Business

ટ્રમ્પના એક ઇશારાથી અચાનક જ ક્રૂડ ઓઇલ સસ્તુ થવા લાગ્યું, ફરી કિંમત 100 ડૉલર નીચે

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 100 ડૉલર નીચે 98 ડૉલર પ્રતિ બેરલ થયું. ટ્રમ્પે ઈરાનને 'તબાહ' કરવાની ચેતવણી આપી, પણ ઓઇલ સસ્તું થવાની ભવિષ્યવાણી પણ કરી હતી. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અમેરિકા સમક્ષ શરત મૂકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના એક ઇશારાથી અચાનક જ ક્રૂડ ઓઇલ સસ્તુ થવા લાગ્યું, ફરી કિંમત 100 ડૉલર નીચે
IMAGE - IANS

Crude Oil Prices Crash: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન અને ચેતવણી બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો કડાકો બોલાયો છે અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરની નીચે પહોંચી ગયો છે.

ઈરાનને ધમકી અને ઓઇલ સસ્તુ થવાની ભવિષ્યવાણી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ ઈરાનને કોઈ પણ પ્રકારની સમજૂતી ન થવાની સ્થિતિમાં 'સંપૂર્ણપણે તબાહ' કરી દેવાની કડક ચેતવણી આપી છે, તો બીજી તરફ ઓઇલના ભાવ ઝડપથી ઘટવાની ભવિષ્યવાણી પણ કરી છે. યુએનજીએ (UNGA)માં સામેલ થયેલા ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપ્યાના થોડા જ કલાકોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હોવાની વાત શેર કરી હતી. આ બેઠક બાદ તેમણે દાવો કર્યો હતો કે આગામી સમયમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત અને ટ્રમ્પના દાવાની અસર તરત જ બજાર પર જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને 98 ડૉલર પ્રતિ બેરલની આસપાસ આવી ગઈ છે. આ ઉપરાંત ડબલ્યુટીઆઈ (WTI) ક્રૂડ ઓઇલ 89 ડૉલર પ્રતિ બેરલ સુધી ગગડી ગયું છે, જ્યારે મરબન ક્રૂડ ઓઇલ પણ ઘટીને 108 ડૉલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે. અગાઉ આ તમામ કિંમતો 100 ડૉલરથી ઉપર ચાલી રહી હતી, જેના કારણે આયાત પર નિર્ભર દેશોમાં મોંઘવારીનું જોખમ વધી ગયું હતું.

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનની શરત

એક તરફ ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થઈ રહ્યા છે, તો બીજી તરફ ઓઇલ માર્કેટને પ્રભાવિત કરનાર હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી મુકવા માટે ઈરાને એક શરત મૂકી છે. ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, જો અમેરિકા સૈન્ય દબાણ ઓછું કરે અને ઈરાની બંદરગાહો પરથી નાકાબંધી હટાવી લે, તો આગામી સાત દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલી શકાય છે. તેહરાન ઈચ્છે છે કે વાશિંગ્ટન સત્તાવાર રીતે સ્પષ્ટ કરે કે તે રાજદ્વારી ઉકેલ ઇચ્છે છે.