અમેરિકાનું દેવું 40 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું, દુનિયાભરના શેરબજાર માટે ખતરાની ઘંટડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US $40 Trillion Debt Impact: દુનિયાભરના શેરબજારોમાં આવતા તીવ્ર ઉતાર-ચઢાવે રોકાણકારોનું ટેન્શન વધારી દીધું છે. ક્યારેક બજારમાં અચાનક મોટો ઉછાળો આવે છે, તો ક્યારેક તે ક્ષણવારમાં ધરાશાયી થઈ જાય છે. વિશ્વપ્રસિદ્ધ બ્રોકરેજ ફર્મ જેફરીઝ અનુસાર, આ વધઘટ હજુ પણ આગળ જોવા મળી શકે છે. રિપોર્ટમાં અમેરિકાને આ સ્થિતિ માટે મુખ્ય કારણ દર્શાવતા જણાવાયું છે કે, અમેરિકા પર વધતા જતા દેવાનું બોજ સમગ્ર વિશ્વના સ્ટોક માર્કેટ માટે જોખમ ઊભું કરી રહ્યું છે.
અમેરિકા પર 40 ટ્રિલિયન ડૉલરનું કરજ, નાણાકીય સ્થિતિ વણસી
જેફરીઝના ગ્લોબલ ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વૂડના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સની કથળતી નાણાકીય સ્થિતિ લાંબા ગાળાના ટ્રેઝરી બૉન્ડ્સ પર ભારે દબાણ ઊભું કરી રહી છે. 18 ઓગસ્ટના રોજ અમેરિકાનું રાષ્ટ્રીય દેવું અંદાજે 40.05 ટ્રિલિયન ડૉલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે, જે ગયા વર્ષની સરખામણીએ 7.8% વધુ છે. એટલું જ નહીં, સંઘીય સરકારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં જ 1.8 ટ્રિલિયન ડૉલરની ખોટ (રાજકોષીય ખાધ) નોંધાવી છે. એકલા જુલાઈ મહિનામાં જ 432 અબજ ડૉલરની માસિક ખાધ નોંધાઈ હતી, જે માર્ચ 2021 પછીની સૌથી મોટી ખાધ છે.
આવકમાં ઘટાડો અને સરકારી ખર્ચમાં તોતિંગ વધારો
અમેરિકાની કમાણી અને ખર્ચ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે. જુલાઈ મહિનામાં ફેડરલ રેવેન્યૂમાં ગયા વર્ષની સરખામણીએ 1.3%નો અને છેલ્લા ત્રણ મહિનામાં 5.7%નો ઘટાડો થયો છે. ટેક્સ કલેક્શન અને ડ્યૂટી સહિતની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. આની સામે સરકારી ખર્ચાવમાં ધરખમ વધારો થયો છે. સંઘીય ખર્ચ જુલાઈમાં એક વર્ષ પહેલાંની સરખામણીએ 21.7% વધી ગયો છે. આવક ઓછી અને ખર્ચ વધુ હોવાના કારણે ઉધાર લેવાની ઝડપ અને વ્યાજ ચૂકવણીનો બોજ સતત વધી રહ્યો છે.
યુએસ બૉન્ડ માર્કેટમાં ઉછાળો અને વૈશ્વિક બજારો પર ખતરો
અમેરિકન બૉન્ડ માર્કેટમાં 10-વર્ષીય ટ્રેઝરી બૉન્ડની યીલ્ડ 4.683% પહોંચી ગઈ છે, જે છેલ્લા 19 વર્ષમાં સૌથી ઊંચું સ્તર છે. જ્યારે 30-વર્ષીય બૉન્ડની હરાજી 5.216% સુધી પહોંચી ગઈ છે, જે વર્ષ 2001 પછીનું સૌથી ઊંચું સ્તર છે. આ ખતરો માત્ર અમેરિકા પૂરતો સીમિત નથી રહેવાનો, કારણ કે અમેરિકન સરકારી બૉન્ડ્સ વિશ્વભરની બેન્કો, પેન્શન ફંડ્સ, વીમા કંપનીઓ અને અન્ય દેશોની સરકારો પાસે મોટી માત્રામાં રોકાયેલા છે. તેથી ટ્રેઝરી યીલ્ડમાં થતો આ વધારો વૈશ્વિક સ્તરે તમામ બજારો અને રોકાણકારો માટે ભારે અસ્થિરતા સર્જી શકે છે.









