Business

શેરોમાં આરંભિક ધોવાણે સેન્સેક્સ ૭૪૨ પોઈન્ટના ધબડકા બાદ અંતે ૧૨૧ પોઈન્ટ ઘટીને ૭૪૭૮૨

By GS Team
12 Sep 20265 mins read
TukuTouch Logo
ઈરાન પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલના ભાવ વધતા મુંબઈ શેરબજારમાં કડાકો બોલાયો હતો. મેટલ અને ઓટો શેરો તૂટ્યા, જ્યારે આઈટી શેરોમાં રિકવરી જોવા મળી. FPIs/FIIએ રૂ. 930 કરોડની ચોખ્ખી વેચવાલી કરી, જ્યારે DIIએ રૂ. 1968 કરોડની ખરીદી કરી હતી. નિફ્ટી 80 પોઈન્ટ ઘટી 23398 પર બંધ રહ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરોમાં આરંભિક ધોવાણે સેન્સેક્સ ૭૪૨ પોઈન્ટના ધબડકા બાદ અંતે ૧૨૧ પોઈન્ટ ઘટીને ૭૪૭૮૨

ક્રુડ ઓઈલનો રેલો આવતાં બજાર લપસણી ચાલે ફંગોળાયુ : મેટલ, ઓટો શેરો તૂટયા : આઈટી શેરોમાં રિકવરી
નિફટી ૨૩૨૩૧ના તળીયે જઈ અંતે ૮૦ પોઈન્ટ ઘટીને ૨૩૩૯૮ : FPIs/FIIની રૃ.૯૩૦ કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : ઈરાન પર અમેરિકાના ભીષણ હુમલા અને યુદ્વ વકરતું જઈ પશ્ચિમ એશીયાના દેશોને પણ લપેટવા લાગતાં વિશ્વને થતો ક્રુડ ઓઈલ સહિત એનજીૅ પુરવઠો અટકી જવાના સ્પષ્ટ એંધાણે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલની આગ ભભૂકી ઉઠી ભાવ ૧૦૯ ડોલર સુધી પહોંચી જતાં ક્રુડના રેલામાં વૈશ્વિક બજારો તણાયા હતા. ક્રુડના કારણે ભારત સહિતના દેશોના અર્થતંત્ર પરનું સંકટ વધવાની પૂરી શકયતાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ શેરો વેચીને ઉચાળા ભરવાનું ચાલુ રાખ્યું હતું. મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ શેરોમાં ધોવાણે સેન્સેક્સ આરંભિક કડાકામાં ૭૪૨.૪૩ પોઈન્ટના તૂટીને નીચામાં ૭૪૧૬૦.૧૬ સુધી આવી ગયા બાદ ક્રુડ ઓઈલના ભાવમાં કરેકશન આવી ત્રણ ડોલર જેટલા ઘટી આવતાં અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં કવરિંગ સાથે ફંડો લેવાલ બનતાં મોટો ઘટાડો પચાવીને અંતે ૧૨૦.૮૩ પોઈન્ટ ઘટીને ૭૪૭૮૧.૭૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૩૨૩૧.૪૦ સુધી ખાબકી અંતે ૭૯.૭૦ પોઈન્ટ ઘટીને ૨૩૩૯૮.૧૦ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૧૦૧૨ પોઈન્ટ તૂટયો : હિન્દાલ્કો રૂ.૩૭ તૂટી રૂ.૯૮૧ : જેએસડબલ્યુ, હિન્દ. ઝિંક ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે ધૂમ વેચવાલી થઈ હતી. વિશ્વ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાઈ જતાં અને ઈન્ડસ્ટ્રીયલ મેટલના ભાવો પણ ઘટાડા તરફી થતાં ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. હિન્દાલ્કો રૂ.૩૭.૧૦ તૂટીને રૂ.૯૮૧.૯૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪૦.૫૦ ઘટીને રૂ.૧૨૬૭.૫૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૫૭૬.૦૫, એનએમડીસી રૂ.૨.૩૫ ઘટીને રૂ.૮૨.૪૫, સેઈલ રૂ.૫ ઘટીને રૂ.૧૭૯, નાલ્કો રૂ.૧૦ ઘટીને રૂ.૩૬૧.૪૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૩.૭૦ ઘટીને રૂ.૧૧૧૮.૩૦, એપીએલ અપોલો રૂ.૪૫ ઘટીને રૂ.૨૧૫૩, ટાટા સ્ટીલ રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૮૨.૮૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૧૧.૮૧ પોઈન્ટ તૂટીને ૪૧૧૯૯.૧૯ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૪૫ પોઈન્ટ ઘટયો : ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, અદાણી ટોટલ ગેસ ઘટયા
ક્રુડ ઓઈલના ભાવ વિશ્વ બજારમાં ગઈકાલે ૧૦૯ ડોલર જેટલા પહોંચી જતાં ઓઈલ-ગેસ શેરોમાં આરંભિક ધૂમ વેચવાલીએ કડાકો બોલાઈ ગયો હતો. જે ક્રુડના ભાવ વધ્યામથાળેથી ઝડપી ઘટી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ કવરિંગ સાથે રિકવરી જોવાઈ હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૪૮૮.૨૫, ઓએનજીસી રૂ.૪.૪૫ ઘટીને રૂ.૨૩૨.૫૫, અદાણી ટોટલ ગેસ રૂ.૮.૧૦ ઘટીને રૂ.૫૯૪.૮૦, એચપીસીએલ રૂ.૩ ઘટીને રૂ.૩૫૧, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૧૦ ઘટીને રૂ.૧૭૩.૯૦ રહ્યા હતા. અલબત ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૪૫.૦૧ પોઈન્ટ ઘટીને ૨૫૫૯૬.૪૪ બંધ રહ્યો હતો.
સપ્તાહના અંતે સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડોની સતત વ્યાપક વેચવાલી : ૨૬૧૨ શેરો નેગેટીવ બંધ
સપ્તાહના અંતે આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફંડો, ખેલંદાઓએ વ્યાપક વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ સતત નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૮૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૩૯ અને ઘટનારની સંખ્યા ૨૬૧૨ રહી હતી.
પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતો વધારો : ઓટો શેરોમાં સતત ગાબડાં : આઈશર, હ્યુન્ડાઈ તૂટયા
ક્રુડ ઓઈલના ભાવમાં ભડકાના કારણે ગમે તે ઘડીએ પેટ્રોલ, ડિઝલના ભાવમાં તીવ્ર વધારો થવાની શકયતા અને આ સાથે દુકાળના ભણકારાંએ તહેવારોમાં વાહનોની ખરીદીને નબળો પ્રતિસાદ સાંપડવાની આશંકાએ ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં અવિરત વેચવાલી રહી હતી. આઈશર મોટર્સ રૂ.૧૬૦ તૂટીને રૂ.૭૫૪૦, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮.૧૫ ઘટીને રૂ.૪૧૨.૬૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૩૯.૫૦ તૂટીને રૂ.૨૧૭૫, સોના બીએલડબલ્યુ રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૭૮૮.૯૫, ઉનો મિન્ડા રૂ.૨૧.૧૦ ઘટીને રૂ.૧૨૦૨.૪૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૨.૭૫ ઘટીને રૂ.૨૬૦૭.૨૫, અશોક લેલેન્ડ રૂ.૨.૩૫ ઘટીને રૂ.૧૬૩.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૩૬.૯૩ પોઈન્ટ તૂટીને ૬૦૩૮૫.૧૮ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં સતત ઓફલોડિંગ : આઈશર મોટર્સ રૂ.૧૬૦ તૂટયો : એક્સાઈડ, હ્યુન્ડાઈ ગબડયા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે સતત વેચવાલી રહી હતી.કોચીન શિપ રૂ.૧૪૩.૩૫ તૂટીને રૂ.૧૩૮૧.૫૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૩.૬૫ તૂટીને રૂ.૩૩૬૭, એસ્ટ્રલ રૂ.૪૯.૯૦ તૂટીને રૂ.૧૪૧૦.૧૦, મઝગાંવ ડોક રૂ.૫૯.૫૦ તૂટીને રૂ.૨૩૩૫.૫૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૭.૬૫ ઘટીને રૂ.૨૧૬૭.૬૫, જયોતી સીએનસી રૂ.૧૬.૧૦ ઘટીને રૂ.૯૮૭.૯૫, કાર્બોરેન્ડમ યુનિવ ર્સલ રૂ.૧૬.૫૫ ઘટીને રૂ.૧૦૭૪.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૪૧.૩૩ પોઈન્ટ ઘટીને ૭૭૫૪૦.૦૬ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ફરી ગાબડાં : ગોદરેજ પ્રોપર્ટી રૂ.૧૨૪ તૂટયો : લોઢા ડેવલપર્સ, પ્રેસ્ટિજ ઘટયા
પ્રોપર્ટી માર્કેટમાં મંદીના એંધાણ સાથે ખરીદી મંદ પડી રહ્યાના અહેવાલોએ આજે રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફરી ગાબડાં પડયા હતા. ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૧૨૪ તૂટીને રૂ.૧૭૪૫, લોઢા ડેવલપર્સ રૂ.૫૯ તૂટીને રૂ.૧૧૧૩, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ રૂ.૫૧.૮૫ ઘટીને રૂ.૧૨૮૪.૬૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૮.૯૫ ઘટીને રૂ.૧૫૦૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૩૭.૬૦ ઘટીને રૂ.૧૭૪૭.૪૦, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૬૩૮.૯૦, ડીએલએફ રૂ.૧૧.૪૦ ઘટીને રૂ.૬૪૩.૬૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૮૩.૧૫ પોઈન્ટ ઘટીને ૬૬૨૯.૩૭ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં વેલ્યુબાઈંગે રિકવરી : બ્લેક બોક્સ રૂ.૫૫ ઉછળ્યો : ઓરિએન્ટ ટેક, ઈન્નોવાના વધ્યા
આઈટી-સોફ્ટવેર, ટેકનોલોજી શેરોમાં પાછલા દિવસોમાં કડાકો બોલાઈ ગયા બાદ આજે ઝડપી રિકવરીમાં ફ્રન્ટલાઈન શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. બ્લેક બોક્સ રૂ.૫૫.૩૫ વધીને રૂ.૮૦૦.૮૦, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૧૫.૪૦ વધીને રૂ.૨૫૦.૧૫, ઈન્નોવાના રૂ.૧૬.૬૫ વધીને રૂ.૩૨૫.૧૦, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૧૭.૯૦ વધીને રૂ.૫૯૩.૧૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૭.૫૦ વધીને રૂ.૩૦૭.૪૫, સોનાટા સોફ્ટવેર રૂ.૫.૬૫ વધીને રૂ.૨૬૫.૮૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૯.૧૫ વધીને રૂ.૯૦૭.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૮૦.૬૨ પોઈન્ટ વધીને ૨૭૮૨૩.૪૮ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૯૩૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૯૬૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૯૩૦.૯૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૬૧૬.૮૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૫૪૭.૭૯ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૯૬૮.૧૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૧૦૯.૫૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૧૪૧.૪૧ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૧૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૮૧.૫૫ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૧૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૮૧.૫૫ લાખ કરોડ રહ્યું હતું.