Business

ટેરિફ રાહતનો લાભ : જૂનમાં અમેરિકા ખાતે નિકાસ વધી આઠ અબજ ડોલરને આંબી ગઈ

By GS TEAM
20 Jul 20251 min read
ટેરિફ રાહતનો લાભ : જૂનમાં અમેરિકા ખાતે નિકાસ વધી આઠ અબજ ડોલરને આંબી ગઈ

નવી દિલ્હી : વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જૂનમાં અમેરિકામાં વેપા૬રી માલની નિકાસ વાર્ષિક ધોરણે ૨૩.૫ ટકા વધીને ૮.૩ અબજ ડોલર થઈ હતી. જોકે, આ સમયગાળા દરમિયાન કુલ નિકાસમાં ઘટાડો થયો છે. ૨૦૨૫ની શરૂઆતથી અમેરિકામાં નિકાસ ૮ અબજ ડોલરને વટાવી ગઈ છે, જ્યારે ૨૦૨૪માં તે ૬થી ૭ અબજ ડોલરની વચ્ચે હતી.

યુએસ વહીવટીતંત્રે ભારત પર લાદવામાં આવેલી ૨૬ ટકા ડયુટીને અસ્થાયી રૂપે બંધ કર્યા પછી ભારતના નિકાસકારો હાલમાં ૧૦ ટકાની બેઝ ડયુટીને પાત્ર છે.

ડેટા એ પણ દર્શાવે છે કે જૂનમાં વેપાર ખાધ ઘટીને ૧૮.૭૮ અબજ ડોલરની ૪ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે કારણ કે મહિનામાં આયાત અને નિકાસ બંનેમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે જૂનમાં વેપાર ખાધ ૨૦.૮૪ અબજ ડોલર હતી અને એક મહિના અગાઉ ૨૧.૮૮ અબજ ડોલર હતી.

જૂનમાં ભારતની નિકાસ વાર્ષિક ધોરણે ૦.૦૬ ટકા ઘટીને ૩૫.૧૧ અબજ ડોલર થઈ ગઈ છે, જેનું મુખ્ય કારણ વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને ચાલુ ટેરિફ યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર દબાણ હતું. જૂનમાં નિકાસ માત્ર ૭ મહિનાની નીચી સપાટીએ જ નહીં, પરંતુ એક મહિના પહેલા કરતા ૯.૨ ટકા ઓછી હતી.

જૂનમાં આયાત ૩.૭ ટકા ઘટીને ૫૩.૯૨ અબજ ડોલર થઈ ગઈ છે. આ પેટ્રોલિયમ ઉત્પાદનો, સોના, લોખંડ અને સ્ટીલની આયાતમાં ઘટાડો થવાને કારણે છે.