બેન્કે ૩૧ ઓગસ્ટ કરી નાખી હતી.
સ્પેશિયલ ઈસીબી તથા ઓએફસીબી વિન્ડોસ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી ચાલુ રાખવામાં આવી છે. એફસીએનઆર (બી) સ્કીમ હેઠળ એનઆરઆઈને વળતર પર વેરામાંથી મુક્તિ અપાઈ છે.
એફસીએનઆર (બી) સ્કીમને પરિણામે દેશની બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ મજબૂત બની છે એટલું જ નહી ંફોરેકસ રિઝર્વ પણ વધીને નવી વિક્રમી સપાટીએ જોવા મળ્યું છે.
એફસીએનઆર-બી -ડીપોઝિટની મુદત ટૂંકાવવાના પોતાના નિર્ણયનો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ નિર્ણય ગણતરીપૂર્વક લેવાયો છે. બજારની સ્થિતિમાં આવેલા બદલાવને ધ્યાનમાં રાખી આ નિર્ણય આવી પડયો હતો.
પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવ આસમાને જતા ભારતીય રૂપિયા પર દબાણ આવ્યું છે અને ચૂકવણીની સમતુલા પણ લથડી ગઈ હતી જેને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે ડોલર પ્રવાહ વધારવા કેટલીક શરતો સાથે એફસીએનઆર - બી ડીપોઝિટ સ્કીમ શરૂ કરી હતી.
દરમિયાન એફસીએનઆર (બી) ડિપોઝિટના ફલોમાં વધારો થવાને પરિણામે ભંડોળ માટે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટસ (સીડી) પર બેન્કોની નિર્ભરતા ઘટી રહી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત ડેટા પ્રમાણે જૂનમાં રૂપિયા ૧.૮૦ ટ્રિલિયનની સરખામણીએ બેન્કો તથા નાણાં સંસ્થાઓએ જુલાઈમાં સીડી મારફત રૂપિયા ૯૫૦૦૦ કરોડ ઊભા કર્યા હતા અને ઓગસ્ટનો આંક પણ નીચો રહ્યો હોવાનું માનવામાં આવે છે.




