Business

ATM થી કેશ ઉપાડ મોંઘું! 1 ઓક્ટોબરથી SBI બદલશે નિયમ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા (SBI) 1 ઓક્ટોબરથી ATMમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરશે. બેઝિક સેવિંગ્સ બૅંક ડિપોઝિટ (BSBD) ખાતાધારકોને 4 મફત ઉપાડ પછી દરેક ટ્રાન્ઝેક્શન પર ₹15 અને GST ચૂકવવો પડશે. આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ (AePS)ના નિયમો પણ બદલાયા છે. જોકે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન મફત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ATM થી કેશ ઉપાડ મોંઘું! 1 ઓક્ટોબરથી SBI બદલશે નિયમ
IMAGE - IANS

SBI ATM cash withdrawal fee: ભારતીય સ્ટેટ બૅંક દ્વારા આગામી 1 ઓક્ટોબરથી નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જો તમારું ખાતું પણ SBIમાં છે, તો હવે એટીએમમાંથી કેશ ઉપાડવા પર તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. જો કે, આ નવો નિયમ તમામ ગ્રાહકોને લાગુ પડશે નહીં. બૅંક દ્વારા આ અંગેની જાણકારી અગાઉ ઓગસ્ટ મહિનામાં જ આપવામાં આવી હતી.

કયા ખાતાધારકો પર થશે અસર?

આ ફેરફાર મુખ્યત્વે એવા ગ્રાહકોને અસર કરશે જેમણે બૅંક શાખા દ્વારા 'બેઝિક સેવિંગ્સ બૅંક ડિપોઝિટ' (BSBD) ખાતું ખોલાવ્યું છે. આ ખાતાધારકો માટે 1 ઓક્ટોબરથી મફત મર્યાદા કરતાં વધુ વખત રોકડ ઉપાડવા પર ચાર્જ લાગુ થશે.

15 રૂપિયાનો લાગશે ચાર્જ

બૅંકના નિયમ મુજબ, ગ્રાહકોને દર મહિને ચાર વખત ફ્રીમાં કેશ કાઢવાની સુવિધા મળતી રહેશે. પરંતુ આ ફ્રી મર્યાદા પૂરી થયા બાદ, દરેક વધારાના કેશ વિડ્રોલ પર 15 રૂપિયા અને તેના પર લાગુ થતો જીએસટી ચાર્જ ચૂકવવો પડશે. SBIએ પબ્લિક નોટિસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની માહિતી શેર કરી છે. જો કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ જ મફત રહેશે અને તેની સંખ્યા પર કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ (AePS)ના નિયમો બદલાયા

આ સિવાય આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS) દ્વારા થતા ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ, AePS ટ્રાન્ઝેક્શનને ડિજિટલ લેણ-દેણ ગણવામાં આવતું હતું અને તેને મહિનાની ચાર ફ્રી વિડ્રોલ લિમિટમાં ગણવામાં નહોતું આવતું. પરંતુ હવે એસબીઆઈએ આ છૂટ પાછી ખેંચી લીધી છે, એટલે કે હવે AePS ટ્રાન્ઝેક્શનને અલગ રીતે ગણવામાં આવશે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં ફેરફાર

આગામી નિયમો ઉપરાંત, SBIએ ઓગસ્ટ મહિનામાં 3 કરોડ રૂપિયા અને તેથી વધુની ડોમેસ્ટિક બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં પણ ફેરફાર કર્યા હતા, જે 15 ઓગસ્ટથી અમલમાં આવી ચૂક્યા છે.

બૅંકની મજબૂત નાણાકીય સ્થિતિ

નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એસબીઆઈએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બૅંકના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 10.23 ટકાનો વધારો નોંધાયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં બૅંકનો ચોખ્ખો નફો 21,121 કરોડ રૂપિયા રહ્યો છે, જ્યારે અગાઉના વર્ષના સમાન ગાળામાં આ આંકડો 19,160 કરોડ રૂપિયા હતો. બૅંકની વ્યાજમાંથી થતી આવક અને લોન વિતરણમાં થયેલા મજબૂત વધારાને કારણે આ સારો દેખાવ શક્ય બન્યો છે.