Ahmedabad CGST Issues Penalty Notice To Vi : વોડાફોન-આઈડિયા(Vi)ને અમદાવાદના સેન્ટ્ર્લ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(CGST) કમિશનર ઓફિસ દ્વારા આશરે રૂ.638 કરોડની પેનલ્ટી નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જાણકારી આપી છે. જ્યારે Viનું કહેવું છે કે, તેઓ આ ટેક્સ ડિમાન્ડથી સહમત નથી અને આ મામલે કાયદાકીય કાર્યવાહી માટે કોર્ટમાં જઈશું.
વોડાફોન-આઈડિયાને રૂ.638 કરોડનો દંડ!
અમદાવાદ CGST કમિશનર ઓફિસ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, Vi કંપની પર ટેક્સમાં ઓછી ભરપાઈ અને ખોટા ઈનપુટ ટેક્સ ક્રેડિટ(ITC)નો આરોપી લગાવવામાં આવ્યો છે. વોડાફોન-આઈડિયા કંપનીએ ટેક્સ ઓછો ભરવાની સાથે ITCનો વધુ ઉપયોગ કર્યો છે.
આ આદેશ CGST એક્ટ 2017ની કલમ 74 હેઠળ લગાવવામાં આવ્યો છે. જેમાં અંદાજે રૂ.638 કરોડની પેનલ્ટીની સાથે-સાથે ટેક્સ અને તેના પર લાગેલા વ્યાજની પણ માગ કરવામાં આવી છે.
Vi કંપનીએ શું કહ્યું?
કંપનીએ જણાવ્યું હતું કે, 'અમે આદેશ સાથે સહમત નથી અને તેને પડકારીશું.' સ્ટોક એક્સચેન્જ (BSE) સાથેની ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, 'અમે આદેશ સાથે સહમત નથી અને તેની સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરીશું.' સામાન્ય રીતે આવી પરિસ્થિતિઓમાં કંપનીઓ એપેલેટ ટ્રિબ્યુનલ અથવા હાઇકોર્ટનો સંપર્ક કરે છે.
અગાઉ, કેન્દ્ર સરકારે દેવા હેઠળ દબાયેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાને નોંધપાત્ર રાહત આપી હતી. 31 ડિસેમ્બરે સરકારે કંપનીના AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) બાકી લેણાં 87,695 કરોડ રૂપિયા ફ્રીઝ કરી દીધા હતા.
આ પણ વાંચો: વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે
આનો અર્થ એ થયો કે, કંપનીને હવે આ મોટી રકમ તાત્કાલિક ચૂકવવાની રહેશે નહીં. મળતી માહિતી મુજબ, આ ચુકવણી હવે નાણાકીય વર્ષ 2032 અને 2041 વચ્ચે 10 વર્ષની મુદત દરમિયાન કરવામાં આવશે. AGR એ ટેલિકોમ કંપનીઓના આવકનો ભાગ છે, જેના પર સરકાર લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુઝ ચાર્જીસ(SUC) લગાવે છે.


