Business

બિટકોઈનમાં કડાકો: ભાવ ગબડીને 1,00,000 ડોલરની અંદર ઊતર્યા

By GS TEAM
15 Nov 20252 mins read
બિટકોઈનમાં કડાકો: ભાવ ગબડીને 1,00,000 ડોલરની અંદર ઊતર્યા

મુંબઈ : અમેરિકામાં શટડાઉન સમાપ્ત થઈ જતા અને ફેડરલ ઓપન માર્કેટ કમિટિની ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો નહીં આવે તેવા કમિટિના સભ્યો દ્વારા નીકળી રહેલા સૂરને કારણે ક્રિપ્ટોકરન્સીસ જેવી જોખમી એસેટસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન છ ટકાથી વધુ તૂટી ૧,૦૦,૦૦૦ ડોલરની અંદર સરકી ગયો હતો અને મોડી સાંજે ૯૭૦૦૦ ડોલર આસપાસ કવોટ થતો હતો. અન્ય ક્રિપ્ટોસ એથરમ, બિનાન્સ, એકસઆરપી, સોલાનામાં પણ આઠ ટકા સુધીનું કરેકશન જોવા મળ્યું છે. 

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૯૬૫૬૦ ડોલર અને ઉપરમાં ૧,૦૩,૨૦૪ ડોલર થઈ મોડી સાંજે ૯૭૪૬૦ ડોલર કવોટ થતો હતો. અમેરિકામાં લિસ્ટેડ ૧૧ સ્પોટ બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માંથી ગુરુવારે સંયુકત રીતે ૮૬.૯૮ કરોડનો આઉટફલોસ જોવા મળ્યો હતો જે કોઈ એક દિવસમાં અત્યારસુધીનો સૌથી મોટો આઉટફલોસ હોવાનું પ્રાપ્ત માહિતીમાં જણાવાયું હતું.

આઉટફલોસને કારણે પણ ભાવ દબાણ હેઠળ આવી ગયા હતા. ચોક્કસ ડેટાના અભાવે તથા ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે તેવા ગણગણાટે ડોલર ઈન્ડેકસ ઘટતો અટકયો હતો.  શટડાઉન સમાપ્ત થતા ક્રિપ્ટોસના સંસ્થાકીય રોકાણકારો ક્રિપ્ટોસમાંથી નીકળી ડોલર તરફ વળી રહ્યાના સંકેતો મળી રહ્યા હતા. 

મોટાભાગની ક્રિપ્ટોકરન્સીસમાં ઘટાડાને પરિણામે ક્રિપ્ટોસની વૈશ્વિક માર્કેટ કેપ ઘટી ૩.૨૭ ટ્રિલિયન ડોલર સાથે છ મહિનાની નીચી સપાટીએ  પહોંચી ગઈ હતી.

બિટકોઈન તથા એથરમ તેમની તાજેતરની ઓલટાઈમ હાઈ સપાટીએથી અનુક્રમે ૨૪ ટકા અને ૩૬ ટકા જેટલા ઘટી ગયા છે. ઈટીએફસમાં જંગી આઉટફલોસને કારણે ૧.૧૦ અબજ ડોલરના લેણને ફરજિયાત લિક્વિડિટ કરાયું હોવાના અહેવાલ હતા.