સોનાના ભાવમાં મોટો ઘટાડો, શું રૂ.1.50 લાખથી નીચે જશે Gold? કાચા તેલના વધતા ભાવથી કિંમતી ધાતુઓ પર દબાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold price in International Market: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો અને વૈશ્વિક મોંઘવારી વધવાની ચિંતાને કારણે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્કથી લઈને મુંબઈ સુધી કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. રોકાણકારો હવે અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ પર નજર રાખી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું-ચાંદી ગગડ્યા
ન્યૂયોર્કના કોમેકસ બજારમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતીય સમય અનુસાર સાંજે 5:55 વાગ્યે ગોલ્ડ ફ્યુચર આશરે 82 ડૉલર ઘટીને 4,327 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ગોલ્ડ સ્પોટના ભાવ 52.70 ડૉલર ઘટીને 4,296.38 ડૉલર પ્રતિ ઔંસ રહ્યા હતા.
ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. સિલ્વર ફ્યુચર આશરે 3% ઘટીને 63.37 ડૉલર પ્રતિ ઔંસ, જ્યારે સિલ્વર સ્પોટ 2.21% ઘટીને 63.0635 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી.
ભારતમાં પણ સોનાના ભાવમાં ઘટાડો
ભારતના વાયદા બજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં રૂ.2,313 એટલે કે 1.51%નો ઘટાડો નોંધાયો હતો. સોનું ઘટીને રૂ.1,50,471 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું હતું.
સોમવારે સોનું રૂ.1,50,896 પર ખુલ્યું હતું, જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે ભાવ રૂ.1,52,784 પર બંધ થયો હતો. સાંજે 6 વાગ્યાની આસપાસ સોનું રૂ.2,185ના ઘટાડા સાથે રૂ.1,50,599 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ચાંદીમાં પણ મોટો ઘટાડો
MCX પર ચાંદીના ભાવમાં સોના કરતાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. ચાંદી રૂ.5,055 એટલે કે 2.15% ઘટીને રૂ.2,29,919 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી.
અગાઉના ટ્રેડિંગ દિવસે ચાંદીનો ભાવ રૂ.2,34,974 હતો. સોમવારે ચાંદી રૂ.2,31,507 પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યા બાદ સાંજે 6:05 વાગ્યે આશરે રૂ.2,30,671 પર ટ્રેડ થઈ રહી હતી.
કાચા તેલના વધતા ભાવથી સોના પર દબાણ
કાચા તેલના ભાવમાં વધારો સોનાના ભાવ માટે મહત્ત્વનું દબાણ બની રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ આશરે 109 ડૉલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે.
મિડલ ઈસ્ટમાં વધેલા તણાવ અને સપ્લાય સંબંધિત જોખમોને કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહ્યા છે. ઊંચા ક્રૂડના ભાવથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાની ચિંતા વધી રહી છે.
ફેડના વ્યાજદર વધારાની આશંકા
મોંઘવારી વધવાની સ્થિતિમાં અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર અંગે વધુ કડક વલણ અપનાવવાની આશંકા છે. વ્યાજદર વધે તો સામાન્ય રીતે સોના જેવી વ્યાજ વગરની એસેટ્સની આકર્ષકતા ઘટે છે. જેના કારણે સોનાના ભાવ પર વધુ દબાણ આવી શકે છે. અમેરિકાના તાજેતરના મોંઘવારીના આંકડાઓએ પણ ચિંતા વધારી છે. ઑગસ્ટમાં કન્ઝ્યુમર કિંમતોમાં 0.4%નો વધારો નોંધાયો હતો, જ્યારે વાર્ષિક મોંઘવારી 3.4% રહી હતી.
શું સોનું રૂ.1.50 લાખથી નીચે જશે?
હાલમાં MCX પર સોનું રૂ.1.50 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરની આસપાસ પહોંચી ગયું છે. કાચા તેલના ઊંચા ભાવ, મોંઘવારીની ચિંતા અને વ્યાજદરમાં વધારાની શક્યતા વચ્ચે સોના પર વધુ દબાણ આવી શકે છે.
જોકે સોનું ખરેખર રૂ.1.50 લાખથી નીચે જશે કે નહીં, તે આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવ, અમેરિકાની વ્યાજદર નીતિ, ડૉલર અને વૈશ્વિક ભૌગોલિક-રાજકીય સ્થિતિ પર નિર્ભર રહેશે. હાલમાં સોનામાં તેજી બાદ પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી રહ્યું છે. તેથી રોકાણકારો માટે આગામી દિવસોના વૈશ્વિક આર્થિક સંકેતો મહત્ત્વના રહેશે.




