રુપીમાં પેમેન્ટ સ્વીકારવાની છૂટથી રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ વધશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચલણના કન્વર્ઝન ખર્ચમાંથી નિકાસકારોને રાહત મળી રહેશે
મુંબઈ : વિદેશમાં વેચેલા માલ પેટે ભારતીય રુપીમાં પેમેન્ટ સ્વીકારવાની નિકાસકારોને છૂટ આપવાના નિર્ણયથી રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં મદદ મળશે એમ ઉદ્યોગ સંસ્થા સીઆઈઆઈ દ્વારા જણાવાયુ હતું.
દેશની વિદેશ વેપાર નીતિને સાનુકૂળ બનાવવાના સરકારના પ્રયાસોમાં સાથે મળી કામ કરવા ભારતના ઉદ્યોગ કટિબદ્ધ છે એમ સીઆઈઆઈની એક્ઝિમ પરની રાષ્ટ્રીય સમિતિના ચેરમેન સંજય બુધિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં વિદેશમાં કરેલા વેચાણનું બિલ ભારતીય રૂપિયામાં બનાવવા તથા તેનું પેમેન્ટ રૂપિયામાં સ્વીકારવાની મંજુરી અપાઈ છે.
દેશના વિદેશ વેપાર માળખાને સરળ તથા આધુનિક બનાવવાના સરકારના પ્રયાસોને ભારતીય ઉદ્યોગ આવકારે છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ નિર્ણયને કારણે કરન્સીના કન્વર્ઝન ખર્ચમાંથી રાહત મળશે એમ એેક નિકાસકારે જણાવ્યું હતું. આને કારણે ભારતની નિકાસની સ્પર્ધાત્મકતામાં વધારો થશે. રિઝર્વ બેન્કના છેલ્લામાં છેલ્લા ડેટા પ્રમાણે નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં નિકાસના રૂપિયામાં બિલિંગનો આંક રૂપિયા ૩.૫૪ લાખ કરોડ રહ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં રૂપિયા ૩.૦૮ લાખ કરોડ રહ્યો હતો.
આજ રીતે આયાત બિલ પણ રૂપિયા ૨.૬૦ લાખ કરોડથી વધી રૂપિયા ૨.૯૬ લાખ કરોડ રહ્યુ હતું.




