Business

બ્લેક મંડે : સેન્સેક્સ-નિફ્ટી, સોના-ચાંદી.... જ્યાં જુઓ ત્યાં કડાકો, રોકાણકારો કેમ ભયભીત?

By GS Team
28 Sep 20263 mins read
TukuTouch Logo
સોમવારે શેરબજારમાં 'બ્લેક મન્ડે' જોવા મળ્યો. સેન્સેક્સ 1000 પોઇન્ટ અને નિફ્ટી 300થી વધુ પોઇન્ટ તૂટ્યા. સોનું ₹4500 અને ચાંદી ₹8000થી વધુ સસ્તી થતાં રોકાણકારોમાં ડર ફેલાયો. મહારાષ્ટ્રના 265 તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર થતા, અમેરિકા-ઈરાન તણાવ અને ક્રૂડના ભાવવધારા જેવા વૈશ્વિક કારણોસર આ કડાકો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્લેક મંડે : સેન્સેક્સ-નિફ્ટી, સોના-ચાંદી.... જ્યાં જુઓ ત્યાં કડાકો, રોકાણકારો કેમ ભયભીત?

Silver and Gold and Sensex-nifty : આજે સોમવારનો દિવસ રોકાણકારો માટે બ્લેક મન્ડે સાબિત થઇ રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વીકલી ટ્રેડિંગના પહેલા દિવસે જ સેન્સેક્સ હોય કે નિફ્ટી, સોનું હોય કે ચાંદી જ્યાં જુઓ ત્યાં માત્ર કડાકો જ નહીં પરંતુ મોટા કડાકાની સ્થિતિ જોવા મળી. સેન્સેક્સ 1000 પોઇન્ટ તો નિફ્ટી 300થી વધુ પોઇન્ટ તૂટી ગયા. જ્યારે સોનું 4500 રૂપિયા તો ચાંદી 8000 થી વધુ રૂપિયા સુધી એક જ દિવસમાં સસ્તી થતાં રોકાણકારોમાં જબરો ડર ફેલાયો છે. માર્કેટમાં અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. જોકે આ કડાકા પાછળ કારણ શું હોઈ શકે? ચાલો જાણીએ…

નિફ્ટી 28 મહિનાની નીચલી સપાટીએ

ટેક્નિકલ દૃષ્ટિએ નિફ્ટી માટે 22,800 નો સ્તર એક અત્યંત મજબૂત સપોર્ટ મનાતો હતો, પરંતુ સોમવારે નિફ્ટી 300થી વધુ પોઇન્ટના ગાબડા સાથે તૂટીને 22,807ની સપાટીએ પહોંચી ગયો છે. નોંધનીય છે કે, મે-2024માં પણ નિફ્ટી આ જ સ્તરે હતો. અર્થાત્ છેલ્લા 28 મહિનાથી બજાર એક જ રેન્જમાં ફસાયેલું છે અને કોઈ રિકવરી જોવા મળી નથી.

આ જ વર્ષના જાન્યુઆરી મહિનામાં નિફ્ટીએ 26,373.20ની તેની ઓલ ટાઇમ હાઇ(All-Time High) સપાટી સર કરી હતી, જ્યાંથી અત્યાર સુધીમાં તે લગભગ 15% જેટલો ગોથા ખાઈ ચૂક્યો છે. બીજી તરફ, સેન્સેક્સ પણ 1000થી વધુ પોઇન્ટના કડાકા સાથે 73,000ની માનસિક સપાટીથી નીચે સરી પડ્યો છે. ડાયરેક્ટ સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ કે ETF માં નાણાં રોકનારા તમામ લોકોની ધીરજ ખૂટી રહી છે.

મહારાષ્ટ્રમાં ભયાનક દુકાળની જાહેરાતથી ખળભળાટ

વૈશ્વિક પરિબળો ઉપરાંત સોમવારે ભારતીય બજારમાં વાવાઝોડું લાવવાનું મુખ્ય કારણ દેશની અંદરની જ એક રિપોર્ટ છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યની કુલ 358માંથી 265 તાલુકાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત (Drought-hit) જાહેર કરી દીધા છે. આ નિર્ણયથી રાજ્યનો લગભગ 74% જેટલો વિસ્તાર પ્રભાવિત થયો છે. ચોમાસા દરમિયાન સતત 21 દિવસથી વધુ સમય સુધી વરસાદ ન પડવા (ટ્રિગર-1 માનદંડ) અને ખરીફ પાકોને થયેલા ભારે નુકસાનને કારણે આ આકરો નિર્ણય લેવાયો છે.

આ જાહેરાતને કારણે કપાસ, સોયાબીન, તુવેર, મગ, અડદ, શેરડી, ડુંગળી, લીલા મરચાં અને ટામેટાંના ઉત્પાદન પર વિપરીત અસર પડશે. સોયાબીન સહિતના ખાદ્યપદાર્થોના ભાવ ભડકે બળવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, પશુઓ માટે લીલા ચારા અને પાણીની તીવ્ર અછત સર્જાતા દૂધ અને ચારાના ભાવ મોંઘા થવાનો ડર ઊભો થયો છે, જેણે ફુગાવાની ચિંતા વધારી દીધી છે.

બજારમાં કડાકાના 4 મુખ્ય વૈશ્વિક કારણો:

  • અમેરિકા-ઈરાન તણાવ અને હોર્મુઝ સંકટ
  • અમેરિકા અને ઈરાન વચ્ચે ભૂ-રાજનૈતિક (Geopolitical) તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી વહીવટીતંત્રે ઈરાનના પ્રસ્તાવોને ફગાવી દેતાં પશ્ચિમ એશિયામાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની આશંકાથી વૈશ્વિક અને ભારતીય બજારનો મૂડ બગડ્યો છે.
  • ક્રૂડ ઓઇલ 105 ડૉલરને પાર:
  • પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ(Hormuz)માંથી તેલનો પુરવઠો અટકી જવાની ભીતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રિન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ઊછળીને પ્રતિ બેરલ 105 ડૉલરને પાર પહોંચી ગયા છે. ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ કાચું તેલ આયાત કરતું હોવાથી મોંઘવારી અને ટ્રેડ ડેફિસિટ (વેપાર ખાધ) વધવાની આશંકાએ રોકાણકારોને ડરાવી દીધા છે.
  • FIIsની ભારે વેચવાલી
  • વૈશ્વિક અનિશ્ચિતતા, મજબૂત થતો યુએસ ડૉલર અને યુએસ બોન્ડ યીલ્ડ(US Bond Yield)માં થયેલા વધારાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ભારતીય શેરબજારમાંથી સતત નાણાં પાછા ખેંચીને સુરક્ષિત એસેટ્સ (જેમ કે સોના અને યુએસ બોન્ડ) તરફ વળી રહ્યા છે.
  • યુએસ ફેડનો સખત વલણ અને India VIX માં 14% નો ઉછાળો:
  • અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો અને ફુગાવા અંગે કડક વલણ અપનાવવામાં આવતાં ગ્લોબલ માર્કેટમાં નબળાઈ જોવા મળી છે. આના પરિણામે ભારતીય બજારમાં બૅંકિંગ, ઓટો અને સ્મોલ/મિડકેપ જેવા અગ્રણી સેક્ટર્સમાં ભારે વેચવાલી આવી છે. આ ગભરાટના કારણે ઇન્ડિયા વિક્સ(India VIX - વોલેટિલિટી ઇન્ડેક્સ)માં 14%નો મોટો ઉછાળો નોંધાયો છે, જે બજારમાં હજુ પણ ભારે વધઘટ અને ભય દર્શાવે છે.