Business

૩૧ ઓગસ્ટની મુદત પૂરી થતા પહેલા FCNR થાપણો ઊભી કરવા બેંકોનો ધસારો

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ખાનગી બેન્કો FCNR-B ડિપોઝીટ સ્કીમ માટે આક્રમક પ્રયાસો કરી રહી છે. RBI દ્વારા 31 ઓગસ્ટની મુદત નજીક આવતા, બેન્કોએ વ્યાજ દર 7.50% થી વધુ વધાર્યા છે. આ સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં $52.30 અબજનો પ્રવાહ જોવા મળ્યો છે. અપેક્ષા કરતાં વધુ સારો પ્રતિસાદ અને જાળવણી ખર્ચ વધતા RBI એ સ્કીમ વહેલી બંધ કરવાનો નિર્ણય લીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

૩૧ ઓગસ્ટની મુદત પૂરી થતા પહેલા FCNR થાપણો ઊભી કરવા બેંકોનો  ધસારો

વ્યાજ દરમાં વધારાથી લઈને બાકી રહેલા સમય માટે વેબસાઈટ પર સતત નજર
મુંબઈ : ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (એફસીએનઆર) બેન્ક ડીપોઝિટ સ્વીકારાની સ્કીમની ૩૧ ઓગસ્ટની મુદત નજીક આવી રહી છે તેમ બેન્કો ખાસ કરીને ખાનગી ક્ષેત્રની બેન્કો એફસીએનઆર-બી થાપણ ઊભી કરવા દરેક સાધનોનો આક્રમક ઉપયોગ કરી રહી છે.
થાપણ પરના વ્યાજ દરમાં વધારાથી લઈને બાકી રહેલા સમયગાળાની ગણતરી પર બેન્કોની નજર રહેલી છે. મુદત ટૂંકાવી દેવાનારિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નિર્ણય બાદ કેટલીક ખાનગી બેન્કોએ તો થાપણ પરના વ્યાજ દર વધારી ૭.૫૦ ટકાથી પણ વધુ જેટલા કરી નાખ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
અપેક્ષા કરતા જોરદાર પ્રતિસાદ અને સ્કીમને જાળવવા પાછળના ખર્ચમાં વધારાને પરિણામે આરબીઆઈએ એફસીએનઆર સ્કીમને મુદત પહેલા જ બંધ કરી દેવાનો અચાનક નિર્ણય લેવો પડયો હોવાનું માનવામાં આવે છે. મૂળ મુદત પ્રમાણે સદર સ્કીમ ૩૦ સપ્ટેમ્બર સુધીની હતી. પરંતુ ગયા સપ્તાહે રિઝર્વ બેન્કે તેને ૩૧ ઓગસ્ટ સુધી જ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. ૧૩ ઓગસ્ટ સુધીમાં સદર સ્કીમ હેઠળ ૫૨.૩૦ અબજ ડોલરનો ઈન્ફલો જોવા મળ્યો હતો.
હજુ એક સપ્તાહ પહેલા જ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્કીમ વહેલી બંધ કરવાની કોઈ યોજના નહીં હોવાનું જાહેર કર્યુ હતું. જેને પગલે બેન્કો આ સ્કીમ તેની મૂળ મુદત સુધી ચાલુ રહેશે તેવી ધારણાં રાખી રહી હતી.
જો કે સ્કીમ હેઠળ મેળવાયેલા ડોલરની જાળવણી પેટે ઊચા ખર્ચ તથા અપેક્ષા કરતા વધુ સારા પ્રતિસાદને કારણે સ્કીમ વહેલી બંધ કરી દેવાઈ હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.
પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવ આસમાને જતા ભારતીય રૂપિયા પર દબાણ આવ્યું છે અને ચૂકવણીની સમતુલા પણ લથડી ગઈ હતી જેને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે ડોલર પ્રવાહ વધારવા કેટલીક શરતો સાથે એફસીએનઆર - બી ડીપોઝિટ સ્કીમ શરૂ કરી હતી.
આ સ્કીમનો લાભ લઈ બેન્કોએ પણ નોંધપાત્ર ડોલર ઊભા કર્યા હતા. ડોલર ડીપોઝિટસ પરની વ્યાજ મર્યાદા રિઝર્વ બેન્કે કાઢી નાખી હતી. બેન્કોએ એફસીએનઆર-બી થાપણના દર ૭.૮૦ ટકા સુધી વધારી દીધા હતા જે ખર્ચાળ સાબિત થઈ શકે છે એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતં.
૩૦ સપ્ટેમ્બરના સ્કીમ બંધ થવા સુધીમાં ૭૦ અબજ ડોલર એકત્રિત થવાની અપેક્ષા રખાતી હતી.એફસીએનઆર ડીપોઝિટ એક જોતા ઉધારમાં લીધેલા ડોલર છે અને પાકતી મુદતે તે પરત કરવાના રહેશે. ખરેખર તો આપણે વિશ્વાસ પ્રસ્થાપિત થાય તેવા પ્રવાહની આવશ્યકતા છે એમ આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે તાજેતરમાં જણાવ્યું હતું. ફોરેન ડાયરેકટ અને પોર્ટફોલિઓ ઈન્વેસ્ટમેન્ટ જેવા વિશ્વાસ વધારતા પગલાંની આપણને જરૂરિયાત છે.
સ્કીમ હેઠળ ડોલરના પ્રવાહ છતાં રૂપિયામાં ખસા મજબૂતાઈ જોવા મળી નથી જ્યારે ૨૦૧૩માં લેવાયેલા આવા જ પ્રકારના પગલાંને કારણે રૂપિયો સાત ટકા સુધર્યો હતો. હાલમાં રૂપિયો હજુ પણ ૯૫.૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. ૧૪ જૂનના રોજ તે ૯૫.૧૫ આસપાસ હતો.