Business

B ફોર બીડી, B ફોર બિહાર... GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન

By GS TEAM
5 Sep 20253 mins read
TukuTouch Logo
ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર દ્વારા હાલમાં જીએસટીમાં મોટા સુધારા કરાયા છે, જેમાં હાનિકારક પદાર્થો પર જીએસટી વધારાયો છે પણ બીડી પર જીએસટી ઘટાડતા કોંગ્રેસે ટીકા કરી છે. જો કે, કોંગ્રેસને આ ટીકા કરવી ભારે પડી છે. કેરળ કોંગ્રેસે X પર એક પોસ્ટ કરીને બિહાર અને બીડીની તુલના કરતા વિવાદ સર્જાયો છે. આ અંગે ભાજપે આકરી પ્રતિક્રિયા આપતાં તેને બિહાર અને બિહારવાસીઓનું અપમાન ગણાવ્યું છે. આ દરમિયાન જેડીયુએ પણ કોંગ્રેસની ટીકા કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

B ફોર બીડી, B ફોર બિહાર... GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન
શહજાદ પૂનાવાલા, પ્રવક્તા, ભાજપ 


GST Reforms: ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર દ્વારા હાલમાં જીએસટીમાં મોટા સુધારા કરાયા છે, જેમાં હાનિકારક પદાર્થો પર જીએસટી વધારાયો છે પણ બીડી પર જીએસટી ઘટાડતા કોંગ્રેસે  ટીકા કરી છે. જો કે, કોંગ્રેસને આ ટીકા કરવી ભારે પડી છે. કેરળ કોંગ્રેસે  X પર એક પોસ્ટ કરીને બિહાર અને બીડીની તુલના કરતા વિવાદ સર્જાયો છે. આ અંગે ભાજપે આકરી પ્રતિક્રિયા આપતાં તેને બિહાર અને બિહારવાસીઓનું અપમાન ગણાવ્યું છે. આ દરમિયાન જેડીયુએ પણ કોંગ્રેસની ટીકા કરી છે.


કોંગ્રેસના આ ટ્વિટે હોબાળો મચાવ્યો

કેરળ કોંગ્રેસ તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટમાં એક ચાર્ટ રજૂ કરાયો છે, જેમાં સિગારેટ અને અન્ય તમાકુ પ્રોડક્ટ્સ તથા બીડી પર જીએસટીની તુલના છે. તેમનું કહેવું છે કે, તમાકુ અને સિગારેટ પર જીએસટી 28 ટકાથી વધારી 40 ટકા કરાયો, પરંતુ બીડી પર જીએસટી ઘટાડવામાં આવ્યો. બીડી પર પહેલાં 28 ટકા જીએસટી હતો, જે હવે ઘટી 18 ટકા કર્યો છે. 

કેરળ કોંગ્રેસના સત્તાવાર એકાઉન્ટ પરથી આ પોસ્ટમાં લખ્યું છે કે, 'બીડી અને બિહાર બંને 'B'થી શરૂ થાય છે. હવે તેને પાપ ગણી શકાય નહીં.' કોંગ્રેસની આ પોસ્ટથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.  ઉલ્લેખનીય છે, બિહારમાં બીડીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. રાજ્યમાં બીડીના પારંપારિક ઉદ્યોગો ચાલી રહ્યા છે. બિહારમાં આ વર્ષના અંતે ચૂંટણી હોવાથી કેન્દ્ર સરકારે તેના પર જીએસટી ઘટાડી ખુશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેેસે મૂક્યો છે.

બિહાર વિરોધી માનસિકતાઃ ભાજપ

ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ફરી એકવાર પોતાની બિહાર વિરોધી માનસિકતાનો પરિચય આપ્યો છે. તેમણે બિહાર અને બિહારવાસીઓની તુલના બીડી સાથે કરી છે. વિચારો કે, આ કેવા પ્રકારની માનસિકતા છે. આ તે જ કોંગ્રેસ પાર્ટી છે, જેણે હાલમાં વડાપ્રધાન મોદીની માતાને અપશબ્દો કહ્યાં. ડીએમકેના નેતાઓએ અગાઉ બિહારીઓને પાણીપૂરી વેચનારા અને ટોઇલેટ ક્લિનર તરીકે દર્શાવ્યા હતા. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તો બિહારના ડીએનએ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે રાહુલ ગાંધીની ઉત્તર ભારતીયો પર ટિપ્પણીનો પણ મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, કોંગ્રેસે હવે સમગ્ર બિહારનું અપમાન કર્યું છે.


'B'થી માત્ર બીડી નહીં, બુદ્ધિ પણ થાય

જેડીયુ સાંસદ સંજય કુમાર જ્હાંએ આ મામલે કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે, કોંગ્રેસની આ અત્યંત શરમજનક કરતૂત. તમને જણાવી દઉ કે, 'B'થી માત્ર બીડી નહીં, પણ બુદ્ધિ પણ થાય. જે તમારી પાસે નથી. 'B'થી બજેટ પણ થાય. જેમાં બિહારને વિશેષ સહાયતા મળવા પર તમને મરચાં લાગ્યા. બિહારની મજાક બનાવવાની નીચતા પર કોંગ્રેસે માત્ર બિહારવાસીઓનું જ નહીં. પણ દેશના ગૌરવશાળી ઈતિહાસ અને લોકતંત્રની મજાક ઉડાવી છે. બિહારની મહાન જનતા કોંગ્રેસ દ્વારા  વારંવાર કરવામાં આવી રહેલા અપમાનનો આકરો જવાબ આગામી વિધાનસભા ચૂંટણીમાં આપશે. બીડીના ધુમાડાથી નહીં, વોટના ડંકાથી.

નોંધનીય છે, કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી હાલ આ મામલે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.